Columns

નાની નાની વસ્તુઓ

એક દિવસ મોટી થતી દીકરી મતિએ તેની મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, તું ઘર ,પરિવાર આટલો સારી રીતે સંભાળે છે..કેરિયરમાં પણ સફળ છે …એટલી હોંશિયાર છે કે કોઇ પણ વિષય પણ બરાબર અભિપ્રાય આપી શકે છે…અમને આટલો પ્રેમ આપે છે અને કાન પકડી સાચો રસ્તો બતાવે છે…આપણી સોસાયટી હોય કે કુટુંબ કે સમાજ બધે તને એક વિશેષ માન મળે છે.તારા સ્કૂલનાં મિત્રો સાથે તારી મસ્તી પણ મેં જોઈ છે અને પપ્પા સાથેનો પ્રેમ પણ …પપ્પા હંમેશા કહે છે કે કદાચ અત્યારે તું જ્યાં છે ત્યાંથી તારી કેરિયરમાં વધુ આગળ હોત, જો તેં માત્ર કેરિયર પર ધ્યાન આપ્યું હોત, પણ તેં ઘર …પરિવાર…બાળકોને જાળવીને સાથે આ બધું મેળવ્યું છે.’

મમ્મી નલિનીએ કહ્યું, ‘મતિ, બેટા બસ કર હવે … કૈંક ખાસ કામ છે.’ મતિ બોલી, ‘મમ્મી, મારે કામ તો તારું હરઘડી હોય છે અને રહેશે જ …પણ આ તો સાવ સાચી વાત છે અને બસ મારી એક જ ઈચ્છા છે કે મારે તારા જેવા બનવું છે.’ મમ્મી બોલી, ‘દીકરા, તું મારી દીકરી છે એટલે મારી જ છાયા છે અને મેં જ તને ઉછેરી છે એટલે તું મારા જેવી જ છે પણ તું મતિ જેવી એટલે કે તારા જેવી ખાસ બનજે…હું કેરિયરમાં થોડી પાછળ છું. તું વધુ આગળ વધજે.’ મતિ બોલી, ‘ના મમ્મી , મારે તો તારા જેવા જ બનવું છે એટલે તું મને તારી નબળાઈ અને તારી તાકાત વિષે કહે.’મમ્મી થોડી વિચારમાં પડી અને પછી બોલી, ‘મતિ ,તું મને ઓળખે જ છે.

હું તને મારી એક નબળાઈ કહું તો તે એ છે કે હું બહુ સેન્સીટીવ અને લાગણીશીલ છું. મને નાની નાની બાબતો પણ બહુ દુઃખ પહોંચાડે છે.ડીસ્ટર્બ કરી નાખે છે.તું આ બાબતે મારા કરતાં મજબૂત છે અને હજી બનજે.નાની નાની બાબતો તારા મન પર હાવી થઈ જઈ તારું કામ ..તારા દિવસો કે તારા સબંધો ન બગાડે તેનું ધ્યાન રાખજે.’ મતિ બોલી, ‘મમ્મી તારી શક્તિ …? તારી તાકાત શું છે ??’મમ્મીએ કહ્યું, ‘મતિ, મારો પરિવાર ,મારા પતિ અને બાળકો ,મારું ભણતર, મારો સ્વભાવ અને વિચારો મારી તાકાત છે જ પણ એક ખાસ વસ્તુ છે કે હું નાની નાની બાબતો ..નાના નાના પ્રસંગો…નાના સરપ્રાઈઝ કે ગીફ્ટથી પણ ખુશ થઇ શકું છું.

દરેક નાની પણ લાગણીભરી , મસ્તીભરી બાબત મને ખુશ કરે છે અને દરેક સંજોગોમાં ખુશ રહેવું ,હંમેશા સારું શું છે તે શોધી તેની પર ધ્યાન આપવું અને આનંદિત રહી કામ કરવું મારી શક્તિ છે.તમે લોકો ઝડપથી આગળ વધવામાં નાની નાની બાબતોની ખુશી પર ધ્યાન આપતા જ નથી.તમારી અપેક્ષાઓ મોટી હોય છે અને એટલે જો તે પૂરી ન થાય તો દુઃખી થાવ છો.જીવનમાં ખુશ થવા જેવી અનેક નાની નાની બાબતો આપણા જીવનમાં બનતી જ રહે છે.જરૂર છે ધ્યાન આપવાની. જો હું તો તારી સાથે આ વાતો કરી એટલે જ ખુશ છું એટલે તારો ફેવરીટ હલવો બનાવીશ. ચલ, મારા જેવા બનવું છે તો મને મદદ કર.’મતિ મમ્મીને ભેટી પડી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top