Columns

કુશળ વહીવટકર્તા સર માધવ રાવ અને તેમના વહીવટના ખ્યાલ

હાલમાં ‘ધ પ્રોગ્રેસિવ મહારાજા : માધવ રાવ્સ હિન્ટ્સ ઑન ધ આર્ટ ઍન્ડ સાયન્સ ઑફ ગવર્નમેન્ટ’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક સંપાદિત થયું છે રાહુલ સાગર દ્વારા. પુસ્તકના મથાળામાં જે નામ આવે છે તે માધવ રાવ આજના સમયમાં અજાણ્યું નામ લાગે છે અને તેમના પર અત્યાર સુધી અનેક પુસ્તકો લખાયાં છતાં તે નામ અજાણ જ રહ્યું છે પણ અંગ્રેજ શાસન દરમિયાન જે દેશી રાજ્યોએ ખૂબ સારો વહીવટ કરી દાખવ્યો તેમાં એક નામ મહારાજા માધવ રાવનું રહ્યું.

તેમના પ્રવૃત્ત વર્ષો 1857થી 1882 દરમિયાન, જેમાં તેઓ ઇન્દોર, બરોડા અને ત્રાવણકોરના દિવાન રહ્યા. દિવાન[વડા પ્રધાન] સિવાય પણ તેમની ઓળખ વહીવટકર્તા, રાજનેતા તરીકેની અપાય છે. તેમના તે વખતના વહીવટ અને દૃષ્ટિકોણની આજે પણ દાદ દેવાય છે અને અંગ્રેજ શાસને પણ તેમના કાર્યની પ્રશંસા કરી છે. ઓગણીસમી સદીની આ ખ્યાતનામ વ્યક્તિના કારણે કંઈક અંશે અંગ્રેજોએ સ્વીકાર્યું કે હિંદુસ્તાનમાંથી પણ કોઈ યોગ્ય વહીવટ કરી શકે છે. તેમના વહીવટના જે ‘આદર્શ રાજ્યો’ બન્યા તેમાં એક ત્રાવણકોર છે અને બીજું બરોડા. આ બંને ક્ષેત્રોમાં આજે પણ માધવ રાવની દૃષ્ટિ જોઈ શકાય છે.

રાજ્યના વહીવટની બાબતે હંમેશાં સજ્જ વ્યક્તિઓની ખોટ વર્તાતી રહી છે, તે ખોટ આજે પણ છે અને જ્યારે અંગ્રેજોનું રાજ્ય હિંદુસ્તાનમાં હતું ત્યારે તો એવો પ્રચાર થતો રહ્યો કે ભારતીયો તેમની મેળે વહીવટ કરી શકે તેવા સક્ષમ નથી. આ માન્યતા આઝાદી પછી પણ તૂટી નહીં પરંતુ અંગ્રેજોના શાસનકાળમાં કેટલાક એવા અપવાદ તેમની આંખો સામે આવ્યા જ્યારે તેમને પણ એવું લાગ્યું કે અમે આ વ્યક્તિ પાસેથી કશુંક મેળવી શકીએ છીએ. આવી વ્યક્તિઓમાં અંગ્રેજો માધવ રાવની પણ ગણના કરતા હતા. હેન્રી ફેવકેટ નામના બ્રિટિશ વિદ્વાને તો તેમને ‘ધ ટુરગોટ ઑફ ઇન્ડિયા’ નામથી સંબોધ્યા હતા. ‘ટુરગોટ’ ફ્રાન્સના જાણીતા રાજકીય આગેવાન અને અર્થશાસ્ત્રી હતા. તેમણે અર્થતંત્રને નિયમો-બંધનોમાંથી મુક્ત કરાવી તેને ગતિ અપાવી.

માધવ રાવનું યુવાન વયે જ દેશી રાજ્યોમાં નામ જાણીતું થયું તેનું એક મુખ્ય કારણ તેમના પરિવારમાંથી દાદા, પિતા, કાકા તમામ અલગ-અલગ રાજ્યોના દિવાન રહ્યા હતા. નાનપણથી જ ઘરનું આ વાતાવરણ તેમણે ઝીલ્યું અને સમાંતરે શિક્ષણમાં અગ્રક્રમે રહ્યા. તેમને ભણાવવા અર્થે વિદ્વાન આચાર્ય આયર બર્ટન પોવલ પણ રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે મોડર્ન-લિબરલ શિક્ષણ લીધું. દુનિયાભરનું સાહિત્ય વાંચ્યું અને અઘરા વિષયોનું પાયાનું જ્ઞાન લીધું. પોવેલે તો તેમને એમ કહી નવાજ્યા હતા કે, “તેઓ હિંદુસ્તાનના લોકો કરતાં ઘણા આગળ પડતા છે.”

અને તેમનું ગણિતનું જ્ઞાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઉચ્ચ પદ અપાવી શકે તેવું હતું. જો કે તેમનું શિક્ષણ પૂરું થયું કે તુરંત તેમણે ત્રાવણકોર રાજ્યમાં અકાઉન્ટન્ટ જનરલની નોકરી સ્વીકારી. તે પછી તેઓ ત્રાવણકોર રાજ્યના શિક્ષક થયા અને આગળ જતાં રાજ્યના રેવન્યુ વિભાગમાં મહત્ત્વને પદે આવ્યા. પદે આવતાં જ કેટલાંક ક્રાંતિકારી પગલાં લીધાં જેમાં તેમણે તે સમયમાં મીઠું લાવવામાં થતી ગેરરીતિ પણ અટકાવી. આ દરમિયાન ત્રાવણકોર પર આર્થિક બોજાની તલવાર લટકી રહી હતી. દેવામાં ડૂબેલાં આ રાજ્યની ધુરા એક વખત અંગ્રેજોએ લઈ લેવાનું પણ વિચાર્યું. ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ઉથરમ થિરુનલે માધવરાવને અંગ્રેજો સાથે સમાધાન માટે રોક્યા. તેમણે તે કામ સરસ રીતે કરી દેખાડ્યું. બસ પછી તેઓ ત્રાવણકોર રાજ્યના વિશ્વાસુ વહીવટકર્તા બની રહ્યા.

વહીવટમાં પોતાના પર મૂકેલા વિશ્વાસને અવિરત સાબિત કરતા રહેવો પડે છે અને સાથે તેમાં નવા વિચાર મૂકવાના હોય છે. માધવ રાવને પહેલાં ત્રાવણકોરના દક્ષિણ ભાગની જવાબદારી મળી અને થોડાક મહિનામાં જ તેના પરિણામ મળવા લાગ્યા. અહીંથી ભ્રષ્ટાચાર દૂર થયો, આર્થિક વ્યવહાર સરળ થવા માંડ્યો અને વેપારને ગતિ મળી. માત્ર વેપાર જ નહીં, બલકે પ્રજાની સુખાકારી માટે તેમણે દીર્ઘદૃષ્ટિ રાખીને વિચાર કર્યો અને તેને સાકાર કરવા અર્થે પગલાં પણ લીધા. સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી અને કાયદા માટે તેમણે પ્રજાને ખૂબ સાનુકૂળતા કરી આપી.

શિક્ષણમાં તેમણે પશ્ચિમના કેટલાક વિચારોને મૂક્યા અને પોતે ભારતીય પરંપરાને અનુસરતા હોવા છતાં બહેનોના શિક્ષણ અને સામાજિક સુધારા અર્થે પ્રયાસ કર્યા. આપણે ત્યાં જાહેર જીવનમાં રેકોર્ડ રાખવાની પ્રથા નથી, અંગ્રેજો તે બાબતે નિષ્ણાત છે. માધવ રાવે પણ તે બધા વિભાગોના રેકોર્ડ રાખવાની પદ્ધતિ વિકસાવી, જેથી ક્યાં મર્યાદા રહી છે તે તુરંત ધ્યાને ચઢે. ત્રાવણકોર ક્ષેત્રમાં કૉફી ક્ષેત્રમાં આવેલી તેજી પણ તેમના પ્રયાસને આભારી હતી. આ રીતે અસંખ્ય ક્ષેત્રોમાં તેમણે પોતાની દૃષ્ટિ રાખીને કાર્ય કર્યું અને તેનું પરિણામ પણ આપ્યું. 1872માં જ્યારે ત્રાવણકોરના દિવાન તરીકે તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે ત્રાવણકોરને દેશી રાજ્યોમાં સૌથી આદર્શ રાજ્ય નિર્માણ કરીને દાખવ્યું હતું. સ્વાભાવિક છે કે આ ખ્યાતિ અન્ય રાજ્યો સુધી પહોંચી અને નિવૃત્તિ પછી 3 વર્ષ સુધી ઇન્દોર રાજ્યે તેમની સેવા લીધી.

હવે માધવ રાવે એવું તો શું કર્યું કે તેમના વહીવટની પ્રશંસા વિશે દોઢ સદી વીતી ગઈ પછી પણ વાત થઈ રહી છે? વહીવટ વિશે જે તેમના 7 ગુણો દર્શાવામાં આવ્યા છે તેમાં એક છે તે વ્યવહારુ અનુભવ. તેમણે આ વાતને દાખલા રૂપે વડોદરાના તત્કાલીન ગાયકવાડ રાજા સામે મૂકી. જેમ કે તેમણે રાજાને કહ્યું કે, તમે જમણા હાથે સારી રીતે લખી શકો છો, પરંતુ જ્યારે તમે ડાબા હાથે લખશો તો તે ખરાબ રીતે લખાશે. આ રીતે માધવ રાવે જિજ્ઞાસુ રાજાને ચેતવ્યા અને એમ પણ કહ્યું કે, માત્ર શાસ્ત્ર આધારિત જ્ઞાનથી નિપજતાં વધુ પડતાં આત્મવિશ્વાસને નિયંત્રિત કરવો જોઈએ. બીજો તેમનો મંત્ર હતો કે સંવાદ માટેના દ્વાર હંમેશાં ઉઘાડા રાખવા. જેઓ સત્તામાં હોય છે તેઓ હંમેશા ‘ગુનાહિત ખુશામત’ના શિકાર બને છે. માધવ રાવ આ વિશે ચેતવતાં કહે છે કે સત્તાધીશે ક્યારેય તે બધું જ જાણે છે તેમ માનવાની ભૂલ ન કરવી જોઈએ અને વ્યવહારુ વ્યક્તિની સલાહ-સૂચન લેવામાં ક્યારેય સંકોચ ન રાખવો. ઉપરાંત જ્યારે પોતે ખોટા છે ત્યારે પોતાનો મત બદલવો જોઈએ.

ત્રીજો ગુણ સારા વહીવટનો એ છે કે સૌને પોતાનો મત વ્યક્ત કરવાની આઝાદી આપવી જોઈએ અને નિર્ણયકર્તાએ યોગ્ય નિર્ણય લેવા માટે ચોક્કસ માહિતીને મેળવવાની છે અને તે માટે સૌની આમન્યા જાળવવાની છે. ચોથી વાત જે ધ્યાને રાખવાની છે તે વ્યક્તિત્વની તપાસ છે. તે માટે જે ધ્યાન રાખવાનું છે તે કે વ્યક્તિ વધુ લોકો વિશે વાત કરે છે કે નીતિ વિશે. તે નમ્રતાથી બોલે છે કે આક્રોશથી અને કેટલી વક્રોક્તિથી બોલે છે તે પણ ધ્યાને લેવું જોઈએ. પાંચમો સ્તંભ જે તેમણે દોરી આપ્યો છે તે સમાધાનકારી વલણ સંદર્ભે.

રાવનું માનવું છે કે, એક સારો ગુણ અન્ય સારા ગુણોથી જાળવી શકાય છે. જેમ દૃઢતા સારો ગુણ છે પણ લીડર સતત વધુ પડતો નરમ કે કડક વલણ ધરાવતો ન હોવો જોઈએ. રાવ કહે છે કે, સ્ટેટમેનશિપ એ ગુણોના સરવાળાથી નિર્મિત છે. આ બધા જ ગુણો એક સાથે કોઈ વ્યક્તિમાં ન આવી શકે તેથી તેઓ ગુણો એક વ્યક્તિમાં વિકસિત થાય તે માટે મહાન વ્યક્તિઓના ચરિત્રોને વાંચવાની સલાહ આપે છે અને અંતિમ સલાહ તે એ કે કાર્ય અને આરામનું સંતુલન. આપણા દેશના આ કુશળ કારભારી વિશે ગાંધીજીએ પણ લખ્યું છે. આ લેખમાં ગાંધીજીએ ટી. માધવ રાવના વહીવટી ગુણો વિશે વિગતે લખ્યું છે.

Most Popular

To Top