Columns

માંદગીનું બિલ અને હૉસ્પિટલ

એક સવારે મોર્નિંગ વૉક માટે નીકળ્યા ત્યારે એકાએક અમારી નજર એક ગોકળગાય પર પડી. ગોકળગાય રોડ ક્રોસ કરી રહી હતી. દોસ્તો, જાહેર માર્ગો પર હજારો જીવજંતુઓ વાહનો નીચે કચડાઈ જતા હોય છે. આ ગોકળગાયની પણ આગળ જતાં એ જ દશા થવાની છે તે અમે જાણતા હતા. સુખી લોકોના દેહ પર ચરબીના ચોસલા જામેલા જોઈએ છીએ ત્યારે વિચાર આવે છે કે ચરબી એ સુખનું સર્ટિફિકેટ નથી પણ બેઠાડું લોકોની અકર્મણ્યતાનું બ્યુગલ હોય છે. જેઓ મહિનામાં એક વાર માત્ર પેન્શન લેવા માટે ઘરનો ઓટલો ઊતરીને બેંકમાં જાય છે.

ત્યાર બાદ હીંચકેથી ઊતરીને ડાયનિંગ ટેબલ સુધી જવા સિવાય બીજું કાંઈ કરતાં નથી. તેમની કેલેરી કંજુસના ધનની જેમ વધતી રહે છે. જો કે જેઓ નિયમિત કસરત અને યોગા કરે છે, એવા લોકોને પણ શુગર, વા, પ્રેસર, દમ કે હાર્ટએટેક જેવા રોગો થાય જ છે. બલકે ક્યારેક ડૉક્ટરો ખુદ કહે છે કે એમને નખમાંય રોગ ન હતો પણ આ રોગ કેવી રીતે થયો તે અમારે માટે પણ મોટું આશ્ચર્ય છે. સત્ય એ છે કે માણસ સંપૂર્ણ તંદુરસ્ત હોય તો પણ ઈશ્વરનો હુકમ ન થાય ત્યાં સુધી તેને સુખનો વિઝા મળી શકતો નથી. માણસના જીવનમાં ક્યારે, ક્યાં (સુખે કે દુ:ખે) એન્ટ્રી લેવી તે માણસના હાથની વાત નથી હોતી.

આપણી યુવાપેઢી ચાલવાનું ભૂલી ગઈ છે. આજનો યુવાન સોસાયટીના નાકે આવેલી કિરાણાની દુકાનમાં જવાનું હોય તો પણ હીરોહોન્ડા કાઢે છે. મોટા ભાગના યુવાનો આજીવન ‘’હીરોહોન્ડા–ડે’’ ઊજવતા રહે છે. તેમનો એક પગ હંમેશાં હીરોહોન્ડાની કીક સાથે જોડાયેલો રહે છે. યુવાનો કિશોરાવસ્થાથી જ ચરબીદેવીની કઠોર આરાધના કરે છે. ત્યારે યુવાનીમાં માંડ તેઓ દૂંદાળા ગણપતિ બની શકે છે. તંદુરસ્તી વિના ઘણા સુખો એકડા વિનાના મીંડા જેવા બની રહે છે. માણસ પાસે મારૂતિ હોય પણ મેનેન્જાઈટીસ કે મણકાનું કેન્સર હોય તો મારૂતિની ખાસ મજા રહેતી નથી. બચુભાઈ ઘણી વાર સાવિત્રીબેનને સંભળાવતા : ‘ઘરમાં TV અને બીબી બન્ને ન હોય તો ચાલે પણ શરીરમાં TB કે BPની કનડગત ન હોવી જોઈએ. બેંકમાં લોકર ન હોય તે ચાલશે પણ ઘરમાં વૉકર જરૂર હોવું જોઈએ.’

મહિલાઓ કલાકો સુધી કોઈના ઓટલા પર બેસી ભજનો ગાય છે. મંદિરના ભગવાનને વાચા ફૂટે તો તે બોલ્યા વિના ના રહે : ‘અહીં બેસી કલાકો સુધી ભજનો ગાનાર મહિલાની હું પાશેર ચરબી પણ ઉતારી શકવાનો નથી.’ એવી મહિલાઓને કોણ સમજાવે કે શરીરે સુખી રહેવું હોય તો શ્રદ્ધા કરતાં શ્રમ વધારે મહત્ત્વનો છે. કેવા ભજન ગાઈએ તેના કરતાં કેવું ભોજન ખાઈએ તે વધારે મહત્ત્વનું છે. પારાયણમાં બેસવા કરતાં પ્રાણાયમમાં બેસવાથી દેહનું વધુ કલ્યાણ થઈ શકે છે. રોજ 3-4  Km ચાલવું એ આજના યંત્રયુગની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે.

ચાલવા માટે સમય જ ક્યાં મળે છે, એવું રેડીમેડ બહાનું લોકો પાસે તૈયાર હોય છે. (જો કે તેમની વાત સાવ ખોટી નથી. તેમનો મોટાભાગનો સમય TVની એક્તા કપૂર છીનવી જાય છે)કામવાળી વિના એક ક્ષણ પણ ન ચલાવી શકતી સ્ત્રીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. કામવાળી ન આવી હોય તે દિવસે પત્નીઓનું બોઈલર ગરમ રહે છે. એ દિવસે સમજદાર પતિઓ ઘરે લાંબી માથાકૂટ કરતા નથી. તેમને વર્ષોના અનુભવ પછી સમજાઈ ગયું હોય છે કે કામવાળી એ ઘરવાળીનો ફ્યુઝ ગણાય. જે ઘરનો ફ્યુઝ ઊડી ગયો હોય તે ઘરમાં ધોળે દહાડે અંધારું હોય છે.મોર્નિંગ વૉકમાંથી પાછા વળતી વેળા એકાએક અમારી નજર પેલી ગોકળગાયવાળી જગ્યા પર પડી. ગોકળગાયનો મૃતદેહ ક્યાંય ન દેખાયો પણ અમે શું જોઈએ છીએ – એ ગોકળગાય રોડને પેલે કિનારે હેમખેમ પહોંચી ગઈ હતી. કોણ જાણે કેમ પણ અમે એક ક્ષણ ઊભા રહી ગોકળગાયને જોઈ રહ્યા. એક-બે નહીં પણ હજારો વાહનોનાં પૈંડાં વચ્ચેથી એ ગોકળગાય હેમખેમ પસાર થઈ ગઈ હતી. એને બચાવવા કોઈ વાહને બ્રેક નહોતી મારી.

કોઈ વાહને સ્ટિયરિંગ ઘુમાવ્યું નહોતું. પોણા કલાક પછી અમે તે સ્થળે આવ્યા ત્યાં સુધીમાં એને માટે ક્ષણેક્ષણ મોતની શક્યતા ઊભી થઈ હશે. કોઈ વાર એના દેહથી અડધો  Cm દૂરથી ટ્રકનું પૈંડું પસાર થઈ ગયું હશે. ગમે તેમ પણ ગોકળગાય બચી ગઈ હતી. અમે અમારી સાથેના મિત્રને કહ્યું : ‘દોસ્ત, ગઈ કાલે તું અકસ્માતની વ્યાખ્યા પૂછતો હતો ને… આજે તને ઉદાહરણ સાથે એની સાચી વ્યાખ્યા સમજાવું. એક ગોકળગાય ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગ પર રોડને એક કિનારેથી બીજે કિનારે હેમખેમ પહોંચી જાય એને અકસ્માત કહેવાય.’ (ઘણા એને નસીબ પણ કહે છે.)
ધૂપ-છાંવ
તંદુરસ્તી જો પ્રભુકૃપા હોય તો ચાલવું એ પ્રભુપૂજા છે.

Most Popular

To Top