Sports

ગીલ હૈ કી માનતા નહીં..! શુભમનનો આ શોટ જોઈ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પણ હસી પડ્યો

ક્રિકેટ એક સૌથી અનોખી રમત છે. એક ખાસ બાબત જે તેને અનોખી બનાવે છે તે એ છે કે એક જ પીચ પર એક જ બોલર તરફથી સમાન લંબાઈ સુધી પિચ કરેલા બોલને બે બેટ્સમેન કેવી રીતે અલગ રીતે રમી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઝડપી બોલર યોગ્ય લેન્થ પર બોલ ફેંકે છે અને તેના લક્ષ્યને બેટ્સમેનના ઓફ સ્ટમ્પની ઉપર જ રાખે છે ત્યારે કેટલાક ખેલાડીઓ તેને ફ્રન્ટ ફૂટ પર અને કેટલાક બેકફૂટ પર રમે છે. તો કોઇ વળી લાઇનને કવર કરીને તેને મિડ-ઑન તરફ રમી શકે છે, જ્યારે કોઈ વ્યક્તિ લેગ સાઇડ પર રહીને તેને હળવા હાથથી તેને ઑફ સાઇડમાં ધકેવી શકે છે.

દરેક બેટ્સમેનની પ્રતિક્રિયા, પરિસ્થિતિઓ, વિરોધી બોલર અને મેચની સ્થિતિ વડે નિર્ધારિત થાય છે. હમણાં જ ગયેલા શનિવારે, ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે રિવર્સ સ્વિંગ મેળવીને તેના સ્પેલમાં 139 કિમી પ્રતિ કલાકની ઝડપે રાઉન્ડ ધ વિકેટ એંગલ પરથી એવો એક બોલ ફેંક્યો હતો. બેટ્સમેન શુભમન ગીલ માટે લેગ સાઇડમાં ડીપ માં બે કેચર્સ ઊભા રખાયા હતા અને કદાચ તે પણ ટૂંકા બોલની અપેક્ષા રાખતો હતો.

જોકે બોલ શોર્ટ અને ગુડ લેન્થ વચ્ચે ક્યાંક હતો. જેના પર ટેસ્ટ બેટ્સમેને ઉપરોક્ત વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ અપનાવી શકે.જો કે ગિલે તેની પોતાની શૈલીમાં, ક્રિઝમાં ઉભા ઊભા જ સીધા બેટ વડે બોલને શોર્ટ મિડવિકેટ અને ડીપ સ્ક્વેર લેગની વચ્ચે પ્લેસ કરીને ચાર રન મેળવી લીધા હતા. આ શોટ જોઇને. સ્ટાર્કે સ્મિત કર્યું હતું, જો કે તેના આ સ્મિતમાં ગીલ પ્રત્યે જેટલો આદર હતો તેટલો જ એ શોટ પ્રત્યે અવિશ્વાસ હતો.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ગિલે સમજાવ્યું કે આ શોટ શરૂઆતના વર્ષોમાં પુલ અને હૂક રમવાની તેની ટેવમાંથી ઉદ્દભવ્યો હતો. તેણે કહ્યું હતું કે મેં સિમેન્ટ પર પ્લાસ્ટિકના બોલ વડે બાઉન્સર રમવાની પ્રેક્ટિસ કરી હતી. જ્યારે બોલ થોડો વધુ ફૂલ આવે, ત્યારે હું આ શૉટ જાતે જ રમી લઉં છું. તેની પ્રેક્ટિસમાં મેં ઘણા કલાકો વિતાવ્યા છે. જો તમે ગીલની સમગ્ર બેટિંગ પર નજર નાખો, તો તેની શૈલી મોટાભાગે પુલ શોટની આસપાસ કેન્દ્રિત છે. તે ક્રિઝ પર તેની ઊંચાઈનો પૂરેપૂરો ઉપયોગ કરે છે અને બેટને ઊંચું પકડીને સંપૂર્ણ રીતે સ્થિર રહે છે.

આ સેટઅપ સાથે, તે સરળતાથી પુલ શોટ રમી શકે છે અને તેને નિયંત્રણમાં પણ રાખી શકે છે. આવી સ્થિતિમાં, જો બોલ ઓફ સ્ટમ્પની બહાર થોડો શોર્ટ હોય, તો તે પોઈન્ટ અથવા કવરની વચ્ચે સરળતાથી બોલને ફટકારી શકે છે. આ શોટ કટ અને પંચની વચ્ચેનું કંઈક હોય છે, પરંતુ તેની બેટિંગની આ બીજી વિશેષતા છે. તમે વિચારી શકો છો કેરમતની આ શેલીથી તે અક્રોસ ધ લાઇન રમવામાં ફસાઇ શકે છે, પરંતુ તેની સ્થિરતા અને સંતુલનને કારણે એમ થતું નથી. સ્ટાર્ક સામેના શોટ પછી કેમેરન ગ્રીને ફુલ બોલ ફેંકીને ઓફ અને મિડલ પર ગીલને એલબીડબ્લ્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગીલનું બેટ સીધું આવ્યું અને બોલ આપોઆપ તેને અથડાયો અને મિડ-ઓન અને મિડ-વિકેટ વચ્ચેના ગેપને ચીરીને બાઉન્ડરી બહાર પહોંચી ગયો અને ગ્રીન હાથમાં માથું પકડીને એ શોટનો જોતો જ રહી ગયો.

અમદાવાદમાં ગીલનું પ્રદર્શન પ્રભાવક સાબિત થયું હતું. તેણે 235 બોલની પોતાની ઇનિંગ્સ દરમિયાન માત્ર 10 એવા બોલ રમ્યા જેમાં તે નિયંત્રણમાં ન હતો. ટેસ્ટના ત્રીજા દિવસે તેની પાસેથી અપેક્ષા એવી હતી કે જો તે એક કલાક સુધી ટકી શકશે તો ઓછામાં ઓછા 100 રન બનાવી લેશે. છેવટે, આ સીરિઝ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સાત ઇનિંગ્સ 116, 208, 40, 112, 7, 11 અને 126 નો સ્કોર તેના નામે હતો. ભૂતપૂર્વ વાઇસ-કેપ્ટન કેએલ રાહુલના કારણે પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર બેઠેલા ગીલ પર, તેણે કહ્યું હતું કે 2021 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી હું ઇજાગ્રસ્ત થયો હતો અને તે પછી રાહુલે સારી બેટિંગ કરી અને સ્થાન મેળવ્યું.

તેણે ઈંગ્લેન્ડમાં સદી ફટકારી હતી અને સાચું કહું તો હું ત્યાં સુધી મારા ટેસ્ટ પ્રદર્શનથી સંતુષ્ટ નહોતો. ગિલે સ્વીકાર્યું કે તેણે તેની શરૂઆતને વધુ સારી રીતે બદલવા માટે તેની માનસિકતા પર કામ કર્યું છે. આ દરમિયાન તેણે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે 52, 1, 44 અને 47 રનની ઇનિંગ્સ રમી હતી. જુલાઈ 2022માં, તેણે બર્મિંઘમ ખાતે 17 અને 4નો સ્કોર પણ બનાવ્યો હતો. તેણે કહ્યું હતું કે મને લાગ્યું કે હું સેટ થવા અને મોટો સ્કોર કરવાના ઈરાદાથી વધુ રક્ષણાત્મક રીતે રમી રહ્યો છું. તે મારી રમત નથી. જ્યારે હું સેટ થઈ જાઉં ત્યારે જ હું મારી લય શોધું છું અને તે મારી રમત છે.

તે કહે છે કે મારે એ સમજવાની જરૂર હતી કે મારી શૈલીની વિરુદ્ધ રમવા કરતાં મારી શૈલીમાં આઉટ થવું વધુ સારું છે. હું મારી જાતને યાદ અપાવતો રહ્યો કે જો મને ફરીથી તક મળશે, તો હું શરૂઆતને કન્વર્ટ કરવા માટે મારી જાત પર દબાણ નહીં કરું. તે એક માનસિક બાબત હતી. અમદાવાદમાં ગીલે પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. એ ગીલ જ હતો જેણે બીજા દિવસની છેલ્લી ઓવરમાં નાથન લિયોનને સિક્સર ફટકારવા માટે પોતાના પગનો ઉપયોગ કર્યો હતો. તે પણ ગીલ હતો જેણે 90 બોલમાં અસ્ખલિત અડધી સદી ફટકારી હતી.

ત્રીજા દિવસે લંચ બાદ જ્યારે સ્ટીવ સ્મિથ અને ઓસ્ટ્રેલિયાએ રક્ષણાત્મક વ્યૂહરચના અપનાવી ત્યારે ગીલ એકમાત્ર બેટ્સમેન હતો જેણે 53 બોલમાં નવ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં પૂરતો સમય હોય છે અને તે અમદાવાદ જેવી વિકેટો પર તે વધુ સ્પષ્ટ છે. ગીલની બેટિંગમાં પણ સમય રોકાઈ રહ્યો હોય તેવું લાગે છે અને તે ફુલ સ્લીવમાં બેટિંગ કરતી વખતે તેને વધુ સરળ બનાવે છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી એવો આભાસ છે કેટલાક મહિનાઓથી જે ક્રિકેટની દુનિયામાં દેખાઈ રહી હતી અને હવે વધુ સ્પષ્ટ થઈ રહી છે. આ ગીલનો સમય છે અને આ તેના યુગની શરૂઆત જ છે.

Most Popular

To Top