Charchapatra

શું પેન્શનરોએ તફાવતની રકમ જતી કરવાની?

તાજેતરમાં ગુજરાત સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો જેઓને અન્યાય થયો એમ માની આંદોલન માર્ગે ગયા ત્યાર બાદ સરકારે કેટલીક વ્યાજબી માંગણી સંદર્ભે ઠરાવો બહાર પાડયા. સામાન્ય જનતાજનાર્દનને એમ લાગે કે સરકાર ખૂબ આપે છે. એટલે હાલમાં ગુજરાત સરકારે દર માસે પેન્શનરોને મળતા તબીબી ભથ્થાની રકમ રૂા.300થી વધારી રૂા. 1000ની રકમ ઓકટોબર 2022 માસથી ચુકવવા ઠરાવ્યું. અમારી માંગણી કેન્દ્ર સરકારની પોલીસી અનુસાર ચુકવણી કરવાની હતી. જે જૂની માંગણી મુજબ સને 2014થી તબીબી ભથ્થું કેન્દ્ર સરકારે વધાર્યું. બાદમાં સને 2016થી નવા પગારધોરણ અમલમાં આવ્યા ત્યારે તબીબી ભથ્થું રૂા. 1000 કેન્દ્ર મારફતે ચુકવાયું. હવે અમોને ઓકટો. 22થી એટલે સને 2014થી સને 2022ના સપ્ટે. માસ સુધી તફાવતની રકમ અંદાજે રૂા.62000થી વધુ અમારી સંમતિ વિના જતા કરવા એમ થયું. એટલે જે મળ્યું તે દૂધ બરાબર સમજી નામદારનો આભાર માનવો રહ્યો.
નવસારી        – મનુભાઇ ડી. પટેલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

‘અચ્છે દિન’ અને ‘ચોકીદાર’
વડા પ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની પ્રજાને ખૂબ જ મોટો વિશ્વાસ કરાવ્યો હતો કે હું તમારો ચોકીદાર છું. તમે બધા નિરાંતે સૂઇ જાઓ અને હવે અચ્છે દિનની રાહ જુઓ. ભાજપના કાર્યકાળના કામના કેટલાં વરસ થયાં, પરંતુ હજુ સુધી કોઇ પણ ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગના મનમાં કોઇ છાપ સુધારી શકી નથી. કોંગ્રેસની પાછળ પડવાથી કોઇ નક્કર કામ થવાનાં નથી. કોંગ્રેસીઓની કાર્યકુશળતા અને જાણકારી, વહીવટ કરવાની ટેવ ખૂબ જ સારી હતી. તેના રાજમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ઓછો, બળાત્કાર અને ખૂન થતાં ન હતાં. હાલમાં જુઓ, ભાજપાના કોઇ કાર્યકર્તાને ત્યાં આઇટીની રેડ પડી નથી. મોટા ઉદ્યોગપતિઓની સરકાર છે. મોંઘવારી અને બેરોજગારી તેમજ ભૂખમરા માટે કોઇ નક્કર પગલાં લેવાતાં જ નથી. પ્રજાને બીજી બધી વિકાસની ગાંડી વાતો કરીને કરોડો રૂપિયાની યોજના બનાવીને ઉલ્લુ બનાવી રહી છે. આ ચૂંટણીમાં ગુજરાતની પ્રજા સમજે અને પહેલાંની જેમ નવનિર્માણનો શંખ વગાડવામાં આવે. પ્રજા પરિવર્તન ઇચ્છે છે. મેટ્રો રેલ અને બુલેટ ટ્રેનની કોઇ જરૂર નથી. જયાં રેલવેની વ્યવસ્થા નથી ત્યાં રેલવે લાઇન નાંખવી જોઇએ. જેમ કે વલસાડ-નાસિક, બારડોલી, ઉજ્જૈન, જહાંગીરપુરા, ઓલપાડ, હાંસોટ, ભરૂચ થઇને દહેજની લાઇન નાંખવી જરૂરી છે.

ભૂજથી નડાબેટની રેલવે લાઇન નાંખી શકાય. સૌરાષ્ટ્રના તેલિયા રાજાઓની લોબી તોડવી જોઇએ. પ્રજાને રૂા. 2200 નું સીંગતેલ, રૂા.70ની કિલો ફરસાણ રૂા.80 પેટ્રોલ લીટર, રૂા.85 ડીઝલ લીટરનો ભાવ હોવો જોઇએ. રેશનીંગની અનાજની દુકાન પરથી સરકારના જાહેર કરેલા ભાવથી કોઇ પણ વ્યકિત અનાજ ખરીદી શકે છે. આધારકાર્ડ છે તો રેશનકાર્ડની જરૂર જ નથી. આખા ભારતમાં બધા જ ભાવો એક સમાન હોવા જોઇએ. આ ચૂંટણી પ્રજાને શંખનાદ વગાડવાની જરૂર છે. ધારાસભ્યો ચુંટાયા પછી 5 વર્ષ પરત ફરતા નથી અને કોઇ કામ કરવામાં રસ દાખવતા નથી. ભારતનાં મોટાં શહેરોમાં જે જેલો આવી છે તેમાં 30 થી 50 વર્ષના ઉંમરનાં કેદીઓને સીધા લશ્કરમાં ભરતી કરી દેવી જોઇએ જેથી જેલનું ભારણ ઓછું થઇ જાય.
સુરત       – રમીલાબેન નટવરલાલ દેસાઇ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top