Comments

સાત પગલાં માથાકૂટનાં..!

આમ કે તેમ, શ્રીશ્રી ભગાને નખમાં રોગ નહિ. રોગ પણ નહિ ને, શરીરે ફુલ્લી પણ નહિ. જો કે શરીર જ એટલું ફૂલેલું કે, ફૂલ્લીને ફૂટવા માટે જગ્યા પણ નહિ. આ મર્દ માણસ, કોરોનાને પણ પોતાનો સાઢુભાઈ માને. મને કહે, હું કોઈનો જમાઈ કહેવાઉં, એટલે હું પણ વાયરસ ને કોરોના પણ વાયરસ..! શ્રીશ્રી ભગાને એક જ તકલીફ, લગનની ‘એનીવર્સરી’ આવે ને ઊડી ગયેલી ટ્યુબલાઈટની માફક ઝબકે..!

લોકો બેઠાં-બેઠાં ઝોકું ખાય, ત્યારે આ બેઠો-બેઠો પથારીમાં પણ ઝબકે..! ધ્રુજારી સાથે તાવ આવીને ફૂટબોલ રમે એ બોનસ..!  બાધા-આખડી-ભુવા-ફકીર- દોરા-ધાગા-તાવીજની બધી વિધિ કરાવી, તંત્ર-મંત્રના જાણભેદુશ્રીઓનાં પગથિયાં પણ ઘસી નાંખ્યાં, સાલું નહિ પકડાયું..!

ડોકટર સુંદર, એનો આખો સ્ટાફ સુંદર, ટ્રીટમેન્ટ સુંદર, મેડીકલ રીપોર્ટસ સુંદર, છતાં ઝબકણું શરીરમાંથી જાય નહિ. કોઈ વિદ્યાર્થીના દરેક વિષયમાં A ગ્રેડ માર્ક્સ આવે, છતાં ‘ફેઈલ’ થાય, તો કેવી વેદના થાય યાર..? માથે હાથી બેસી ગયો હોય એવી કણસ થાય..! મંદિર એટલા દેવ અને દરગાહ એટલા પીરની માનતા રાખી.

ગ્રહોની વિધિ કરીને તેમને પણ ઠેકાણે પાડ્યા..! ત્યાં સુધી કે પાદરના મંદિરે ઉમરના માપની ધજા પણ ચઢાવી, છતાં, ધ્રુજારી ધીમી ના પડી..! જેહાદી લવના કોઈ લાવાએ ભરડો લીધો છે કે કેમ, એ પણ ચકાસી જોયું.

કંટાળીને જાણતલ જ્યોતિષને કુંડળી બતાવી. કુંડળી જોઇને જ્યોતિષને પણ તમ્મર આવી ગયાં. ભાનમાં આવ્યો ત્યારે એટલું જ બોલ્યો કે, આ તો રેશનકાર્ડ છે, કુંડળી લાવો ભાઈ..! છેલ્લે મનોચિકિત્સકને બતાવ્યું ત્યારે પકડાયું કે, ‘ભાઈને લગનની ‘સીસ્ટમ’ હેરાન કરતી હતી. લગનની ‘એનીવર્સરી’ આવે, ને એની લહેર બદલાય. ‘ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર’  જેવી વલે થયેલી..! આવા કિસ્સા જોઈએ ત્યારે એમ થાય કે, લગન કરવા પણ કોઈ મદારીના ખેલ નથી.

મદારી ‘ફેણિયો’ કાઢે કે નહિ કાઢે, પણ લગન પછી એવાં ફેણિયા નીકળે કુંવારા જ જાણે..!  જે ઉંમરે લગન ઉપર નિબંધ લખવામાં ફેંએએફેંએ થતું હોય, એ ઉંમરે લાકડે માંકડું ગોઠવી જાય તો બિચારો ભગો પણ શું કરે..? લગનનું નોલેજ ‘ઝીરો’ હોય, ને ‘ચઢ જા બેટા સૂળી પે’ કહીને ઘોડે ચઢાવી દે તો, ક્યાં તો ઘોડો ભડકે, ક્યાં તો વર ભડકે..! એટલે તો, લગન જયંતી આવે ને જાણે બાપાની પુણ્યતિથિ આવી હોય એમ, ફાટેલા પતંગ જેવી હાલત શ્રીશ્રી ભગાની થઇ જાય.

ખુશખુશાલ રહેવાને બદલે, જુના ખાંસડા જેવું મોંઢું બની  જાય..! વીજળીના જીવતાં તાર પકડાઈ ગયા પછી ઝાટકા તો લાગે જ ને…?  દાઝ્યા ઉપર ડામ તો ત્યારે  પડે કે, મોબાઈલ ઉપર મિત્રોની શુભેચ્છાઓ આવે કે, ‘એકલાં એકલાં લગનની જયંતી નહિ ઉજવતાં..!‘ એના કપાળમાં કાંદા ફોડે, તે શું તારા પ્રમુખસ્થાને એના માટે ‘ઉદ્ઘાટન-સમારંભ’ રાખવાનો કે..?’ અમુક તો એવી ગુગલી બોલ નાંખે કે, ‘શું તમારી ‘રાધા-કૃષ્ણ’ જેવી જોડ છે..? ‘ ને  ભગો જ જાણતો હોય કે, મારી જોડ ‘રાધા-કૃષ્ણ’ ની છે કે, ‘બાધા-કૃષ્ણ’ ની!

દુનિયાની દશ વાર ‘પ્રદક્ષિણા’ ભલે કરી હોય, પણ પરણેતરના સાત-ફેરા જેવી ‘હેરાફેરી’ નહિ કરી હોય તો બધું કેન્સલ. સંવિધાન બદલાય, પણ મંગળફેરાથી મળેલી વાઈફ બદલાવી સહેલી નથી. પછી ‘ઉંચે લોગકી ‘જ્યાદા’ પસંદ’ હોય તો એ બે નંબરની વાત થઇ..! છેલ્લા શ્વાસ સુધી એકબીજાના થઈને રહેવું એ તુવર છોલવા જેટલું સહેલું નથી. લગનની માફક, એકબીજાના થઈને રહેવાનો વિશ્વાસ જો વિશ્વમાં આવે તો વિશ્વશાંતિ ચપટીમાં આવી જાય.

ને, ઘરમાં ડોહા-ડોહીના ફોટાની માફક ચાઈના-પાકિસ્તાનના ફોટા ટીંગાતા થઇ જાય તે અલગ..!  લગનવારૂ લફરું આકાશી મૌસમ જેવું છે. મૌસમ ઝામી તો ઝામી, નહિ તો  ઉનાળામાં સ્વેટર પહેરાવે, ને શિયાળામાં પરસેવા પડાવે…! મૌસમ આડી ફાટે તો ખેડૂત દવા છાંટીને પણ પાકને બચાવે, બાકી લગનના મામલે તો, પ્રેમ સિવાય કોઈ છંટકાવ કામ નહિ આવે. નહિ તો બ્રેકવાળાં ગાડાં પણ ઘસડવાં પડે.

‘તું નહિ તો ઓર સહી, ઓર નહિ તો ઓર સહી…વાળી ફોર્મ્યુલા બોલવામાં સારી લાગી, બાકી વેઠવા ને પામવામાં નહિ..! તારક મહેતાવાળા, ભીંડેની ભાષામાં વાત કરું તો, ‘ હમારે જમાનેમેં કિતની ફારગતી હોતી થી, આજ તો કુછ ભી નહિ. !’  પણ એ  જમાનામાં છોકરીઓનો સ્ટોક પણ ‘ઓવરલોડ’ રહેતો. ‘કીડીને કણ ને હાથીને મણ’ જોગું મળી રહેતું. લગન ‘રીજેક્ટ’ થાય તો ‘આન-માન ને શાન’ થી આજુબાજુ જ ગોઠવાઈ જતાં.

આજે તો કોડીલા કુંવર(રી)ને (એક) મેળવવામાં મોંઢે ફીણ આવી જાય. ફારગતીની વાત તો બહુ ‘ફાર-ની’ રહી..! પૈણવું તો પડે જ દાદૂ..! લગન વગરનું જીવન, એટલે, બરફ વગરના મોળા ફાલુદા જેવું. બે-ચાર ચોપડી ઓછી ભણાય તો ચલાવી લેવાનું, લગન વગરનો રહ્યો, તો મહોલ્લાનું કૂતરું પણ ઊંચું મોંઢું કરીને ભસે. સાહસ કરીને પણ એક વાર તો પરણી જ લેવું. લક્ઝરી શોધવાનો આગ્રહ નહિ રાખવાનો, નહિ તો છકડાવાળો પણ છટકી જાય.

ટકોરા મારી-મારીને પસંદ કરો તો પણ લગન સાથે વઘન તો ‘કોમ્પ્લીમેન્ટરી-ફ્રી’ માં આવવાનું જ છે..! પૈણવું એક પરંપરા છે. જેવું મળે તેવું પ્રસાદ સમજીને પંજેલી લેવાનું..! ‘ઈશ્ક હૈ, તો રિસ્ક હૈ..!’ એ તો  સારું છે કે, ગ્રાહક સુરક્ષાવાળા ‘મેરેજ-ફેઈલ’ ના કેસ હાથમાં નથી લેતાં, નહિ તો કેટલાંય લોકો જામીન શોધતાં હોત..! લગનના મામલે આજ સુધી મંદી આવી નથી.  ‘છોકરી મળે તો રાશિ નહિ મળે, ને રાશિ મળે તો ધનરાશીનો મેળ નહિ પડે..!

આવું બધું તો ચાલ્યા કરે. સત્ય એ છે કે, જે નથી પરણ્યા એ ભલે લાલ ટામેટા જેવાં હોય, પણ જે પરણ્યા છે એ હજી ‘લાલ-પીળાં’ થઈને ફરે છે ને જેનાં માંગાં આવતાં જ નથી, એ કરોળિયાની માફક જાળાંઓ બાંધવામાં વ્યસ્ત છે..! બાકી પરણેલાઓ ભલે હાયવોય કરતાં હોય, પણ વાઈફ પિયર જાય ત્યારે જ એને ‘આત્મજ્ઞાન’ લાધે કે, લીલો મસાલો ગમે એટલો લીલો હોય, પણ ચાહમાં ચાહનો મસાલો જ નંખાય..! જીવતરના ઉકેલ ગુગલમાંથી મળતા નથી. એટલે દીવાલ ઉપર લખી રાખજો કે, ‘નો લાઈફ વિધાઉટ વાઈફ…!’

લાસ્ટ ધ બોલ

જમાઈએ સસરાને ફરિયાદ કરી કે, ‘તમારી દીકરીમાં તો અક્કલનો છાંટો નથી, એને પાછી બોલાવી લો. મારી સહનશક્તિ હવે ખૂટવા આવી છે. સસરાએ સામેથી જવાબ આપ્યો કે, ‘જમાઈરાજ, તમે તો મારી દીકરીના હાથની જ માંગણી કરેલી, અક્કલની નહિ..! ને તમારી પાસે છે, એ તો કટપીસ છે. મારી પાસે તો આખો તાકો છે..!’

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top