Dakshin Gujarat

વાઈસ પ્રિન્સિપાલ અને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે વારંવાર દુષ્કર્મ આચરી ધમકી આપી

સુરત : સેલવાસની (Selvas) અંગ્રેજી માધ્યમની શાળાના વાઈસ પ્રિન્સિપાલ (vice principal) તથા શિક્ષકે (Teacher) સ્કૂલની એક વિદ્યાર્થિની (Student) સાથે વારંવાર દુષ્કર્મ (Rape) કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીએ આ મામલે સેલવાસ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ અને શિક્ષકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

  • સેલવાસની અવર લેડી ઓફ હેલ્પ ઈંગ્લિશ સ્કૂલના વા.પ્રિન્સિપાલ અને શિક્ષકે સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરી ધમકી આપી હતી
  • પકડાયેલા બંને હવસખોરોને કોર્ટે 3 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, સેલવાસનાં સામરવરણીની અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ માઈકલ નૂન્સ અને સ્કૂલના જ શિક્ષક લેસ્ટરે સ્કૂલની એક વિદ્યાર્થિની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા. આ અંગે કોઈને કંઈ પણ નહીં કહેવાનું દબાણ કરી ધમકાવીને રાખતા હતા. પીડીત વિદ્યાર્થિની જ્યારે દુષ્કર્મ ગુજાર્યા બાદ જ્યારે તેની તબિયત લથડી ત્યારે તેને સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ તેણીની હાલત નાજુક હોવાને કારણે તેને સુરતની હોસ્પિટલ અને ત્યારબાદ મુંબઈ રીફર કરાઈ હતા. જ્યાં મુંબઈ પોલીસે ઝીરો નંબરની ફરિયાદના આધારે સેલવાસ પોલીસને માહિતી આપતાં સેલવાસ પોલીસ હરકતમાં આવી હતી.

29 ઓગસ્ટે સેલવાસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પિડાતાના નિવેદનને પગલે ન્યાયતંત્ર અને હોસ્પિટલના સંકલન હેઠળ તપાસ શરૂ કરી સ્કૂલના વા. પ્રિન્સિપાલ માઈકલ ક્લાઉડિયા નૂન્સ (ઉં. 57, રહે. પટેલપાડા, સામરવરણી) અને સ્કૂલનો શિક્ષક લેસ્ટર જોક્વિન ડીકોસ્ટા (ઉં. 23, રહે. મણીપાડા, ખાનવેલ) ની ધરપકડ કરી બંનેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે બન્ને આરોપીના 3 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

હવસખોરોને આકરામાં આકરી સજાની લોકોની માંગ
પોલીસે બન્નેના મોબાઈલ ફોનની સાથે સ્કૂલના કમ્પ્યુટર તથા અન્ય લેપટોપને પણ કબ્જે કરી તેને ફોરેન્સિક તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આવા કૃત્યમાં અન્ય કોઈ શિક્ષકની ભૂમિકા છે કે નહીં એ જાણવાનો પ્રયાસ પોલીસે શરૂ કર્યો છે. સ્કૂલમાં એક વિદ્યાર્થિની સાથે આ પ્રમાણેના કૃત્યની ઘટના પ્રકાશમાં આવતા સેલવાસના લોકોની સાથે વિવિધ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓના વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. અને આવા હવસખોરોને આકરામાં આકરી સજા ફટકારે એવી માંગ કરી રહ્યા છે.

સમગ્ર ઘટના બાદ પ્રશાસને સ્કૂલને તાળાં માર્યા
સેલવાસની અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ મિડિયમની વિદ્યાર્થિની સાથે વા. પ્રિન્સિપાલ અને શિક્ષકે વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાને લઈ પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે. સાથે હવસખોરો સામે પ્રશાસન અને ન્યાયતંત્ર આકરામાં આકરી સજા ફટકારે એવી માંગ લોકો કરી રહ્યા છે. ત્યારે દાનહના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચાર્મી પારેખે સ્કૂલને આગામી ઓર્ડર ન મળે ત્યાં સુધી બંધ કરી તાળાં મારવાની કાર્યવાહી કરી છે. જે જોતા પ્રદેશની અન્ય શાળાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Most Popular

To Top