National

સીમા હૈદર જેલમાં જવા તૈયાર પણ પાકિસ્તાન નહીં, કહ્યું, મને મારી નાંખશે…

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (UP ATS) દ્વારા પૂછપરછનો સામનો કરી રહેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ડિટેન્શન સેન્ટર અને ભારતની જેલમાં રહેવું મંજૂર છે પરંતુ તે કોઈપણ કિંમતે પાકિસ્તાન પરત જવા માંગતી નથી. એટીએસના સવાલોના જવાબ આપ્યાના બે દિવસ બાદ સચિનના ઘરે પરત ફરેલી સીમાએ આપેલા પહેલાં ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જો મને પાકિસ્તાન પરત મોકલવામાં આવશે તો ત્યાં મને મારી નાખવામાં આવશે.

સીમા હૈદરે નેપાળના પશુપતિનાથ મંદિરમાં જ પ્રેમી સચિન સાથે લગ્ન કર્યાની એટીએસ સમક્ષ કબૂલાત કરી હતી. જ્યારે પાકિસ્તાની સીમાને કહેવામાં આવ્યું કે પશુપતિનાથ મંદિરમાં પૂજારીએ મુસ્લિમો સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. તો જવાબમાં સીમાએ કહ્યું કે તેણે સચિન સાથે મંદિરની પાછળની તરફ લગ્ન કર્યા હતા. કારણ કે આગળ ઘણી ભીડ હતી.

સીમાએ એવો પણ દાવો કર્યો હતો કે માંગમાં સિંદુર ભરવાનો અને વરમાળા પહેરવાનો વીડિયો રેકોર્ડ કરી શકાયો નહોતો. તેથી તે લગ્નનો પુરાવો આપી શકતી નથી. જોકે, લગ્ન નેપાળની કોઈ હોટલમાં નહિ પણ મંદિરમાં થયા હતા તેવો દાવો સીમાએ કર્યો હતો. જો તમને પાકિસ્તાન મોકલી દેવામાં આવે તો તમે શું કરશો? તે સવાલના જવાબમાં સીમા હૈદરે કહ્યું, મને યોગીજી (યુપીના મુખ્યમંત્રી) અને મોદીજી (વડાપ્રધાન) પર વિશ્વાસ છે. તે આવું થવા દેશે નહીં. મારા માટે અહીં (ભારત)માં જીવન છે અને ત્યાં (પાકિસ્તાન) મૃત્યુ છે.

કઈ સરહદેથી ભારતમાં પ્રવેશી?
સોનૌલી (મહારાજગંજ)ને બદલે સિદ્ધાર્થનગર બોર્ડરથી ભારતમાં પ્રવેશવાના મામલે સીમા હૈદરે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, મને હિન્દી વાંચતા આવડતું નથી, તો હું કેવી રીતે કહી શકું કે હું કઈ સરહદેથી ભારતમાં પ્રવેશી છું. ખરેખર પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે સીમા નેપાળથી સોનૌલી એટલે કે યુપીના મહારાજગંજ જિલ્લામાંથી ભારતમાં પ્રવેશી હતી.

ISI એજન્ટ હોવાના આરોપનો જવાબ આપતા સીમાએ કહ્યું..
તમારા પરિવારના ઘણા સભ્યો પાકિસ્તાન આર્મીમાં છે? તમારા પર ISI એજન્ટ હોવાનો આરોપ છે? આના જવાબમાં સીમાએ કહ્યું, પહેલી વાત એ છે કે વર્ષ 2020માં જ્યારે સચિન સાથે વાતચીત શરૂ થઈ ત્યારે મારો ભાઈ મજૂરી કામ કરતો હતો. 2022 માં પિતાના મૃત્યુના થોડા મહિના પહેલા ભાઈ પાકિસ્તાની સેનામાં જોડાયો હતો. મારા કાકાની વાત કરીએ તો તેઓ મારા જન્મ પહેલાથી જ પાકિસ્તાન આર્મીમાં હતા.

પાકિસ્તાનમાં મારું મૃત્યુ નક્કી
સીમા હૈદરે વધુમાં કહ્યું હતું કે જો હું દોષિત સાબિત થાવ તો દરેક સજા ભોગવવા તૈયાર છું. જો હું નિર્દોષ સાબિત થાવ તો પ્લીઝ મને અહીં ભારતમાં રહેવા દેજો. કારણ કે પાકિસ્તાન પરત ફરવું મારા માટે મૃત્યુ સિવાય બીજું કંઈ નથી. મારા પર મોટા મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તેથી મને પાકિસ્તાનમાં મારી નાખવામાં આવશે. હું સરહદના ડિટેન્શન સેન્ટરમાં રહેવા માટે પણ તૈયાર છું. જ્યાં ગેરકાયદે ઘૂસણખોરો રાખવામાં આવે છે. સીમા કહે છે કે મને મારા બાળકો અને પતિ સચિન સાથે રાખવામાં આવે તેવી મારી વિનંતી છે.

Most Popular

To Top