Columns

માથું અને મન સાચવો

એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું કે, ‘જીવનમાં આગળ વધવા અને ક્યારેય પાછા ન પડવા કઈ વસ્તુઓ સાચવવી જોઈએ તે મને કહો. કોઈ પણ બે તમારા માટે સૌથી મહત્ત્વની વસ્તુઓ જણાવો.’ થોડી વાર બધા વિચારમાં પડ્યા, પછી એક પછી એક જવાબો આવવા લાગ્યા. એક શિષ્યે કહ્યું, ‘જ્ઞાન અને બુદ્ધિ જરૂરી છે.’ બીજા શિષ્યે કહ્યું, ‘આવડત અને વ્યવહાર જરૂરી છે.’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘પૈસા અને સંબંધો જરૂરી છે.આમ ઘણા જુદા જુદા જવાબ આવ્યા. આ બધા જવાબો સાંભળીને ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, આ બધી વાત બરાબર છે, પણ મારા પ્રશ્નનો જરા ઊંડાણપૂર્વક વિચાર કરો.’ કોઈ કાંઈ બોલ્યું નહિ, પણ બધા શિષ્યો સમજી ગયા કે ગુરુજી નક્કી કોઈ ઊંડી સમજ આપવા માંગે છે. 

ગુરુજીએ કહ્યું, ‘જો તમારે જીવનમાં કોઈ પણ તબક્કે અને કોઇ પણ સંજોગોમાં પાછા ન પડવું હોય તો તમારે બે વસ્તુ સાચવવાની છે અને તે બે વસ્તુ છે તમારુ માથું એટલે કે મસ્તિષ્ક એટલે કે મગજ અને બીજી વસ્તુ છે તમારું હદય એટલે કે દિલ એટલે કે મન.’ શિષ્યોને મનમાં થયું, ‘કે જીવનમાં માત્ર માથું અને હ્રદય થોડું સચવાય. આખું શરીર સાચવવું પડે.શરીર ઉપરાંત પણ પૈસા, વૈભવ, પ્રતિષ્ઠા,ઈજ્જત, સંબંધો જેવું ઘણું સાચવવું પડે.’પણ કોઈએ મનની વાત ગુરુજીને કહી નહિ. ગુરુજી જાણે તેમના મનની વાત કળી ગયા હોય તેમ બોલ્યા કે, ‘મને ખબર છે કે માત્ર માથું અને હદય જ મહત્ત્વના થોડા છે, બીજું ઘણું બધું જરૂરી છે જીવનમાં.પણ મારી વાત ધ્યાનથી સમજો, જીવનમાં બે પરિસ્થિતિમાં વધુ ચેતીને ચાલવાનું હોય છે. પહેલી પરિસ્થિતિ એ છે જે બધાને ગમે છે તે છે. જીવનમાં સફળતા મળવી …બધું સારું થવું …સતત પ્રગતિ થવી ત્યારે તમારે બધાએ સચેત થઈને તમારા માથા એટલે કે મગજ અને મસ્તિષ્કને સાચવવાનું છે.

સફળતાની રાય મગજમાં ચડી જતાં વાર નથી લાગતી અને એક વાર જો માથામાં અભિમાનનો ભાર ભરાઈ જાય તો યાદ રાખજો જીવનમાં જ્યાં હશો ત્યાંથી વળતાં પાણી થશે.માટે સુખ અને સફળતાના દિવસોમાં તમારા માથાને અભિમાનથી સાચવજો અને હવે વાત કરું બીજી પરિસ્થિતિની, જે કોઈને ગમતી નથી તે છે જીવનમાં અસફળતા મળવી.બધું ખરાબ થવું.સતત અધોગતિ થવી, ત્યારે તમારે બધાએ સચેત થઈને તમારા હ્રદય એટલે કે દિલને અને મનને સાચવવાનું છે. નિષ્ફળતાની નિરાશા તમારા મનને તોડી ન નાખે અને તમે દિલથી હિંમત હારીને હતાશ થઈને આગળ વધવાનું છોડી ન દો તે માટે સજાગ રહેવાનું છે.જો હ્રદય નાસીપાસ થઈને પ્રયત્નો કરવાનું અને મહેનત કરવાનું છોડી દેશે તો તમે કયારેય આગળ વધી નહિ શકો, માટે દુઃખ અને નિષ્ફળતાના દિવસોમાં દિલને હતાશા અને નિરાશાથી સાચવજો.જો બન્ને પરિસ્થિતિમાં તમે માથું અને મન સંભાળી લેશો તો જીવનમાં ક્યારેય પાછા નહિ પડો.’ ગુરુજીએ સાચી સમજ આપી.   
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top