Top News

ખરસાન પર સંપૂર્ણ કબજાનો રશિયાનો દાવો, ત્રણ દેશોના વડાપ્રધાન ઝેલેન્સકીને મળશે

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 20મો દિવસ છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખેરસન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. ખરસાન સંપૂર્ણપણે રશિયન કબજા હેઠળ, ત્રણ દેશોના વડાપ્રધાન ઝેલેન્સકીને મળવા માટે કિવ જવા રવાના થાય છે. યુક્રેનની સાથે શાંતિ મંત્રણા થઈ રહી હોવા છતાં રશિયા સતત યુક્રેનના શહેરોમાં નાગરિક વિસ્તારો પર બોમ્બમારો કરી રહ્યું છે. રશિયા સમર્થિત વિદ્રોહીઓના કબજા હેઠળના ડોનેસ્ક શહેરમાં બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં 20 નાગરિકોનાં મોત થયા, જ્યારે 35 અન્ય ઘાયલ થયા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, રશિયાએ આ હુમલાનો આરોપ યુક્રેનની સેના પર લગાવ્યો છે. જો કે એ તેનો કોઈ પુરાવો આપી શક્યું નહીં.

લાંબા સમયના યુદ્ધ વચ્ચે રશિયાના લશ્કરી સાધનો અને દારૂગોળો ઝડપથી ખતમ થઈ રહ્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ દાવો કર્યો છે કે રશિયા પાસે માત્ર 10 દિવસનો દારૂગોળો બચ્યો છે. તે જ સમયે, યુક્રેન અને રશિયા વચ્ચેનાં યુદ્ધમાં, આંતરરાષ્ટ્રીય કોર્ટ 16 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે. રશિયા કોઈ પણ ભોગે યુક્રેનને પાડી દેવા માગે છે એટલે કે હવે તેણે મોટાપાયે હુમલાઓ શરુ કર્યાં છે. આવા એક મોટા હુમલામાં રશિયાએ યુક્રેનમાં મિસાઈલ ઝીંકીને ટીવી ટાવર ઉડાવી મૂક્યું હતું જેમાં 19 લોકોના મોત થયા હતા તથા સેંકડો લોકો ઘાયલ થયા છે. ગર્વનર વિટાલીએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ટીવી ટાવરના કાટમાળમાં ઘણા લોકો ફસાયા છે.

ગોળીબારમાં ગેસ પાઇપલાઇનને નુકસાન
રશિયા દ્વારા યુક્રેનના ઘણા શહેરો પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ યુક્રેન પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેનિયન સૈનિકોના ગોળીબારમાં ગેસ પાઇપલાઇનને નુકસાન થયું છે. યુક્રેનના ઘણા ભાગોમાં રશિયન દળો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, લુહાન્સ્ક ઓબ્લાસ્ટના ગવર્નરે કહ્યું છે કે રશિયન સેનાના હુમલામાં ત્રણ શાળાઓ અને એક હોસ્પિટલ સંપૂર્ણપણે નાશ પામી છે. આ સિવાય ચાર લોકોના મોત પણ થયા છે.

કિવ પર જોરદાર હુમલો
રશિયા દ્વારા કિવ પર જોરદાર હુમલો કરવામાં આવી રહ્યો છે. અહીં વહેલી સવારે અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. આ દરમિયાન, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિવના એક એપાર્ટમેન્ટમાં રાતોરાત રશિયન બાજુથી ગોળીબાર થયો હતો. આ પછી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. રશિયાના હુમલા વચ્ચે યુક્રેને કહ્યું છે કે તેણે અત્યાર સુધીમાં 2000થી વધુ બાળકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે. આ દાવો યુક્રેનની સામાજિક નીતિ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે.

લોકોને બચાવી રહેલા લોકો પર રશિયાએ શરુ કર્યાં હુમલા
યુક્રેનની રાજધાની કિવમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ 15 માર્ચે રાત્રે 8 વાગ્યાથી 17 માર્ચના રોજ સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટોથી બચવા માટે નાગરિકોને માત્ર બંકરોમાં જવા દેવામાં આવશે. યુક્રેન વિરુદ્ધ જંગ લડવા માટે 40 હજારથી વધારે સીરિયાઈ સૈનિકો તૈયાર છે. આ યોદ્ધાએ રશિયા તરફથી જંગમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સીરિયન ઓબ્ઝર્વેટ્રી ફોર હ્યૂમન રાઈટ્સના જણાવ્યા અનુસાર આ યોદ્ધાએ રશિયા તરફથી યુક્રેન જવા માગે છે. જો કે, 14 માર્ચ સુધી કોઈ સીરિયાઈ યોદ્ધાએ દેશ છોડ્યો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર રશિયન દળોએ હવે યુક્રેની શહેર હોસ્ટોમેલમાં લોકોને બચાવી રહેલા લોકો પર ગોળીબાર કરવાનું શરુ કર્યું છે.

યુક્રેનના 50થી વધારે શહેરો રશિયાના હુમલાના ટાર્ગેટ પર
આ યુદ્ધનો અંત હાલ તો દેખાઈ રહ્યો નથી. કારણ કે રશિયાએ યુક્રેન ઉપર તેના હુમલા વધારી દીધા છે. બોમ્બ બ્લાસ્ટ, ટેંક, દારૂગોળા, રોકેટ અને મિસાઈલના હુમલાએ અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. રશિયા પણ યુક્રેનના 24 જેટલા શહેરને નિશાન બનાવી રહ્યું છે તો બીજી બાજુ યુક્રેને ફરી વખત નાટો દેશોને યુક્રેનના હવાઈ ક્ષેત્રને બંધ કરવા અપીલ કરી છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે દક્ષિણ ભાગમાં આવેલા મારિયુપોલ ઉપર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 2500થી વધારે લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ કહ્યું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો યુક્રેનના અર્થતંત્રમાં 35 ટકાનો જંગી ઘટાડો આવી શકે છે. સોમવારે બન્ને દેશ વચ્ચે ચોથા તબક્કાની વાતચીત થઈ હતી,પણ તેનું કોઈ જ પરિણામ આવ્યું ન હતું. અલબત હવે આ વાતચીત આજે આગળ વધશે.

Most Popular

To Top