Gujarat Main

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને દિવાળી પહેલાં મોટી ભેંટ મળી, વતન જવું વધુ સરળ બનશે

સુરત: દિવાળી ટાણે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેંટ મળી છે. સુરતથી સૌરાષ્ટ્રના અમરેલી વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. અમરેલીના જાફરાબાદના બંદરથી સુરતના બંદર સુધી રો-રો ફેરી સર્વિસ દોડાવવાનું પ્લાનિંગ થયું છે. આ રો રો ફેરી સર્વિસ શરૂ થવાથી દિવાળ ટાણે વતન સૌરાષ્ટ્ર જતા સુરતના રત્નકલાકારો, હીરાવાળાઓને મોટો ફાયદો થશે. તેઓની સફર વધુ સરળ બનશે.

સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ રહે છે. અહીંના હીરા અને કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રવાસીઓ મોટી સંખ્યામાં કાર્યરત છે. આ સૌરાષ્ટ્રવાસીઓ વેકેશનમાં વતન જતા હોય છે. દિવાળીમાં હીરા ઉદ્યોગમાં એકથી દોઢ મહિનાનું વેકેશન હોય ત્યારે સુરત અડધું ખાલી થઈ જતું હોય છે. વતન સૌરાષ્ટ્ર જવા માટે સુરતથી એસટી દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે. તેમ છતાં લોકોએ ખાનગી વાહનો, ટ્રકોમાં જવું પડે છે. લોકો ટુવ્હીલર ટ્રકો પર લાદીને લઈ જતા હોય છે. જોકે, હવે સૌરાષ્ટ્ર જવા માંગતા લોકોની સુવિધામાં વધારો થવા સાથે સુરત સૌરાષ્ટ્ર વચ્ચેની મુસાફરી સરળ અને આરામદાયક બનશે.

જાણવા મળ્યા અનુસાર સુરત અને અમરેલીના જાફરાબાદ બંદર વચ્ચે રો રો ફેરી સર્વિસને મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં તેના શિડ્યુલની જાહેરાત કરવામાં આવશે. આ રો રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ સુરત સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટશે. સુવિધાદાયક અને સરળ મુસાફરીનો લાભ લોકોને મળશે. નોંધનીય છેકે વર્ષ 2018માં અમરેલીમાં જીતુ વાઘાણીએ સુરત જાફરાબાદ રો રો ફેરી સર્વિસ શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી.

Most Popular

To Top