Madhya Gujarat

કાંધરોટીના ગરનાળા પર અકસ્માતનું જોખમ

બોરસદ: બોરસદ તાલુકાના કાંધરોટી ગામનું ગરનાળું જર્જરિત હાલતમાં છે તેમજ ઘણો બધો ભાગ ખુબ જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ ગરનાળા પરથી કાંધરોટી ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામોના નાગરિકો પણ પસાર થાય છે. કાંધરોટી  કઠાણા, કલમસર તથા અન્ય ગામોને જોડતા માર્ગ પર આવેલ નાળુ બેસી જતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નાળા નીચેનો પિલર સાવ જર્જરીત હાલતમાં થઇ ગયેલ છે.  આ આખું  ગરનાળું સંપૂર્ણ બેસી જવાની અને મોટો અકસ્માત થવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. 

કાંધરોટીનુ ગરનાળુ બેસી જવાથી   વાહન વ્યવહાર તથા વિવિધ શાળાઓમાં અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને અવર જવર માટે ખુબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મહિકાંઠા પંથકના 15 કરતા વધુ ગામોના વાહનવ્યવહાર અને જનતા માટે ખૂબ જ મહત્વનાં માર્ગ પરનું ગરનાળું હાલમાં ભયજનક બની ગયું હોવાથી મોટી જાનહાનિ થવાની દહેશત પ્રસરી છે.

ગ્રામ પંચાયત અજાણ પરંતુ પૂર્વ સરપંચે જનહિતમાં કામગીરી કરી
ગરનાળુ બેસી જવાના બનાવ બાબતે સ્થાનિકો અનેકવિધ ચર્ચાઓ ઉઠવા પામી છે. ગરનાળું ક્ષતિગ્રસ્ત થઈ ગયું છતાં કાંધરોટી ગ્રામ પંચાયતના સરકારી વહીવટદાર સ્થળ તપાસ માટે ઢીલી નીતિથી ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગરનાળા અંગેની ગામલોકોને કોઈ આગોતરી સુચના પણ આપવામાં આવી નથી. ગ્રામ પંચાયત નોટિસ બોર્ડ પર પણ કોઇ‌ પણ જાતની નોટિસ સુદ્ધાં લગાવવામાં આવી નથી. જેથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.જોકે કાંધરોટીના પૂર્વ સરપંચને આ જાણકારી મળતાં તુરંત જ  માર્ગ મકાન વિભાગને જાણ કરતાં નાયબ ઇજનેર તથા સ્ટાફ ઘટના સ્થળે આવી સ્થળ તપાસ કરી હતી.તથા આણંદ-મોગરી કાંસ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે સ્થળ તપાસ કરી હતી.

વહેલી તકે ગરનાળું નવું બનાવવા માટે કાંધરોટીના ગ્રામજનો માંગ કરાઈ 
કાંધરોટીના સીમ વિસ્તારમાં રહેતા લોકોની માંગ છે કે આ ગરનાળાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તથા સ્થળ પર લાઈટની સુવિધા કરવી ખૂબ જરૂરી છે.  રાત્રિના સમયે ગરનાળાના સ્થળ પર  દુર્ઘટના બને જાય તેવી શક્યતા છે.  ગત વર્ષે પણ નાળુ થોડું ધોવાયેલું આ નાળાની રજૂઆત તત્કાલીન  સરપંચ દ્વારા  અગાઉ કરવામાં આવી હતી. છતા હજુ સુધી કોઈપણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી

Most Popular

To Top