Madhya Gujarat

રીક્ષાચાલકોએ છાત્રો પાસે અધધ ભાડા વસુલ્યાં

આણંદ: આણંદમાં રવિવારના રોજ યોજાયેલી તલાકી કમ મંત્રીની પરીક્ષામાં સાડા તેર હજાર વિદ્યાર્થીઓ બહારગામથી આવ્યાં હતાં. આ વિદ્યાર્થીઓને જે તે કેન્દ્ર પર પહોંચવા માટે ઉતાવળ હોવાથી રીક્ષા ચાલકોએ મનમાની કરી અધધધ ભાડા વસુલ્યાં હતાં. કેટલાક રીક્ષા ચાલકોએ તો ગોળગોળ ફેરવીને પણ પોતે દુર સુધી વિદ્યાર્થીને પહોંચાડ્યાં હોય તે રીતે ભાડા વસુલ્યાં હતાં. અલબત્ત, પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાતાં વહીવટી તંત્રએ હાશકારો લીધો હતો.

આણંદમાં રવિવારના રોજ જિલ્લાના 58 પરીક્ષા કેન્દ્રના 750 વર્ગખંડમાં 22,500 ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે નોંધાયાં હતાં. જેને ધ્યાને લઇને કલેક્ટર ડી.એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પરીક્ષાનું સુચારુ આયોજન થાય તે માટે પુરતી તૈયારી કરવામાં આવી હતી.જોકે, પરીક્ષામાં 22,500માંથી 13,712 ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. જ્યારે 8788 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આ પરીક્ષામાં કોઇ ગેરરીતિનો બનાવ ન બનતા વહીવટી તત્રએ હાશકારો લીધો હતો.

અલબત્ત, આણંદના રીક્ષા ચાલકોએ વિદ્યાર્થીઓને લૂંટવામાં કોઇ કસર છોડી નહતી. આણંદ અને વિદ્યાનગરના પરીક્ષા કેન્દ્રથી બસ સ્ટેન્ડ સુધી વિદ્યાર્થીઓને લાવવા લઇ જવા માટે અધધધ ભાડા વસુલ્યાં હતાં. કેટલાક રીક્ષા ચાલકોએ કોઇ માનવતા ન રાખી હોય તેમ રૂ.100થી પણ વધુ વ્યક્તિદીઠ ભાડા વસુલ્યાં હતાં. આવા રીક્ષા ચાલકો સામે પણ ફિટકારની લાગણી વરસી હતી.

આણંદના નવા બસ સ્ટેન્ડ પર અફડાતફડીનો માહોલ સર્જાયો
આણંદ – ખેડા જિલ્લામાં બહારગામથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા અને પરીક્ષા બાદ તેમના વતન સુધી પહોંચી શકે તે માટે એકસ્ટ્રા બસ મુકવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ એક સાથે 10 હજાર જેટલા વિદ્યાર્થી નવા બસ સ્ટેન્ડ પર ઉમટી પડ્યાં હતાં. આ તમામ વિદ્યાર્થી તેમના વતન જઇ શકે તે માટે એકસ્ટ્રા બસનો પણ ખડકો હોવાથી અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે, આણંદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ સહિતની ટીમ નવા બસ સ્ટેન્ડ પર પહોંચી હતી અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતી કાળજી લીધી હતી.

Most Popular

To Top