Madhya Gujarat

કપડવંજમાં કાળઝાળ ગરમીમાં પાણીની અછત

કપડવંજ : કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તાર કે જે નપાણિયા વિસ્તાર તરીકે પંકાયેલો છે. ઘણા વર્ષોથી આ વિસ્તાર પાણીની ભારે તંગીનો સામનો કરી રહ્યો છે. તાલુકાના વડાલી તાબેના હેમતાજીના મુવાડામાં પાણીની સમસ્યા વિકટ બનતા વડાલી પંચાયત દ્વારા ટેન્કરો દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરી પ્રજાને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય ગામોની સ્થિતિ વધુ ગંભીર બની છે.

કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામોમાં દર ઉનાળે પાણીનો પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ખેતી માટે સિંચાઈની વાત તો દૂર રહી પરંતુ પશુઓ અને માણસોને પણ પીવાની પાણી માટે વલખા મારવા પડે છે. ઉનાળાના દિવસો શરૂ થતાં જ આ ગામમાં પંચાયત હસ્તકના અને ખાનગી બોરમાં પાણી સુકાઈ ગયા છે. વળી વનોડા જૂથ યોજના કે અન્ય કોઈ યોજનાનું પાણી હડમતિયા ગામને પહોંચતું નથી. તેથી પાણીનો અન્ય કોઈ વિકલ્પ ન હોય ગ્રામ પંચાયત દ્વારા યુધ્ધના ધોરણે ટેન્કરો દ્વારા પાણી પુરવઠો પહોંચડવાની કામગીરી શરૂ કરી છે. તેમ છતાં પણ પાણી પુરતું મળતું નથી.

હેમતાજીના મુવાડાના ગ્રામજનોની માંગણી છે કે, વનોડા પાણી પુરવઠા જૂથ યોજનાની વડાલી પાટિયાથી પસાર થતી પાઈપ લાઈનમાંથી તાત્કાલિક જોડાણ આપવામાં આવે તો આ ગામનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. ગામમાં વાસ્મો યોજના અંતર્ગત સંપ તથા ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા છે, પરંતુ તે હાલ પાણીના અભાવે આ યોજના નિર્જીવ બની ગઈ છે. જેથી સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

Most Popular

To Top