Madhya Gujarat

નડિયાદનો ધુળિયો રસ્તો 24 કલાકમાં રીપેરીંગ કરો, નહીં થાય તો આંદોલન કરીશું

નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં દાખવવામાં આવતી બેદરકારીને કારણે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર ૬ નો રસ્તો અત્યંત ધુળિયો હોવા બાબતે નગરપાલિકા તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં, આ મામલે હવે રહીશોમાં રોષ ભરાયો છે. ધુળિયા રસ્તાની સમસ્યાનો ઉકેલ જો ૨૪ કલાકમાં લાવવામાં નહીં આવે તો રસ્તો રોકીને અનશન પર ઉતરવાની ચિમકી રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

નડિયાદ શહેરના કેટલાક વિસ્તારો પરત્વે પાલિકા તંત્ર દ્વારા ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. જેને લઇને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરના વોર્ડ નંબર ૬ ના મરીડા ભાગોળ રોડ ઉપર છેલ્લા લાંબા સમયથી અત્યંત ધૂળ ફેલાયેલી હોવાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઇને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હોવાછતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. આ બાબતે શેખ ગુલામહુસેન ગુલામ મુસ્તુફા દ્વારા વારંવાર પાલિકાના ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ પોતાના ખર્ચે નડિયાદ ફાયર બ્રિગેડમાંથી પાણી લાવી, ધૂળ ઉપર તેનો છંટકાવ કરાવવામાં આવ્યો હતો.

રહીશો ખુદ પોતાના ઘરની આસપાસમાં સતત પાણીનો છંટકાવ કરતાં રહે છે, જેથી કરીને ધૂળ ન ઉડે. જોકે, વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં અંતે આ મામલે શુક્રવારે લિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક અસરથી ધૂળિયા રસ્તાની સમસ્યાનું નીરાકરણ લાવવા રજૂઆત કરી, જો ૨૪ કલાકમાં સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો રસ્તો રોકીને અનશન પર બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. શનિવાર સુધીમાં પાલિકા તંત્ર ધુળિયા રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી રહીશોને પોતાનું કામ કરાવવા માટે અનશન – આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તે જોવું રહ્યું.

Most Popular

To Top