Entertainment

રાકેશ ઓમપ્રકાશ મહેરા મનોરંજનના મસાલા વિના સફળ ફિલ્મ બનાવે છે

ફિલ્મજગતમાં હંમેશા એવા થોડા દિગ્દર્શક કામ કરતા હોય છે જેમને બજારમાં જે ફિલ્મો ચાલી રહી હોય અને જેને મનોરંજન માનતા હોય તેનાથી જુદું કરવું હોય. અત્યારના સમયમાં રાજકુમાર હીરાની, ફરહાન અખ્તર, અનુભવ સિંહા, આર. બાલ્કી, જેવાએ હંમેશા કશુંક જૂદું કરવું હોય છે. આવા દિગ્દર્શકોમાં એક નામ રાકેશ ઓમપ્રકાશ મહેરા છે. અમિતાભ બચ્ચ અભિનીત ‘અકસ’થી તેણે આરંભ કર્યો અને ‘રંગ દે બસંતી’, દિલ્હી-6, ભાગ મિલખા ભાગ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. તે એક પૂર્ણ પ્રકારના દિગ્દર્શક છે. અકસ, રંગ દે બસંતી, દિલ્હી – 6 અને મેરે પ્યારે પ્રાઈમ મિનીસ્ટરની પટકથા પણ તેણે જ લખેલી. તે નિર્માતા પણ શોધવા જતો નથી. બને ત્યાં સુધી જાતે જ પ્રોડયુસ કરે. આ કારણે જ તેને દરેક ફિલ્મમાં બે વર્ષ તો અમસ્તા લાગી જાય છે.

તે કારણ વિના બહુ પોપ્યુલર સ્ટાર્સ પાછળ પણ ન પડે. ‘રંગ દે બસંતી’ માં આમીર ખાન છે પણ પછી અભિષેક બચ્ચન, ફરહાન અખ્તર જેવા છે. હીરોઇન તરીકે તે કેટરીના કૈફ કે દિપીકા પાદુકોણે પાછળ ન પડે. રંગ દે બસંતીમાં સોહા અલીખાન હતી, ‘દિલ્હી-6’માં સોનમ કપૂર, ‘ભાગ મિલખા ભાગ’માં પણ સોનમને રિપીટ કરેલી ન હવે તુફાનમાં મૃણાલ ઠાકુર છે. વચ્ચે તેણે ફન્ને ખાન પણ બનાવેલી તેમાં ઐશ્વર્યા રાય, અનિલકપૂર, રાજુકમાર રાવનું કોમ્બિનેશન કરેલું.

રાકેશ ઓમપ્રકાશ મહેરાએ એડ ફિલ્મ્સથી આરંભ કરેલો અને કોક, પેપ્સી, ટોયોટો ઉપરાંત અમિતાભ સાથે એલીબેલી મ્યુઝીક વિડીયો પણ બનાવેલો. ફિલ્મના દિગ્દર્શનમાં પડતી વેળા તેઓ યોજનાથી જ આગળ વધ્યા. અલબત્ત, તેમાં નિષ્ફળતા ય મળે. નિર્ઝિયા બનાવી તો નહોતી ચાલી પરંતુ ફિલ્મોમાં હો તો એવું બનતું રહે. પણ તેમની ‘અકસ’, ‘ભાગ મિલખા ભાગ’ને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. ‘રંગ દે બસંતી’ નો ય અધિકાર હતો પણ ન મળ્યો. મહેરા કયારેય માત્ર મનોરંજક તત્વથી ભરપૂર ફિલ્મ બનાવતા નથી. આ વખતે તુફાન બનાવી છે ને પહેલીવાર ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઈ રહી છે. નિર્માતા તરીકે થોડું વેઠવું પડશે પણ ફિલ્મ સર્જન બાબતે પૂરતો સંતોષ છે. તેઓ કહે છે કે હું તો ફકત વાર્તા કરું છું ને તે વધુ સારી રીતે કહી શકાય તેની કાળજી રાખુ છું. તે પોતાની ફિલ્મોના સિકવલમાં ય નતી પડતા. દરેક વખતે તાજો વિષય હોય તો તેમને વધારે મઝા આવે છે.

રાકેશ ઓમપ્રકાશ પહેરા પી.એસ. ભારતીને પરણેલા છે ને એક દિકરી ભૈરવી અને દિકરા વેદાંતના પિતા છે. પોતાની ફિલ્મમાં તેઓ કયારેક રાજકીય ટિપ્પણ પણ કરી લે છે. રંગ દે બસંતી માં મંડલ કમીશનને વોટબેન્ક રાજકારણની વાત કરેલી વિમાનોની સરકારી ખરીદી કેવી રીતે આઘાતક બની શકે તેની ય તિખી ટિપ્પણ હતી. ‘ભાગ મિલખા ભાગ’માં દેશના ભાગલાનો સંદર્ભ હતો. રાકેશ ઓમપ્રકાશ મહેરા આવા મુદ્દાઓ ઉમેરે ત્યારે પણ પ્રેક્ષકને આકર્ષે છે. આદિત્ય ચોપરા, કરણ જોહર જેવા નિર્માતાથી તે જુદું કામ કરે છે. આજે આવા દિગ્દર્શક ઓછા છે. પણ એવા દિગ્દર્શક જ ફિલ્મોને આગળ લઇ જઈ શકે.

Most Popular

To Top