Sports

બુધવારની રાજસ્થાન રોયલસ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ રોમાંચક બની રહેવાની સંભાવના

ગુવાહાટી : અહીંના બરસાપારા સ્ટેડિયમમાં (Barsapara Stadium) આવતીકાલે બુધવારે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થનારી રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વચ્ચેની મેચ (Match) રોમાંચક બની રહેવાની સંભાવના છે. આ મેચ રોયલ્સની ‘હોમ’ ગેમ હશે અને નોર્થઈસ્ટને પ્રથમ વખત IPL મેચની યજમાની કરવાની તક મળશે. એકતરફ રોયલ્સની બેટીંગમાં ઉંડાણ છે તો સામે પંજાબ કિંગ્સની બોલિંગ પણ ધારદાર છે, તેથી એક રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે.

ગયા વર્ષની રનર્સ-અપ રાજસ્થાન રોયલ્સે રવિવારે તેમની 72 રનની જીત દરમિયાન રમતના દરેક વિભાગમાં સનરાઇઝર્સ હૈદરાબાજને પછાડ્યું હતું. યશસ્વી જયસ્વાલ, ઈંગ્લેન્ડના મર્યાદીત ઓવરના સુકાની જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસને અર્ધસદીઓ ફટકારીને રોયલ્સને પ્રભુત્વ અપાવ્યું હતું. તે પછી યુઝવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટની જોરદાર બોલિંગથી સનરાઇઝર્સ હૈદરાબાદની બેટીંગ લાઇનઅપ ધ્વસ્ત કરી હતી. આ તરફ પંજાબ કિંગ્સે, જોકે, ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ મોહાલીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની સાત રનની જીત દરમિયાન તેમની બેટિંગ અને બોલિંગ કૌશલ્યની ઝલક દર્શાવી હતી.

  • બંને ટીમે પોતપોતાની પહેલી મેચમાં ઉમદા બોલિંગ અને બેટીંગ પ્રદર્શન કર્યું હોવાથી એક રસપ્રદ મુકાબલો જોવા મળી શકે
  • રાજસ્થાન રોયલ્સ માટે ગુવાહાટી હોમ ગ્રાઉન્ડ હોવાથી નોર્થઇસ્ટને પહેલીવાર આઇપીએલ મેચની યજમાની કરવાની તક મળી

રોયલ્સની બોલિંગ પણ જોરદાર દેખાઈ રહી છે. ટીમમાં બોલ્ટ વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંનો એક છે. આ સિવાય બે દિગ્ગજ ભારતીય સ્પિનરો ચહલ અને રવિચંદ્રન અશ્વિન પણ ટીમનો ભાગ છે અને પંજાબની ટીમ જાણે છે કે બરસાપારા સ્ટેડિયમમાં તેમની સામે તેમનો રસ્તો આસાન નહીં હોય. પંજાબ કિંગ્સ ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનની રાહ જોઈ રહી છે, જેને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી. ઈંગ્લેન્ડના બે ઓલરાઉન્ડર સેમ કુરન તેમજ લિવિંગસ્ટોનની સાથે અર્શદીપ વર્તમાન સિઝનમાં પંજાબ ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top