National

રાજસ્થાનનાં કોટામાં લોકો ભયમાં: ચંબલ નદીમાંથી બહાર આવી રહ્યાં છે અસંખ્ય મગરો

કોટા: (Kota) રાજસ્થાનમાં (Rajasthan) પડી રહેલી જોરદાર ઠંડીને (Cold) કારણે અહીંનાં જંગલોમાંથી (Jungle) પસાર થતી નદીમાંથી મગરો બહાર આવી રહ્યાં છે. કડકડતી ઠંડીથી બચવા મગરો જમીન પર આવી રહ્યાં છે. રાજસ્થાનના કોટા વિસ્તારમાં નદીમાંથી બહાર આવતા મગરોને (Crocodile) કારણે લોકો ભયભીત છે. ચંબલ નદીમાં દર એક કિલોમીટરના અંતરે પાંચથી સાત મગર જોવા મળી રહ્યાં છે. નદીની વચ્ચેના ટાપુ પર કે નદીની (River) આસપાસના ખડકો પર આવીને મગરો બેસી રહ્યાં છે. મળતી માહિતી મુજબ ક્યારેક તેઓ રહેણાક વિસ્તારોમાં પણ પહોંચી જાય છે. જેને કારણે લોકોમાં ભય ફેલાયો છે.

હાલ પડી રહેલી કડકડતી ઠંડીને કારણે ચંબલનું પાણી બરફ જેવું ઠંડું થઈ ગયું છે. ઠંડા પાણીથી બચવા મગરો માનવીય વસ્તી વાળા વિસ્તારોમાં આવી રહ્યાં છે. મોટી સંખ્યામાં મગરો નદીમાંથી બહાર આવી રહ્યા છે. જેને કારણે ચંબલ નદીના કિનારે વસી રહેલા હજારો લોકો ભયભીત છે. કોટામાં પર્યાવરણવિદ્ લોકોના જણાવ્યા અનુસાર ચંબલ નદીમાં 1000થી વધુ મગર કોટા રેન્જમાં છે. બીજી તરફ ચંદ્રેશલ નદીમાં 2000થી વધુ મગર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કિશોર સાગર તળાવ, રાયપુર નાળું, ચંદ્રલોઈ નદીમાં મોટી સંખ્યામાં મગરો બહાર આવીને તડકામાં રહેતા જોવા મળી રહ્યા છે.

ચંદ્રલોઈ નદી રાયપુર, દેવલીઅરબ, રાજપુરા,જગન્નાથપુરા, બોરખંડી હાથીખેડા, અર્જુનપુરા ગામમાંથી પસાર થાય છે. આ નદી કિનારે મોટી સંખ્યામાં મગરોનું ટોળું જોવા મળી રહ્યું છે. અહીં ખેતરોમાં કામ કરતા મજૂરો પર પણ મગરો દ્વારા હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. તો બીજી બાજુ નદી કિનારે પાણી પીવા આવતાં પશુઓ પર મગર હુમલો પણ કરી રહ્યાં છે. પર્યાવરણવિદોનું કહેવું છે કે મગરને ઠંડા તાપમાનમાં સૂર્યપ્રકાશની જરૂર હોય છે. શિયાળામાં પાણી ઠંડુ હોવાને કારણે મગરને પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે તડકો લેવો પડે છે. તેથી જ શિયાળામાં તેઓ સૂર્યોદય પછી નદી કિનારે અથવા આસપાસના પથ્થરો પર આવીને બેસી જાય છે. આજ સ્થિતિ હાલના શિયાળાના સમયમાં પણ સર્જાઈ છે. રાજસ્થાનમાં કડાકેદાર ઠંડી હોવાને કારણે તડકો મેળવવા મગરો પાણીની સપાટીથી બહાર આવી રહ્યાં છે. જેનાં કારણે નદીની આસપાસ રહેતા લોકોના જીવ જોખમે મુકાયા છે.

Most Popular

To Top