SURAT

અલ્ટ્રાટેક સિમેન્ટ સસ્તામાં ખરીદવાના ચક્કરમાં સુરતના બિલ્ડરે 6.60 લાખ ગુમાવ્યા

સુરત: વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર જાહેરાતોનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. ક્યારેક લોકો આવી જાહેરાતો વાંચીને ભોળવાઈ જઈને ઠગ ધૂતારાઓની જાળમાં ફસાઈ જતા હોય છે. આવો જ એક બનાવ સુરતના બિલ્ડર સાથે બન્યો છે. સસ્તામાં અલ્ટ્રાટેક સિમેન્ટ ખરીદવાના ચક્કરમાં સુરતના બિલ્ડરે લાખો રૂપિયા ગુમાવવાની નોબત આવી છે.

  • સુરતના સાંઈ કેવલ બિલ્ડર્સના ભાગીદાર ગીરલ કાપડિયા સાથે છેતરપિંડી
  • અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો વ્યક્તિ હોવાની ઓળખ આપીને ઠગે છેતર્યા
  • પેમેન્ટ લીધા બાદ 2000 બેગ સિમેન્ટની ડિલીવરી નહીં કરતા બિલ્ડરને છેતરાયા હોવાની ખબર પડી

દેશની જાણીતી સિમેન્ટ ઉત્પાદક કંપની અલ્ટ્રાટેકની સિમેન્ટની (Ultra Tech Cement) 2000 બેગ સસ્તામાં ખરીદવાના ચક્કરમાં સુરતના બિલ્ડરે (Surat Builder) રૂપિયા 6.60 લાખ ગુમાવ્યા છે. વોટ્સએપ પર મેસેજ કરીને ઠગે લોભામણી વાતોથી લલચાવીને બિલ્ડર સાથે છેતરપિંડી કરી છે. બિલ્ડરે આ મામલે સુરત સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર સુરતના સાંઈ કેવલ બિલ્ડર્સના ભાગીદાર ગીરલ યોગેશ કાપડિયાને ગઈ તા. 22 જુલાઈ 2022ના રોજ વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં Ultra Tech Cement Apply Bulk Purchase All India for Rate OPC 42/53 G Rade 50 kg @320s/33-s PPC 50 kg @300 rs min Order 20,000 bags call 8276860343 Duplxx” લખેલું હતું. ગીરલ કાપડીયાને કન્સ્ટ્રક્શન અર્થે સિમેન્ટની જરૂરિયાત હોય તેઓએ વોટ્સએપ મેસેજ પર નોંધેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો હતો. સામેના છેડે રાજ પુરોહિત નામની વ્યક્તિએ પોતે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો અધિકૃત વ્યક્તિ હોવાનો વિશ્વાસ અપાવી બજાર ભાવ કરતા સસ્તામાં સિમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. તેથી બિલ્ડર ગીરલ કાપડિયાએ 330ના ભાવમાં 2000 બેગ સિમેન્ટનો ઓર્ડર આપી રાજ પુરોહિત દ્વારા આપવામાં આવેલા બેન્ક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પેમેન્ટ કર્યા બાદ સિમેન્ટની ડિલીવરી મળી નહોતી. રાજ પુરોહિત દ્વારા બહાનાબાજી કરવામાં આવી રહી હતી.

દરમિયાન રાજ પુરોહિતે બીજી 5000 બેગનો ઓર્ડર આપો તો વધુ સસ્તી પડશે, 300 રૂપિયાની એક સિમેન્ટની બેગ આપીશ તેવું કહેતા ગીરલ કાપડિયાને શંકા ગઈ હતી અને બેન્કમાં જઈ તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે બિલ્ડર ગીરલ કાપડિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદમાં નોંધાવી છે. સાયબર પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top