Charchapatra

વરસાદનાં વધામણાં

હિન્દુ  જેઠ મહિનાના પ્રારંભ સાથે ચોમાસાની શરૂઆત થાય.પહેલો વરસાદ પડે એટલે માટીની સુગંધ પ્રસરે,વાતાવરણમાં ઠંડક થાય.ખેડૂતો વાવણીની તૈયારી કરે.રેઇનકોટ છત્રીની દુકાને ઘરાકી ચાલુ થાય.ભજીયાની લારી પર મેળો જામે.સરસિયા ખાજાની ખરી સીઝન શરૂ થાય.અસ્સલ સુરતીઓના ઘરે કેરીગાળા ચાલુ થાય.સુરત મહાનગરપાલિકાની કામગીરી પણ વધી જાય અને રસ્તાના ખાડાઓના કારણે શાસકો અને અધિકારીઓ ઉપર માછલાં ધોવાય.બહુ વરસાદ પડે એટલે શાકભાજીના ભાવ આસમાને જાય.જો કોઈક વાર અતિભારે વરસાદ પડે તો ઠેરઠેર પાણીનો ભરાવો થાય,ઘરબેઠા તાપી માતાનાં દર્શન થાય.પહેલાં સુરત નાનું હતું ત્યારે આખા સુરતમાં વરસાદ પડતો હતો.

જ્યારે આજે સુરતનો વિકાસ થયો એટલે શહેરનું ઝોન પ્રમાણે વિભાજન થયું.આજે વરસાદ પડે છે ત્યારે આખા સુરતમાં એક સરખો વરસાદ પડતો નથી,જો વરાછા,કતારગામ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડે તો અન્ય ઝોનમાં નજીવો વરસાદ પડે છે.કોઈક વાર રાંદેર અઠવા ઝોનમાં ભારે વરસાદ હોય છે.ઘણી વાર ફક્ત કોટ વિસ્તારમાં જ ધોધમાર મેઘાની  મહેર હોય છે.પર્યાવરણના પરિવર્તનના કારણે આજે વરસાદ એક સરખો પડતો નથી.જે હોય તે.  પણ વરસાદી વાતાવરણના આનંદની લાગણી પ્રકટ થાય.તહેવારોની મોસમ પણ શરૂ થાય એટલે ચોમાસું ક્યાં પતી જાય તેની ખબર પણ પડે નહીં.
સુરત     – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top