Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાતમાં: રાજકોટના જામકંડોરણા, ભરૂચ, ગોધરા, વડોદરામાં સભા સંબોધશે

ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી (Election) માટે ભાજપ (BJP) દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન યોજનાર છે, ત્યારે ભાજપના ટોચના નેતાઓ હવે ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. જેમાં આવતીકાલ તારીખ 27મી એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ચાર લોકસભા વિસ્તારોમાં ચૂંટણી સભાઓને સંબોધશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે બપોરે 12- 00 વાગે તેઓ રાજકોટના જામકંડોરણા ખાતે જન સભાને સંબોધશે, ત્યારબાદ તેઓ ભરૂચ લોકસભા મતવિસ્તારમાં ખડોલી ગામ ખાતે બપોરે 2-00 વાગે જનસભાને સંબોધશે. ભરૂચ ખાતેની જનસભા પૂર્ણ કરીને અમિત શાહ બપોરે 4-30 વાગે પંચમહાલના ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે, જ્યારે સાંજે છ વાગે વડોદરા રાવપુરામાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ચૂંટણી સભા સંબોધશે. આમ એક દિવસમાં ચાર લોકસભા બેઠકો માટે તેઓ ચૂંટણી પ્રચાર કરશે.

ક્ષત્રિયોનો વિરોધ ઉગ્ર બનતાં ભાજપના આગેવાનોને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે જનસભા સંબોધવી પડે છે
ગાંધીનગર: રૂપાલાનો વિરોધ હવે ભાજપનો વિરોધ બની રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ, આગેવાનોને જનસભા સંબોધવા માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની જરૂર પડી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજના યુવકો ભાજપની જનસભામાં વિરોધ પ્રદર્શન કરતા હોય છે. જેને કારણે ભાજપના આગેવાનોને જનસભા કરવા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી પડે છે. બીજી તરફ પરસોત્તમ રૂપાલા માટે પણ આ વિરોધ મુશ્કેલ બની ગયો છે. જેથી રૂપાલાની જનસભામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે. આ ઉપરાંત રૂપાલાના વાહનના કાફલાને પણ પોલીસ સુરક્ષા વચ્ચે સભાસ્થળ સુધી લઈ જવામાં આવી રહ્યો છે.

જે રીતે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને તેમાં પણ ખાસ કરીને રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગઈકાલે મોરબી ખાતેની જનસભાને સંબોધન કરવા જઈ રહેલા રૂપાલાની કારને પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત આપવો પડ્યો હતો. રૂપાલાના વિરોધને કારણે હવે ભાજપના અન્ય નેતાઓનો પણ વિરોધ થઈ રહ્યો છે, તેથી ભાજપની તમામ જનસભાઓમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Most Popular

To Top