Gujarat

વીજળીના કડાકાભડાકા સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતાં લોકો..

અમદાવાદ: ભાદરવા મહિનાના પ્રારંભથી જ ગુજરાતના (Gujarat) આકાશમાં કાળાડિંબાગ વાદળો ઘેરાવા માંડ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) તો આજે સવારથી જ વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ પડવાના લીધે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, કાંકરીયા, ખોખરા સહિતના વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ શહેરમાં બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં 1 કલાકમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં વિરાટનગર, રામોલ, વસ્ત્રાલ વિસ્તારમાં પોણા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓઢવ, ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા પાલડી, આશ્રમ રોડ, વાસણા, વેજલપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, ગોતા, મક્તમપુરા, જુહાપુરા, દૂધેશ્વર, શાહપુર, જમાલપુર, મણીનગર, દરિયાપુર, વટવા સહિતના વિસ્તારમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને લીધે વાસણા બેરેજના 4 ગેટ ખુલ્લા કરાયા છે, જેમાં 2 ગેટ 2 ફૂટ અને બીજા 2 ગેટ 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. પંદર દિવસના વિરામ બાદ એકાએક વરસાદ વરસતા લોકોએ પ્રારંભે ગરમીમાંથી રાહતનો અનુભવ કર્યો હતો, પરંતુ બાદમાં ધોધમાર વરસાદના લીધે જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. પાણી ભરાઈ જવાના લીધે વાહનચાલકો અટવાયા હતા.

રાજ્યના 34 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 34 જેટલાં તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. વાપીમાં 3 ઈંચ, વલસાડ અને કપરાડામાં અઢી-અઢી ઈંચ, પારડીમાં 2 ઈંચ, વડોદરામાં પોણો ઈંચ, લખપતમાં 1 ઈંચ, વાલોડમાં 1 ઈંચ અને બારડોલીમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં સીઝનનો 101.07% વરસાદ નોંધાયો છે
ચાલુ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે. રાજ્યમાં સિઝનનો 101.70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 859.19 મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. આટલો વરસાદ થયો હોવા છતાં 15 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ પડ્યો છે.

Most Popular

To Top