National

મૂશળધાર વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો: કણાર્વતી સહિત 40 ટ્રેનોને અસર

સુરત : મૂશળધાર વરસાદ(Rain)ને કારણે વેસ્ટર્ન રેલવે (Railway)માં રેલવે વ્યવહારને ગંભીર અસર થવા પામી છે. ભારે વરસાદને કારણે ઓગસ્ટ ક્રાંતિ (August kranti) અને કણાર્વતી (Karnavati) જેવી ટ્રેનો બે કલાક સુધી મોડી (Delay) પડી હતી. આ ઉપરાંત અન્ય ટ્રેનો અડધા કલાકથી એક કલાક સુધી વિલંબીત ચાલી હોવાની વિગત જાણવા મળી છે.

રવિવારના રોજ પડેલા આ ભારે વરસાદને કારણે 09578 જામનગર-તિરૂવનવેલીને વલસાડમાં અટકાવવી પડી હતી. આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસને પણ વલસાડમાં રોકવી પડી છે. જ્યારે 02954 મુંબઇ એકસ્પ્રેસને અતુલ ખાતે રોકવી પડી હતી. રાત્રિના સાડા સાત વાગ્યાના સુમારે આ ટ્રેન રોકવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર બાંદ્રા, રાણકપુર એકસ્પ્રેસ તે દહાણુ પર રોકવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. એકવીસ ટ્રેનોને અપ લાઇન પર દહાણુ રોડ, વલસાડ, ઘોલવડ, ઉમરગામ, બોઇસર, અંધેરી બોરીવલી ખાતે રોકવામાં આવી હતી. સુરત રેલવે એઆરઓ દિનેશ વર્માએ જણાવ્યું કે તેઓ સ્ટેશન પર મોટા ભાગની ટ્રેનો અડધા કલાકથી દોઢ કલાક મોડી ચાલી રહી છે તેઓ પેસેન્જરને સતત આ મામલે એનાઉન્સ કરીને વાકેફ કર્યા છે.

મુંબઇની વાત કરવામાં આવે તો મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓ પર પૂરનો નજારો જોવા મળી રહ્યો છે, જ્યારે મુંબઈની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેન (Local train) સેવા સ્થિર થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં પાણી ઘુસી ગયું છે. અને તેની આસપાસના વિસ્તારોમાં રાતોરાત વરસાદી પાણી ભરાયા હતા. ગાંધી માર્કેટ વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા હતા, જેનાથી વાહનોની અવરજવર પર અસર પડી હતી. તે જ સમયે, મુંબઇમાં ઝિઓન રેલ્વે સ્ટેશનનો રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે. ઝીન વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર કમરનું પાણી આવી ગયું છે. વરસાદને કારણે આવનાર સમયમાં પણ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમ અને મંગળવારે પણ મુંબઈમાં વરસાદ ચાલુ રહેશે. 

રસ્તાઓ અને શેરીઓથી રેલ્વે પાટા સુધી, ત્યાં પાણીનો ભરાવો અને ઘૂંટણની ઉપર પાણી છે. મુશળધાર વરસાદને કારણે મુંબઇના હનુમાન નગરથી કાંદિવલી વિસ્તાર સુધી પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. સવારે પાણી ભરાવાના કારણે મુંબઇના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવિરત ભારે વરસાદને કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં રસ્તાઓ છલકાતા હોવાથી દૈનિક ધોરણે મુસાફરોની અવરજવરને પણ અસર થઈ હતી.

Most Popular

To Top