Business

પાર નદીના કિનારે વસેલું અને વિશ્વંભરીધામ રૂપે જગવિખ્યાત બનેલું વલસાડ તાલુકાનું ગામ રાબડા

લસાડ જિલ્લો એટલે કુદરતી સૌંદર્યનો અતૂટ ભંડાર. પશ્ચિમે ઘૂઘવતો અરબ સાગર અને પૂર્વે રખોપું કરતી સહ્યાદ્રીની ગિરિમાળા વચ્ચે આવેલા આ પ્રદેશને હરિયાળું રાખતી અને બારેમાસ ખળખળ વહેતી લોકમાતા નદી ઔરંગા, પાર, દમણગંગા અને માન આવેલી છે. વલસાડથી માત્ર આઠ કિલોમીટર દૂર અને પાર નદીના કિનારે વસેલું રાબડા ગામ એ ખેતીવાડી પર નિર્ભર છે. ગામમાં વસતા લોકો મુખ્યત્વે ખેતી અને નાના-મોટા કામમાં પરોવાયેલા છે. છેલ્લાં 5 વર્ષથી વિશ્વંભરીધામ તરીકે જગપ્રસિદ્ધ બનેલા આ રાબડા ગામે અલૌકિક શક્તિનો સંચાર થતાં ભક્તો દેશ-વિદેશથી મોટી સંખ્યામાં મા વિશ્વંભરીના દર્શનાર્થે ઊમટી રહ્યા છે. આ ગામમાં સરકારી યોજના હેઠળના તમામ પ્રજાલક્ષી કામો સતત થયાં કરે છે. ગામના નિષ્ઠાવાન અને દરેક સમસ્યાના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહેતા યુવા સરપંચ અને તેમની ટીમની કાર્યશૈલીને લઈ રાબડા ગામ જિલ્લામાં અગ્રેસર રહ્યું છે. ગામની વિસ્તૃત માહિતી જોઈએ તો રાબડા ગામ એ 570.89.72 ચો.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલું છે. 2011ની વસતી ગણતરી મુજબ ગામની કુલ વસતી 1962 છે. જેમાં 999 પુરુષ અને 963 સ્ત્રી છે. રાબડા ગ્રામ પંચાયતના કુલ 8 વોર્ડ આવેલા છે. જેમાં વોર્ડ દીઠ ચુંટાયેલો એક સભ્ય પંચાયતમાં પ્રતિનિધિત્વ કરે છે.

ગામમાં 3 દૂધની ડેરી અને 2 પિયતની મંડળી કાર્યરત છે

ગામમાં વસતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા લોકો પોતાના ગામમાં જ દૂધ આપી શકે અને ઉચ્ચ ભાવ મેળવી શકે તે માટે 3 દૂધની ડેરી કાર્યરત છે. જેમાં સવાર-સાંજ લોકો મોટી સંખ્યામાં દૂધ ભરાવવા આવતા રહે છે. ઉપરાંત 2 પિયત મંડળી આવેલી છે, જેના દ્વારા ખેડૂતોને વ્યાજબી ભાવે ખેતીને લગતી વસ્તુઓ, ખાતર તેમજ રાસાયણિક દવાઓ પણ મળી શકે છે.

ગામમાં પાકા રસ્તા અને પીવાના પાણીની સુલભ વ્યવસ્થા

રાબડા ગામમાં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત અંજલાવ ફાટકથી રાબડા ગ્રામ પંચાયત ઓફિસ થઈ બ્રાહ્મણ ફળિયા સુધી જોડતો માર્ગ રૂ.70 લાખની ગ્રાન્ટ હેઠળ બનાવાયો છે. ઉપરાંત પ્રધાનમંત્રી માર્ગ યોજના અંતર્ગત રાબડા-નવેરાને જોડતો કણબીવાડ થઈને પસાર થતો માર્ગ રૂ.50 લાખની ગ્રાન્ટ હેઠળ બનાવાયો છે. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને નિ:સહાય લોકોને પાકા મકાન પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત ગામમાં પેવર બ્લોકના પાકા રસ્તાનું કામ અંદાજે 90 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. પીવાના પાણીની વાત કરીએ તો રાબડા ગામે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી 5 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી દ્વારા રાબડા ઉપરાંત આસપાસના 13થી વધુ ગામને રાબડા પાણી જૂથ યોજના હેઠળ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગામના તમામ લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે એ માટે સરપંચની સતત મથામણ અને તેમની ટીમની મહેનત બાદ સમગ્ર ગામમાં પાણીની લાઈનનું કામ ચાલી રહ્યું છે.

ગામમાં ચાર કોમના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે

રાબડા ગામમાં રહેતી કુલ વસતી 1962માં મુખ્યત્વે ચાર કોમના લોકો વર્ષોથી શાંતિ અને ભાઈચારાથી રહેતા આવ્યા છે. જેમાં સૌથી વધુ ધોડિયા પટેલ, કણબી પટેલ, નાયકા અને હળપતિનો સમાવેશ થાય છે. ગામમાં રહેતો શિક્ષિત વર્ગ નજીકમાં આવેલા વલસાડ-વાપી-ધરમપુર જેવા મોટા નગરોમાં ધંધા-રોજગાર કે નોકરી કરી પોતાની અને પરિવારની આજીવિકા કરી રહ્યો છે. ગામલોકો મુખ્યત્વે ખેતીવાડી પર જ નિર્ભર છે.

માં વિશ્વંભરીધામનું માત્ર 90 દિવસમાં જ અલૌકિક અને અકલ્પનીય નિર્માણ

લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્ચે ધરતી પર સ્વર્ગની અનુભૂતિ તેમજ અંધશ્રદ્ધાને છોડી શ્રદ્ધા સાથે પોતાના ઘર-પરિવારને જ મંદિર માનવાની પ્રેરણા આપતું સ્ત્રોત એટલે રાબડા ગામે આવેલું ‘માં વિશ્વંભરીધામ.’ શ્રધ્ધા સાથે સત્યનો સ્વીકાર કરાવવા જ્યાં ખુદ માતા વિશ્વંભરીનાં સાક્ષાત બેસણાં છે, તેવા આ ધામની અદભૂત રચના ખરેખર પૃથ્વી પર સ્વર્ગલોક સમાન અનુભવ કરાવે છે. ધામમાં આવેલા પાઠશાળા (મંદિર), ગોકુલધામ (કૃષ્ણલીલા), પંચવટી (રામકુટીર) અને વૈકુંઠધામ (ગૌશાળા) ખરેખર અલૌકિક છે. સ્વર્ગસમા ભવ્ય અને દિવ્યમાં વિશ્વભંરીધામનું સમગ્ર નિર્માણ કાર્ય માત્ર 90 (નેવું) દિવસના સમયગાળામાં સંભવિત બન્યું છે.

આટલા ટૂંકા સમયમાં અલૌકિક ધામની સંપૂર્ણ રચનાએ મનુષ્યની કલ્પના શક્તિની બહારની વાત છે. મા વિશ્વભંરીની પ્રેરક શક્તિ અને માર્ગદર્શન હોય તથા એને ઝીલનારા એમના કૃપાપાત્ર એવા મહાપાત્ર સ્વયં એને સાકાર કરવામાં સમર્પિત અને સક્રિય હોય ત્યારે ‘ અસંભવિત ’શબ્દ ક્ષિતીજની બહાર ફેંકાઈ જાય છે. તા.09-05-2016ના રોજ અખાત્રીજના શુભ અવસરે માં વિશ્વભંરીધામની પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. વિશ્વના ખૂણે ખૂણે વસતા મનુષ્ય સુધી માંનો સંદેશ વૈદિક વિચારધારા, ભક્તિ તથા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પહોંચે એ આ ધામનો એક મુખ્ય હેતુ છે. લોકો અંધશ્રદ્ધા છોડી શ્રદ્ધાવાન બને, ઘરને જ મંદિર બનાવે, ઘર પવિત્ર બનતા ઘરમાંની નકારાત્મક શક્તિઓ દૂર થાય, સકારાત્મક શક્તિઓનો સંચાર થાય, જીવનમાંથી આધિ-વ્યાધિ-ઉપાધિ અદૃશ્ય થતાં શરીર-મન-ચિત્ત-આત્માને સાચી શાંતિનો અનુભવ થાય તથા મનુષ્યને પોતાના ઘરમાં જ સ્વર્ગની અનુભૂતિ થાય એ ધામના મુખ્ય હેતુનો અભિન્ન હિસ્સો છે. વિશ્વભંરીધામના મુખ્ય ઉદ્રેશ જોઈએ તો તે પાંચ છે.

જેમાં માતા-પિતા, કુળદેવી, ગાયમાતા, વૈદિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો સમાવેશ થાય છે. મોક્ષ મેળવવા માટે કોના કોના બંધનમાંથી મુક્ત થવું પડે એ અંગે માં વિશ્વંભરીના કૃપાપાત્ર શિષ્ય મહાપાત્ર જણાવે છે કે, માતા-પિતા, કૂળદેવી, વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ગાયમાતા એ પાંચના ઋણમાંથી મુક્તિ મેળવે તો જ મનુષ્ય મોક્ષને પાત્ર બને. એટલે આ દરેક ઋણમાંથી મુક્તિ મેળવવાના પાંચ ઉદેશને ચરિતાર્થ કરી વૈશ્વિક ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરવા માં વિશ્વંભરીધામ કામ કરી રહ્યું છે. માં વિશ્વંભરી ધામની એકવાર મુલાકાત લેવી એ જીવનને ધન્ય બનાવી દેશે.

માં વિશ્વંભરીના આગમનથી ગામ બન્યું સુખી-સમૃદ્ધ

રાબડા ગામે જ્યારથી અખંડ બ્રહ્માંડના રચયિતા માં વિશ્વંભરીના પાવન પગલાં પડ્યાં છે, ત્યારથી ગ્રામજનોમાં નવો દોરી સંચાર થયો છે. ગામલોકો ભક્તિભાવ તરફ વધુ વળી રહ્યા છે. નાનાં બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધોમાં પણ અનેક ફેરફારો જોવા મળી રહ્યાં છે. નાનાં બાળકોમાં સારાં સંસ્કારોનું સિંચન પણ થઈ રહ્યું છે. યુવાનો માતા વિશ્વંભરીના સાંનિધ્યમાં આવતાં ખરાબ કૂટેવો અને વ્યસનોને છોડી રહ્યા છે. મહિલાઓ માતાના પરિસરમાં પોતાનાથી બનતી તમામ પ્રકારની સેવા ભક્તિભાવ સાથે કરી રહી છે. જ્યારે મોટેરાઓને સવાર-સાંજ માતા ના સુંદર મનોહર દર્શન અને નિત્ય સેવાપૂજા સાથે મહાઆરતીનો પણ લાભ મળી રહ્યો છે. ગામ લોકોના જણાવ્યા મુજબ વિશ્વંભરીધામની રચના બાદ ગામમાં અનેક પ્રકારની સુખ-સમૃદ્ધિ જોવા મળી રહી છે. લોકોના ધંધા-રોજગારમાં બઢોતરી આવી છે. સામાન્ય અને ગરીબવર્ગના લોકો પણ મહેનત અને પ્રામાણિકતાથી બે પૈસા કમાવા લાગ્યા છે.

આંગણવાડી અને સ્મશાનભૂમિનું આયોજન

માત્ર બે હજારથી પણ ઓછી વસતી ધરાવતા રાબડા ગામે નાનાં ભૂલકાં માટે આંગણવાડીની કોઈ જ વ્યવસ્થા ન હતી. ઉપરાંત ગામની સ્મશાનભૂમિમાં પણ કોઈપણ જાતની સુવિધા ન હતી. જર્જરિત અને આસપાસ જંગલ જેવી જગ્યાએ મૃતકોનાં અગ્નિસંકાર કરાતાં હતાં. યુવા સરપંચ અને તેમની ટીમના અથાક પ્રયત્નો થકી સરકારમાં વારંવાર રજૂઆત કર્યા બાદ ગામને આંગણવાડી અને સ્મશાનભૂમિ માટે રૂ.5-5 લાખની ગ્રાન્ટ તાજેતરમાં જ મંજૂર થઈ છે. જેનું કામ આગામી દિવસોમાં હાથ ધરાશે. વધુમાં યુવાનો માટે ખાસ ક્રિકેટ મેદાનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગ્રામ પંચાયત કાર્યાલય દ્વારા ઓનલાઈન કામગીરી

??

રાબડા ગ્રામ પંચાયતની ઓફિસના નવા મકાનમાં સરપંચ જશવંતભાઈ પટેલ અને તલાટીની બેઠક વ્યવસ્થા ઉપરાંત બાજુમાં પોસ્ટ ઓફિસ કાર્યાલય પણ કાર્યરત છે. જેનો લાભ ગ્રામજનોને મળી રહે છે. પંચાયતની ઓફિસમાં ગ્રામજનો માટે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં 7-12ના ઉતારા, આવકનો દાખલો, વિધવા સહાય અને ખેતીવાડી યોજના સહિતની તમામ યોજનાની કામગીરી ઓનલાઈન થાય છે. પંચાયત ઓફિસની બાજુમાં રાબડા સબ સેન્ટર દવાખાનું પણ આવેલું છે. જ્યાં ગામના લોકોની પ્રાથમિક સારવારનો લાભ લઈ રહ્યા છે.

ગામમાં 6 મંદિર છે

રાબડા ગામે રહેતા લોકો વિવિધ દેવ-દેવીને માનતા આવ્યા છે. દરેક લોકોને પોતાના આરાધ્ય દેવના દર્શન નિયમિત થાય એટલે ગામમાં 6 દેવ-દેવીનાં મંદિર આવેલાં છે. જેમાં જલારામ, સાઈબાબા, ગંગામાતા, શિવ પરિવાર સાથે હનુમાનજી, જોગણીમાતા અને છેલ્લાં 5 વર્ષથી દેશ-વિદેશમાં જગપ્રસિદ્ધ થયેલું અખંડ બ્રહ્માંડના રચયિતા મા વિશ્વંભરીમાતાનું અલૌકિક અને આધ્યાત્મિક યાત્રાધામ એ રાબડાની ઓળખસમાન બની ગયું છે. આ તમામ મંદિરમાં વર્ષ દરમિયાન આવતા ઉત્સવો ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવાતા રહે છે.

રાબડા ગામે શૈક્ષણિક સંસ્થાઓમાં બે સરકારી પ્રાથમિક શાળા જે જિલ્લા પંચાયત સંચાલિત છે. જેમાં ધો.1થી 8 સુધીના વર્ગ ચાલે છે. જ્યારે એક માધ્યમિક શાળા જે સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. જેમાં ધો.9 અને 10ના વર્ગ ચાલે છે. ગામનાં બાળકોને પ્રાથમિકથી માધ્યમિક સુધીનું શિક્ષણ ગામમાં જ મળી રહે છે. બાદમાં ઉચ્ચતર માધ્યમિક સહિતના વધુ અભ્યાસ માટે વલસાડ અને તેની આસપાસનાં મોટાં શહેરોમાં જવું પડે છે.

Most Popular

To Top