Charchapatra

ગૌરવવંતું ‘ગુજરાતમિત્ર’

અમારા અંગત મત પ્રમાણે અમે નવ અર્થાત્ 9ના અંકને શુકનવંતો ગણીએ છીએ. ‘ગુજરાતમિત્ર’ની સ્થાપના 1863ની સાલમાં થઇ હતી. 1863ના ચાર અંકો જેવા કે 1, 8, 6 તથા 3ના સરવાળાનો સરવાળો નવ અર્થાત 9 થાય છે એટલે શુકનવંતા નવના અંકે પ્રસ્થાપિત થયેલું ‘ગુજરાતમિત્ર’ સાચે જ શુકનવંતું અખબાર બની રહ્યું છે. 160 વર્ષની લાંબી મજલ કાપીને આજે ‘ગુજરાતમિત્ર’ સુરત તથા સમગ્ર દક્ષિણ ગુજરાતનું એક ગૌરવવંતુ અખબાર બની ચૂકયું છે.

જે પરિવારોમાં પાંચ પાંચ પેઢીઓથી ‘ગુજરાતમિત્ર’ નિરંતર વંચાય છે એવા વાચકોના અભિપ્રાયો ‘ગુજરાતમિત્ર’માં આવી રહ્યા છે, એના ઉપરથી પણ મિત્ર કેટલું લોકપ્રિય દૈનિક છે એની સૌને ખબર પડતી રહે છે. સત્યની પડખે નિરંતર ઊભું રહેનાર ‘ગુજરાતમિત્ર’ ખોટી બાબતો ઉપર પ્રહાર કરવામાં પણ એટલું જ આક્રમક રહેતું આવ્યું છે. ‘ગુજરાતમિત્ર’ની તટસ્થતા અને નિડરતા એના સ્થાયી ભાવો બની ચૂકયા છે. સરકારમાં કે સમાજમાં જયાં પણ કશુંક ખોટું થતું હોય ત્યારે ‘ગુજરાતમિત્ર’ કોઇની પણ સાડાબારી કે શેહશરમ રાખ્યા વગર, ચોખ્ખુંને ચટ લખી નાખનારું અખબાર કહેવાતું આવ્યું છે.

1966ના જૂન મહિનામાં હું સુરત ખાતે મારા ફોઇની દીકરી બહેનને ત્યાં ભણવા માટે આવેલો. મારા બનેવીની સ્ટેશન વિસ્તારમાં આવેલી હેરકટીંગ સલૂનમાં રોજ ‘ગુજરાતમિત્ર’ આવે. બનેવી રાત્રે ‘ગુજરાતમિત્ર’ ઘેર લાવે એટલે રાત્રે ‘ગુજરાતમિત્ર’નું વાચન થાય. જે આજની તારીખે પણ એ વાચન ચાલુ છે. કેટલીક વ્યકિતઓને જમ્યા પછી છાશ પીધા વગર સંતોષ થતો નથી એમ મને અને મારા જેવાં અગણિત વાચકોને ‘ગુજરાતમિત્ર’ના વાચન વગર સંતોષ થતો નથી. આજની ગળાકાપ હરીફાઇઓમાં પણ ‘ગુજરાતમિત્ર’ એના વાચકોના દિલમાં અપાર લાગણી અને પ્રેમ જન્માવીને એની મંઝિલ તરફ સફળતાની હરણફાળ ભરતું આગળ ધપી રહ્યું છે. આવા શુભ ટાણે ‘ગુજરાતમિત્ર’ને શુભેચ્છા પાઠવતાં અમે ધન્યતાની લાગણી પણ મહેસુસ કરીએ છીએ. જય જય ગરવી ‘ગુજરાતમિત્ર’.
સુરત               – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top