Business

સમસ્યા,એ સમસ્યા નથી

એક યુવાન એક બૌદ્ધ આશ્રમમાં ગયો અને ત્યાં અજબ શાંતિ હતી. તેણે બોધિસત્ત્વને પ્રણામ કરીને કહ્યું, ‘આપના આશ્રમમાં બહુ શાંતિ છે; આવી શાંતિ મેં કયાંય અનુભવી નથી.’બોધિસત્ત્વ બોલ્યા, ‘આભાર, પણ આવી શાંતિ તો તું જીવનના દરેક પગલે અનુભવી શકે છે.’ યુવાન બોલ્યો, ‘એ શક્ય જ નથી ભગવન્, કારણ કે મારું જીવન એટલી બધી તકલીફો અને સમસ્યાઓથી ઘેરાયેલું છે અને ચારે બાજુ એકબીજાથી આગળ વધવાની દોડ છે તેમાં શાંતિ ક્યાંથી અનુભવાય?’

બોધિસત્ત્વ બોલ્યા, ‘યુવાન બધાને સમસ્યા ..સમસ્યા અને તકલીફ ..તકલીફ બોલવાની ટેવ પડી ગઈ છે.મને કહે, સમસ્યા એટલે શું?’ યુવાન કંઈ સમજ્યો નહિ. તે બોલ્યો, ‘અરે ભગવન્, તમારે આશ્રમમાં રહેવું, જરા બહારની દુનિયામાં આવો તો સમસ્યા વિષે ખબર પડે.’ બોધિસત્ત્વ બોલ્યા, ‘યુવાન, કોઇ પણ વસ્તુ, કાર્ય, પરિસ્થિતિ આપણી ઈચ્છા વિરુદ્ધ થાય તેને આપણે સમસ્યા ગણી લઈએ છીએ.કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિને આપણે આપણા વર્તનથી સમસ્યા બનાવી દઈએ છીએ અને થોડા સજાગ રહીએ તો તેમ કરવાથી બચી શકીએ છીએ.’યુવાન બોલ્યો, ‘ભગવન્, કંઈ સમજાયું નહિ. કોઈ પોતે શું કામ સમસ્યા સર્જાય તેવું વર્તન કરે.’

બોધિસત્ત્વ બોલ્યા, ‘યુવાન , કોઈ સમસ્યા …મોટે ભાગે સમસ્યા નહિ પણ આપણને ન ગમતી પરિસ્થિતિ હોય છે અને એટલે આપણને ગુસ્સો આવે છે.આપણે તે બદલવાના અને આપણા મન મુજબ કરવાના પ્રયત્ન કરીએ છીએ અને જયારે તે બદલાવ ન આવે તો તકલીફ વધે છે અને એમ લાગે છે કે આ સમસ્યા તો બહુ અઘરી છે.બીજું આપણે સતત સમસ્યા, તકલીફ, મુશ્કેલીઓ વિષે વાતો કરી કરીને તેમને આપણા તરફ આકર્ષીએ છીએ એટલે આપણને એમ લાગે છે આપણે તો ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલા છીએ.ત્રીજું, આપણે ધારો કે કોઈ નાની મોટી તકલીફ જીવનમાં આવે તો તેના વિષે સતત અને એટલું બધું વિચારીએ છીએ, જાણે આપણા જીવનમાં તે સમસ્યા સિવાય બીજું કંઈ હોય જ નહિ અને એટલે આપણે સમસ્યાના ભંવરમાં ફસાયેલા છીએ તેવું અનુભવીએ છીએ.હકીકતમાં આપણે જ તે સમસ્યાને અને તેના વિષે વિચારવાનું છોડતાં નથી.’

બોધિસત્ત્વની સમજાવટ યુવાનને સાચી લાગી અને પોતાની ભૂલ સમજાઈ. તેણે પૂછ્યું, ‘ભગવન્, આપની વાત મને સમજાઈ ગઈ તો આમાંથી બહાર આવવા શું કરવું?’ બોધિસત્ત્વ બોલ્યા, ‘સાવ સહેલું છે ભાઈ, આવું વર્તન નહિ કરવાનું. દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો …ન બદલી શકાય તેવી સ્થિતિને જેમ હોય તેમ જ જવા દેવાની…સમસ્યા તો આવે ને જાય, તેને સતત પકડી નહિ રાખવાની.તો કોઈ સમસ્યા જ ન રહે.’બોધિસત્ત્વે યુવાનને સાચી સમજણ આપી.   
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top