Editorial

પ્રભાકરનનું ભૂત રહી રહીને ધૂણે છે!

એક સમયે જેણે ઉત્તરીય શ્રીલંકામાં હાહાકાર મચાવ્યો હતો અને શ્રીલંકન સરકાર અને લશ્કરના નાકે દમ લાવી દીધો હતો તે એલટીટીઇ સંગઠનનો વડો વેલુપિલ્લાઇ પ્રભાકરન હજી જીવતો હોવાનો દાવો થયો છે અને જણાવ્યું છે કે તે ટૂંક  સમયમાં જાહેરમાં દેખાશે. તે ૨૦૦૯માં શ્રીલંકન દળોના હાથે માર્યો ગયો હોવાનું માનવામાં આવે છે પરંતુ એક જાણીતા તમિલ નેતા દ્વારા હાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે હજી જીવે છે. નેદુમારન એક તમિલ રાષ્ટ્રવાદી નેતા ગણાય છે  અને તેઓ લેખક અને પત્રકાર પણ છે.

તેઓ એક તમિલ પત્રિકાનું સંપાદન પણ કરે છે. ૮૯ વર્ષની વયે પણ તેઓ સક્રિય છે અને તેમણે તમિલનાડુના થાંજાવુરમાં એક પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો છે કે પ્રભાકરન જીવે છે. તેમણે આ  દાવાની સાથે ભારતીય રાષ્ટ્રવાદનું પત્તુ ખેલવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે આ દાવા કરતી વખતે કહ્યું હતું કે જ્યાં સુધી એલટીટીઇ સક્રિય હતું ત્યાં સુધી તેણે શ્રીલંકામાં ભારત વિરોધી પરિબળોને ફૂલવા ફાલવા દીધા ન હતા. જો કે ચર્ચિત  હકીકતો કંઇક બીજું જ કહે છે. એલટીટીઇએ શ્રીલંકામાં ભારતીય શાંતિરક્ષક દળ સાથે ખૂંખાર લડાઇ કરી હતી અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં પણ તેનો હાથ હતો એમ કહેવાય છે.

લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ(એલટીટીઇ) સંગઠન કે જે લિટ્ટેના ટૂંકા નામે પણ ઓળખાય છે તેના આ માર્યા ગયેલા મનાતા આ ખૂંખાર નેતા અંગે તમિલ રાષ્ટ્રવાદી નેતા પાઝા નેદુમારન દ્વારા એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું છે  કે બદલાયેલી આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને રાજાપકસે શાસનના અંત સાથે અમારા નેતાને બહાર આવવા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઇ છે. એલટીટીઇના આ નેતા પ્રભાકરનની સ્થિતિ સારી હોવાનું ભારપૂર્વક જણાવતા નેદુમારને જણાવ્યું હતું કે  પ્રભાકરન અંગે આયોજનપૂર્વક ફેલાવવામાં આવેલા રહસ્યનો આ સાથે અંત આવશે. હું સમગ્ર વિશ્વની તમિલ પ્રજા સમક્ષ એ જાહેર કરતા આનંદ અનુભવું છું કે પ્રભાકરનની સ્થિતિ સારી છે અને આ તેમના વિશે આયોજનપૂર્વક ફેલાવવામાં  આવેલી અફવાઓનો અંત લાવશે. નેદુમારને જણાવ્યું હતું કે પ્રભાકરન ટૂંક સમયમાં જાહેરમાં આવશે અને તમિલો માટેના ઇલમના ઉદયની જાહેરાત કરશે. ઇલમ શબ્દ તમિલમાં વતન કે માતૃભૂમિના અર્થમાં વપરાય છે.

આ સાથે જ  શ્રીલંકામાં ફરીથી તમિલો માટેના અલગ પ્રદેશની લડત શરૂ થવાનો ભય પણ ઉભો થયો છે. અત્રે ઉલ્લેનનીય છે કે ૨૦૦૯માં શ્રીલંકન દળોએ એલટીટીઇને કચડી નાખ્યું તે સમયે પ્રભાકરન માર્યો ગયો હોવાના સમાચારો વહેતા થયા હતા.આ  પહેલા પણ એવા દાવા થયા છે કે પ્રભાકરન જીવે છે. કેટલાક જૂથો અને મીડિયાએ એવો દાવો કર્યો હતો કે યુદ્ધમાં પ્રભાકરન બચી ગયો છે અને ભાગી જવામાં સફળ રહ્યો છે. ૨૦૦૯માં એક તમિલ વેબસાઇટે પ્રભાકરણની એક તસવીર મૂકી  હતી જેમાં પ્રભાકરન પોતાના જ મૃત્યુના સમાચાર ટીવી પર જોઇ રહ્યો હોય તેવું દેખાતું હતું!

જો કે આ તસવીર ચકાસણી માટે ફ્રાન્સ મોકલવામાં આવી હતી અને ત્યાંથી રિપોર્ટ આવ્યો હતો કે તે તસવીર ફોટોશોપ્ડ હતી એટલે કે તરકીબ કરીને  બનાવવામાં આવી હતી. ૨૦૧૦માં એક એલટીટીઇ તરફી વેબસાઇટે દાવો કર્યો હતો કે પ્રભાકરનના મૃતદેહની જે તસવીર તેના મૃત્યુના સમાચાર સાથે બતાવવામાં આવી હતી તે તો માર્યા ગયેલા એક શ્રીલંકન સૈનિકની હતી જે પ્રભાકરન  જેવો જ દેખાતો હતો. તમિલ રાજકીય પક્ષ એમડીએમકેના નેતા વાઇકોએ પણ કેટલાક વર્ષ પહેલા દાવો કર્યો હતો કે પ્રભાકરન જીવે છે.

નેદુમારને હાલમાં કરેલા આ દાવાને શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે એક જોક ગણાવીને ફગાવી દીધો છે.  શ્રીલંકન સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા કર્નલ નલિન હેરાથે જણાવ્યું હતું કે એ બાબતને સમર્થન મળ્યું છે કે પ્રભાકરન ૧૯ મે, ૨૦૦૯ના રોજ માર્યો ગયો હતો. ડીએનએ પરીક્ષણ પરથી આ સાબિત થઇ ગયું છે એમ તેમણે જણાવ્યું હતું. ૧૯૮૦માં  પ્રભાકરન એક કેસ સંદર્ભમાં તમિલનાડુમાં પકડાયો હતો ત્યારે તમિલનાડુ પોલીસે તેની ફિંગર પ્રિન્ટ સહિતની માહિતી લઇ લીધી હતી અને આ માહિતી બાદમાં ભારત સરકારે શ્રીલંકન સરકારે પ્રભાકરનનું મોત સાબિત કરવા પુરી પાડી હતી.

પ્રભાકરન હોય કે અન્ય કોઇ લડત સાથે સંકળાયેલા કોઇ ગેરિલા કે લડાયક ક્રાંતિકારી નેતા હોય, આવી કોઇ લડાઇમાં કે સંઘર્ષના સંજોગોમાં માર્યા ગયા હોય તેમના વિશે તેમના બચી ગયા હોવા અંગે કે તેમના જીવતા હોવા અંગે દાવાઓ થતા રહે છે અને રહસ્ય ઘૂંટતા રહેવાના પ્રયાસો થતા રહે છે. આઝાદ હિંદ ફોજના સુભાષ ચંદ્ર બોઝનું અવસાન વિમાન અકસ્માતમાં થયું હોવાના અહેવાલો ખોટા હોવાની વાતો અને તેઓ દુનિયાના કોઇ ભાગમાં જીવતા હોવાની વાતો લાંબા સમય સુધી ચર્ચાતી રહી હતી. જો કે નેતાજી બોઝ અને પ્રભાકરનની સરખામણી કરી શકાય નહીં પરંતુ અહીં લડાયક નેતાઓના મૃત કે જીવંત હોવા અંગે ઘૂંટાતા રહેતા રહસ્ય અને અફવાઓની વાત છે. પ્રભાકરન જીવે છે અને ફરી જાહેરમાં આવશે અને તમિલ ઇલમની લડતને ફરી સક્રિય કરશે એવી વાતથી આર્થિક મુશ્કેલીગ્રસ્ત શ્રીલંકામાં થોડો ફફડાટ પણ ફેલાયો હશે તે પણ ચોક્કસ છે.

Most Popular

To Top