Comments

મા-બાપ બાળકોને પરીક્ષાના દબાણ તળે ધકેલે છે

બોર્ડની પરીક્ષાઓ નજીક આવતી જાય તેમ તેમ ધોરણ – ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ ઉપર દબાણ વધતું જાય છે. આજથી ૩૦-૩૫ વર્ષ પહેલાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ વેઠનાર મા-બાપને તાજેતરનાં ગણિત – વિજ્ઞાનમાં ઝાઝી સમજ પડતી નથી અને અંગ્રેજી માધ્યમનાં શિક્ષણથી તેઓ અળગાં રહ્યાં હોવાથી છેવટે પોતાનું બાળક સતત ભણ ભણ કરે તે પૂરતી જમાદારી કરતા રહે છે.

પરીક્ષાના દિવસોમાં ઘરમાં ટી. વી. બંધ રહે છે. વિદ્યાર્થીઓનો મોબાઈલ જાપ્તામાં રહે છે. ભાઈબંધ – દોસ્તાર સાથે માત્ર ભણવાની વાતો સિવાય અવર જવર બંધ કરી દેવામાં આવે છે. ઘરમાં ફરસાણ, આઈસ્ક્રીમ જેવું આનંદી ખાણું પણ તબિયતના નામે બૅન કરી દેવાનું જોવા મળે છે. બીજી તરફ અભ્યાસક્રમ પૂરો થઈ જતાં, દીકરા – દીકરીઓને શાળામાં તો જવાનું હોતું નથી, પણ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની પરસ્પરની સરખામણી, નબળાં વિદ્યાર્થીઓનું સતત અપમાન, બોર્ડના પેપરનો ભય, પ્રિલિમ અને એન્યુઅલમાં મળતા માર્કસના તફાવતો – જેવા ખોફ બાળકમાં ધરબી દેવામાં આવ્યો હોય છે.

પરીક્ષા આવતા સુધીમાં બાળકે કેવી રીતે વાંચવું, કઈ પેનથી લખવું, છેલ્લે દહીં સાથે ગોળ ખાવો કે ખાંડ, પરીક્ષાનાં પેપર મળતા કેટલા ઊંડા શ્વાસ લેવા સદ્દગુરુનું હાથ જોડી સ્મરણ કરવું. તેમ શું – શું કરવું ને શું નહીં, તે બોજરૂપે બાળકનાં માથે ખડકી દેવામાં આવે છે. પરિણામે પરીક્ષા હોલ સુધી પહોંચતા – પહોંચતા બાળક પોતાને હતાશા, નિરાશા અને નિષ્ફળતાનું પ્રતિક માની બેસે છે. દર વરસે જોવા મળે છે તેમ ૫૦%થી વધુ વિદ્યાર્થીઓ સારી આવડત છતાં પરીક્ષા કેન્દ્ર ઉપર સ્વસ્થ રહી શકતા નથી અને કેટલાક તો પોતાની જાતને મોતને હવાલે ધરી દે છે.

માનસશાસ્ત્રની દૃષ્ટિએ તો, ‘પરીક્ષાનાં ભયથી મૃત્યુ વ્હોરી લેતા વિદ્યાથીઓ તેના મા-બાપ અને શિક્ષકોની અપેક્ષાઓની જ વરવી બાજુ છે.’ પરીક્ષાનાં ભયથીમૃત્યુ પામતું ભવિષ્ય ચિંતાજનક છે અને આથી આવા સમયે ત્રણ કલાકમાં વરસ વરસની મહેનતને ઓકી નાખવાની રીત ઉપર આમ નાગરિકો પણ ક્રોધિત છે. થોડા દિવસ છાપાઓ, સામાયિકો દ્વારા બૌદ્ધિકો વેદના ઠાલવે છે અને ત્યાં તો ફરી બીજી પરીક્ષા આવી પહોંચે છે.

પ્રવર્તમાન શિક્ષણ મર્યાદાઓ અને વધતી જતી સામાજિક અપેક્ષાઓ વચ્ચે પીસાતા વિદ્યાર્થીઓને આખું વર્ષ શું હોવું જોઈએ તેનાં દૃશ્યો દેખાડવાના બદલે હવે વાલીઓ અને શિક્ષકોએ ઉપનિષદ કહે છે તેમ ધર્મ સાધનનાં માધ્યમ તરીકે બાળશરીરને જે – તે સ્થિતિમાં સ્વીકારવું જોઈએ. વાલીઓ સમજે કે જે પગ બાળકને શાળાએ લઈ જાય છે, જે હાથ અને આંખ વિદ્યાર્થીને શિક્ષણ પ્રક્રિયા સાથે જોડે છે, તે અંગો કઈ પરીક્ષા આપતા નથી. સવાલોનાં જવાબ તો મસ્તિષ્કથી થાય છે. પાંચ ઈન્દ્રિયોની જેમ મસ્તિષ્ક એક મર્યાદિત જૈવિક ઉપકરણ છે. આથીજ માનવ મસ્તિષ્ક પણ એક સિમિત દાયરામાં કાર્ય કરી શકે છે.

ન્યુરોસાયન્સની જૈવિક શોધ આધારે પ્રમાણિત થયું છે કે ગણિત મસ્તિષ્કનાં કોર્ટિજેસ ક્ષેત્રમાં આકાર પામે છે. તો ચિત્ર વિટ્રીજેસ ક્ષેત્રમાં જ વિસ્તરે છે. આજ પ્રમાણે ભાષા, રંગ, સ્વાદને પારખવાના અને વિસ્તારવાના ક્ષેત્રો અલગ – અલગ છે. માનવ મસ્તિષ્કની બીજી એક લાક્ષણિકતાએ છે કે વ્યકિત પોતે જાતે જે શીખે છે તે બાબત તેના દિલોદિમાગમાં મૃત્યુપર્યંત જળવાઈ રહે છે. પ્રાથમિક શાળામાં શીખેલ સાયકલ કે તરવાની કળા કદી ભૂલાતી નથી. પણ ધોરણ ૧૦માં ગુજરાતીનાં પ્રશ્નમાં જે કવિતાના આસ્વાદ માટે ૮ માંથી ૮ માર્ક મળ્યા હોય તે કવિતા જ આજે યાદ નથી રહી. નિશાળમાં કોઈએ શીખવેલું ટકાઉ નથી. આથી મસ્તિષ્કરૂપી કોમ્પ્યુટર તેની હાર્ડડિસ્કમાંથી ડિલિટ કરી નાખે છે.

બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો કૃષિનો આધાર જમીન અને વાતાવરણ છે. આથી જે જમીનમાં સફરજન થાય ત્યાં કાજુ થતાં નથી અને ડુંગળી સાવ જૂદું જ પર્યાવરણ માગે છે. આ જ દિશામાં આગળ વધતાં જેનિટિકલ એન્જિનિયરીંગના સંશોધનો પ્રતિપાદિત કરે છે કે પ્રત્યેક બાળક પોતાની માનાં મા-બાપ અને દાદા- દાદી તેમ ૭ વ્યકિત અને પિતાના પક્ષનાં ૭ વ્યકિત તેમ કુલ ૧૪નું પ્રતિનિધિત્વ કરતું હોય છે. યાદ રહે, બાળકોના રંગસૂત્ર ઘડનાર ૧૪ વ્યકિતમાંથી જે વિષય કે બાબત અગાઉ ૧૪માં ખીલી ન હોય તે ૧૫મી વ્યકિતમાં વિકસવાનું શકય જ નથી. તમામ શિક્ષકે અને મા-બાપે સમજવું પડે કે પ્રત્યેક બાળ એક જેનિટિકલ સેટઅપમાં જ વર્તી શકે છે.

શરીરનો રસાયણ ધર્મ ગીતા, કુરાન કે બાઈબલ નથી, આથી શિક્ષક અથવા મા-બાપ બાળકને જેમાં મજા આવે છે તે વિષયને મજબૂત કરવામાં મદદરૂપ થાય આ સાચું શિક્ષણ છે. વ્યકિતનો સહજ આનંદ તેના રંગસૂત્રોની ગોઠવણીનું પ્રમાણપત્ર બને છે. બાળકનાં ગર્ભથી લઈ તેની કિશોર અવસ્થા સુધી માતા – પિતા જ બાળકની શાળા બની રહે. સતત અવલોકનથી તેની નોંધ રાખીને પણ જાણી શકે કે પોતાનું બાળક કઈ દિશામાં વધુ ખીલે છે. શાળા અને શિક્ષકે પોતાનું ગાણું ગાવાનાં બદલે બાળકનાં, વાલીનાં અભિપ્રાયોને મોતીના માળા માફક પરોવી આપવાના હોય છે.

ઉપનિષદ કહે છે ‘આનંદો પરમો ધર્મ’ તેમ અંતે જીવતા જીવ માટે વૈયકિતક આનંદ સર્વસ્વ સર્વજ્ઞ અને સર્વશ્રેષ્ઠ છે. તેના ઉપર પરીક્ષા જેવી ક્ષુલ્લક બાબતોને આગળ કરી એક માનવ શરીરને છેક હતાશ, નિરાશ કે સમાપ્ત ન કરી શકાય. ધ્યાન રહે, પ્રકૃતિએ પ્રત્યેક દાણામાં જીવન ભર્યું છે. એ દાણો કયારેક પણ અનુકૂળ આબોહવા અને ભેજ મળતા કોળી ઊઠે છે. પરંતુ સામાજિક કે વ્યવસાયિક પ્રતિષ્ઠાની લ્હાયમાં બાળકરૂપી દાણાને શેકી નાખીશું તો તે પછી કોઈ વરસાદમાં ખીલી ઊઠશે નહીં. પ્રત્યેક વાચક કોઈને કોઈ સમયે કોઈને કોઈ પરીક્ષામાં નાપાસ થયો જ હશે. પરંતુ તમારા મા-બાપ અને શિક્ષકોએ તમને તોડી ન પાડ્યા, આથી તમે આજે સ્વસ્થ છો. બસ, આ જ વર્તન તમારી નવી પેઢી માટે અપનાવો. માનવ અસ્તિત્વ સ્વયં પરીક્ષા છે. જ્યાં શાળાકીય પરીક્ષા માત્ર એક અમથું પગથિયું છે. આથી તેને બિનજરૂરી મહત્ત્વ ન આપશો.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top