National

દેશના રાજકારણીઓને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો, હવે ઈડી નેતાઓની ધરપકડ કરી શકશે

નવી દિલ્હી (New Delhi) : સુપ્રીમ કોર્ટે (Supreme Court) પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) પર મોટો ચૂકાદો આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલા કેસના આરોપીઓને આંચકો આપતા સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટની વિવિધ જોગવાઈઓને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે 2018માં કાયદામાં કરાયેલા સુધારા યોગ્ય છે. આ સાથે સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તમામ સત્તાઓને યથાવત રાખી છે. મની લોન્ડરિંગ હેઠળ ED ની ધરપકડના અધિકારને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો. કોર્ટે કહ્યું કે ED ની ધરપકડની પ્રક્રિયા મનમાની નથી.  સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાને પગલે ઈડી દ્વારા કરાયેલા કેસમાં આરોપોનો સામનો કરી રહેલાં દેશના રાજકારણીઓની તકલીફો વધી છે. અત્યાર સુધી ધરપકડથી બચતા રાજકારણીઓને ઈડી હવે સરળતાથી જેલના સળિયા પાછળ ધકેલી શકશે.

સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં EDને ધરપકડ, દરોડા (Rai), સમન્સ (Summons), નિવેદન (Statement) સહિતની તમામ સત્તાઓને યથાવત રાખી છે. કોર્ટે કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ને FIR સાથે જોડી શકાય નહીં. ઈસીઆઈઆરની નકલ આરોપીને આપવી જરૂરી નથી. ધરપકડ દરમિયાન કારણો જાહેર કરવા માટે તે પૂરતું છે. કોર્ટે કહ્યું છે કે ED સમક્ષ આપવામાં આવેલ નિવેદન જ એકમાત્ર પુરાવા છે.

હકીકતમાં, પીએમએલએની કેટલીક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી 100 થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં EDની સત્તા, ધરપકડનો અધિકાર, સાક્ષીઓને બોલાવવાની રીત અને સંપત્તિ જપ્ત કરવાની અને જામીન પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. આ અરજીઓ કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમ, એનસીપી નેતા અનિલ દેશમુખ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી.

એજન્સી CrPC ને અનુસરવા માટે બંધાયેલી હોવી જોઈએ
અરજીઓમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પીએમએલએ એક્ટ હેઠળ ધરપકડ, જામીન, સંપત્તિ જપ્ત કરવાની સત્તા સીઆરપીસીના કાર્યક્ષેત્રની બહાર છે. આ કાયદાની ઘણી જોગવાઈઓ ગેરબંધારણીય છે, કારણ કે કોગ્નિઝેબલ ગુનાની તપાસ અને ટ્રાયલ માટેની પ્રક્રિયા અનુસરવામાં આવતી નથી. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે તપાસ એજન્સી તપાસ કરતી વખતે CrPCનું પાલન કરવા માટે બંધાયેલી હોવી જોઈએ. આ કેસમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી સહિત અનેક વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

17 વર્ષમાં માત્ર 23ને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે,
કેન્દ્ર સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે PMLA એક્ટ 17 વર્ષ પહેલા અમલમાં આવ્યો હતો. ત્યારથી આ કાયદા હેઠળ 5,422 કેસ નોંધાયા છે. જ્યારે માત્ર 23 લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. 31 માર્ચ સુધી EDએ એક લાખ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે અને 992 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

Most Popular

To Top