Columns

પંજાબનાં લોકો પ્રતિબંધિત ‘સતલુજ’ ફિલ્મ ગેરકાયદે ડાઉનલોડ કરીને જાહેરમાં જોઈ રહ્યાં છે

દિલજીત દોસાંઝની ફિલ્મ ‘પંજાબ ૯૫’ ત્રણ વર્ષ સુધી સેન્સર બોર્ડ પાસે અટવાઈ ગઈ હતી. સેન્સર બોર્ડે તેમાં ૧૨૭ કટનો આદેશ આપ્યો હતો. આના કારણે ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવી હતી, પરંતુ હવે તેને OTT પ્લેટફોર્મ પર નવા શીર્ષક ‘સતલુજ’ સાથે રિલીઝ કરવામાં આવી છે. તેમાં કોઈ કટ કરવામાં આવ્યા નથી. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, જેની રાહ પંજાબનાં કરોડો દર્શકો લાંબા સમયથી જોઈ રહ્યાં હતાં. આ ફિલ્મનું પ્રીમિયર ૨૦૨૩માં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ માનવાધિકાર કાર્યકર્તા જસવંતસિંહ ખાલરાની ભૂમિકા ભજવે છે, જેમણે ગુમ થયેલાં ૨૫,૦૦૦ શીખો માટે લડત આપી હતી અને યુવાનોને આતંકવાદી ગણાવતા નકલી એન્કાઉન્ટર સામે અવાજ ઉઠાવ્યો હતો. પોલીસે તેમનું અપહરણ કર્યું હતું અને નકલી એન્કાઉન્ટર કર્યું હતું.

દિલજીત દોસાંઝની મુખ્ય ભૂમિકામાં અભિનીત ‘સતલુજ’ ફિલ્મ ૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થઈ હતી, પરંતુ ૪૮ કલાક પછી તેને Zee5 પરથી દૂર કરવામાં આવી હતી. આ પછી, પંજાબનાં વિવિધ ગામડાંઓ અને શહેરોમાં લોકો આ ફિલ્મ જાતે ડાઉનલોડ કરી રહ્યાં છે અને મોટા LED સ્ક્રીન પર સ્ટ્રીમ કરી રહ્યાં છે. લોકો ગુરુદ્વારા અને ખુલ્લી જગ્યાઓમાં પણ સાથે મળીને ફિલ્મ જોઈ રહ્યાં છે.

ભાજપના પંજાબ એકમે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ મામલે પુનર્વિચાર કરવાની માંગણી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુરદાસપુર, સંગરુર, જલંધર, રૂપનગર (રોપર), ભટિંડા, ફિરોઝપુર, મોગા અને પટિયાલા સહિત અનેક જિલ્લાઓનાં વિવિધ ગામોમાં ‘સતલુજ’ ના સ્ક્રીનિંગના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર વિસ્તારમાંથી આવી જ એક સ્ક્રીનિંગની તસવીરો પણ વાયરલ થઈ હતી, જેને દિલજીતે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી.

૧૯૯૦ના દાયકામાં પંજાબમાં આતંકવાદ ચરમસીમાએ હતો. કેપીએસ ગિલ પંજાબના ડીજીપી હતા. ખાલિસ્તાની ચળવળ પણ વેગ પકડી રહી હતી. ૧૯૮૪માં ઓપરેશન બ્લુ સ્ટાર થયું અને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે પંજાબમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. લગભગ એક દાયકા સુધી પંજાબે એક લોહિયાળ સમય જોયો હતો, જેણે બધાને ડરાવી દીધાં હતાં.

તે સમય દરમિયાન પંજાબ પોલીસ પર પુરાવા વિના યુવાનોની હત્યા કરવાનો, તેમને આતંકવાદી ગણાવવાનો અને એન્કાઉન્ટરમાં ફાંસી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલરાએ એવો દાવો કરીને બધાને ચોંકાવી દીધા કે પોલીસે યુવાનોના નકલી એન્કાઉન્ટર કર્યાં હતાં. તેમણે પહેલાં અનેક સ્મશાનભૂમિની મુલાકાત લીધી અને તપાસ કરી, જેમાં જાણવા મળ્યું કે આશરે ૨૫,૦૦૦ શીખ યુવાનો ગુમ છે. આ ગુમ થવાની ઘટનાઓ ૧૯૮૪ થી ૧૯૯૪ ની વચ્ચે બની હતી. જસવંતસિંહ ખાલરાએ દાવો કર્યો હતો કે પોલીસે કાં તો લગભગ ૨,૦૦૦ શીખોને અગ્નિસંસ્કાર આપ્યા હતા, તેમને બિનવારસી જાહેર કર્યાં હતાં અથવા તેમના મૃતદેહોને નદીમાં ફેંકી દીધા હતા.

જસવંતસિંહ ખાલરા અમૃતસર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર હતા, પરંતુ તેઓ માનવ અધિકાર કાર્યકર્તા પણ હતા. જસવંતસિંહ ખાલરાના આખા પરિવારે ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડી હતી અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જસવંતના દાદા હરનામ સિંહ ખાલરાને ૧૦ વર્ષ સુધી નજરકેદ રાખ્યા બાદ અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી. જસવંતના પિતા કરતારસિંહ ભારત છોડો ચળવળના સભ્ય હતા. એક દિવસ જ્યારે તેમના મિત્ર અને સાથીદાર પ્યારા સિંહ ગુમ થઈ ગયા, ત્યારે જસવંતસિંહ તેમને શોધવા માટે સ્મશાનભૂમિ ગયા હતા.

ત્યાં જસવંતસિંહને ખબર પડી કે મોટી સંખ્યામાં મૃતદેહોને દાવા વગરના શબ તરીકે અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જસવંતસિંહે જે.એસ. ધિલ્લોન સાથે મળીને ૧૯૯૫માં એક પ્રેસ નોટ તૈયાર કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પોલીસ મૃતદેહોને સ્મશાનભૂમિમાં લઈ ગઈ હતી, જ્યાં તેમને બિનવારસી જાહેર કરીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રેસ નોટમાં તેમણે વર્ણન કર્યું હતું કે ખાલરા, કૈરોન, વલતોહા અને હરિકા જેવાં ગામડાંઓમાંથી અસંખ્ય બિનવારસી મૃતદેહો કેવી રીતે લાવવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ૧ જૂન, ૧૯૮૪ અને ૧૯૯૪ના અંત વચ્ચે ૨,૦૦૦ મૃતદેહોને બિનવારસી જાહેર કર્યા પછી તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. જસવંતસિંહની આ પ્રેસ નોટે ભારે હોબાળો મચાવ્યો હતો અને થોડા મહિનાઓ પછી જસવંતસિંહ ખાલરા જ ગાયબ થઈ ગયા હતા.

હકીકતમાં જસવંતસિંહ ખાલરાને પોલીસે ઉપાડી લીધા હતા. આ ઘટનાના પ્રત્યક્ષદર્શી રાજીવે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે ૬ સપ્ટેમ્બર, ૧૯૯૫ ના રોજ તેઓ જસવંતસિંહના ઘરે બેઠા હતા. જસવંતસિંહ બહાર પોતાની કાર ધોઈ રહ્યા હતા અને એક પત્રકારની રાહ જોઈ રહ્યા હતા. તેઓ બધા સ્મશાન જવાના હતા. પછી પંજાબ પોલીસના બે ડીએસપી અને ત્રણ ઇન્સ્પેક્ટર ત્રણ-ચાર માણસો સાથે પહોંચ્યા હતા અને જસવંતસિંહને ઉપાડી ગયા હતા. તે ઘટનાના દોઢ મહિના પછી પોલીસે જસવંતસિંહને ગોળી મારીને તેમની હત્યા કરી હતી અને તેમના શરીરને હરિકે કેનાલમાં ફેંકી દીધું હતું. તેઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી, જેમાં રાજીવ અને પંજાબના ભૂતપૂર્વ સ્પેશ્યલ પોલીસ ઓફિસર કુલદીપે જુબાની આપી હતી, જેમની હાજરીમાં જસવંતસિંહને ગોળી મારીને તેમના શરીરને ફેંકી દેવામાં આવ્યું હતું. કુલદીપે જણાવ્યું હતું કે જસવંતને મારતાં પહેલાં ક્રૂર રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. તપાસ બાદ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સ્વીકારવામાં આવ્યું હતું કે પોલીસે જસવંતસિંહ ખાલરનું અપહરણ કરીને તેમની હત્યા કરી હતી. આ કેસમાં ચાર પોલીસ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ગુરદાસપુરના મંછોપરા ગામમાં જાહેરમાં ફિલ્મ જોવા આવેલાં લોકોએ ફિલ્મ ‘સતલુજ’ પર લાદવામાં આવેલા પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા હતા અને પોતાના સ્તરે ફિલ્મના પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. ફિલ્મ જોવા આવેલા એક યુવકે કહ્યું કે ફિલ્મ બતાવવાનો અમારો હેતુ લોકોને જણાવવાનો છે કે કેવી રીતે પંજાબના નિર્દોષ યુવાનોની તેમનાં ઘરમાંથી અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી અને જસવંતસિંહ ખાલરા તેમના માટે કેવી રીતે લડ્યા હતા.

આ પહેલી વાર છે જ્યારે કોઈએ ફિલ્મ દ્વારા આ બતાવવાનો પ્રયાસ કર્યો છે, તેથી આવી ફિલ્મ લોકો સુધી પહોંચે તે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સરકાર ફિલ્મને રિલીઝ થવા દેતી નથી, તેથી અમે આ ફિલ્મ અમારા સ્તરે લોકોને બતાવી રહ્યા છીએ. ફિલ્મ જોયા પછી તે સમયગાળા દરમિયાન જે પરિવારોનાં સભ્યો ગુમ થયાં હતાં તેમની રાહ પૂરી થઈ ગઈ છે. અમને પંજાબના ઇતિહાસ અને ખાલરા સાહેબ વિશે ઘણી બધી બાબતો જાણવા મળી છે જે અમને પહેલાં ખબર નહોતી. અમે કંઈ ખોટું કરી રહ્યાં નથી. જો ફિલ્મ બની છે, તો અમને તે જોવાની મંજૂરી આપવી જોઈએ. અમે સરકારને અપીલ કરીએ છીએ.

મોગાના ગુરુદ્વારા સાહિબ ખાતે ફિલ્મના સ્ક્રીનિંગના આયોજક રાજવંતસિંહ માલ કહે છે કે આપણા દેશની સરકારે જસવંતસિંહ ખાલરા પર બનેલી ફિલ્મને રિલીઝ થવા દીધી ન હતી. અમને ઉત્સુકતા હતી કે અમને અમારા હીરોની ફિલ્મ કેમ જોવા દેવામાં આવી રહી નથી, જેઓ અમારા માટે લડ્યા હતા. જો ગેરકાયદેસર રીતે ફિલ્મ બતાવવા બદલ અમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો અમે તેના માટે તૈયાર છીએ. સૌથી મોટો ગુનો એ છે કે લોકોને માનવ અધિકારોની વાત કરતા વ્યક્તિની ફિલ્મ જોવાની મંજૂરી નથી. જો કે, ફિલ્મના દિગ્દર્શક હની ત્રેહને લોકોને અપીલ કરી છે જેઓ ગેરકાયદેસર રીતે ફિલ્મ ડાઉનલોડ કરીને બતાવે છે તેઓ આમ ન કરે. Zee5 એ દર્શકોને ‘સતલુજ’ ફિલ્મની ફરીથી રજૂઆતની રાહ જોવાની અપીલ કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top