World

“પાકિસ્તાનની ગિદ્દડભભકી! સિંધુના પાણી મુદ્દે ભારતને ખુલ્લેઆમ ધમકી”

“ભારતને પાકની ખુલ્લી ધમકી! ‘હાથ નાખશો તો હાથ કાપી નાખીશું'”

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાન તરફથી ફરી એકવાર ઉશ્કેરણીજનક નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે ભારતને ધમકી આપતા કહ્યું કે, “જે કોઈ અમારા પાણીના હિસ્સા પર હાથ નાખશે, તેના હાથ કાપી નાખીશું.” તેમના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે જળ વિવાદને લઈને રાજકીય તણાવ વધુ વધી ગયો છે.

ઇસ્લામાબાદમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન મુસાદિક મલિકે ભારત પર આરોપ લગાવ્યો કે ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પડોશી દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે પાકિસ્તાનમાં એક ટીપું પાણી પણ જવા દેવામાં નહીં આવે.તેના જવાબમાં મલિકે કડક ભાષામાં ચેતવણી આપી, પાકિસ્તાન પોતાના પાણીના અધિકારોની રક્ષા માટે દરેક શક્ય પગલું ભરશે. જો કે મુસાદિક મલિકે વધુમાં કહ્યું કે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને મળતા પાણીના હક સાથે કોઈપણ પ્રકારની ચેડાં સહન કરવામાં આવશે નહીં. તેમણે દાવો કર્યો, પાકિસ્તાનનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ મુદ્દો છે અને વિશ્વ સમુદાયે પણ આ બાબતને ગંભીરતાથી જોવી જોઈએ.

આ જ પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે પણ ભારતના વલણની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ આજે પણ કાયદેસર રીતે અમલમાં છે અને તેને કોઈ એક દેશ પોતાની મરજીથી સ્થગિત, રદ અથવા બદલાવી શકતો નથી. તેમનો દાવો હતો કે ભારતે સંધિને સ્થગિત કરવાનો જે નિર્ણય લીધો છે તેને કોઈ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકાર મળ્યો નથી.તરારે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અનેક વખત સ્પષ્ટ કહી ચૂક્યા છે કે પાણી પાકિસ્તાન માટે “લાઇફલાઇન” પણ છે અને “રેડ લાઇન” પણ છે. એટલે કે પાણીના હકો સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

પાકિસ્તાને જાહેરાત કરી છે કે ઇસ્લામાબાદમાં સિંધુ જળ સંધિ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાશે. તેમાં પાણી વ્યવસ્થાપન, આંતરરાષ્ટ્રીય કાયદા અને જળ સંધિઓના નિષ્ણાતો ઉપરાંત વિવિધ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. પાકિસ્તાનનું કહેવું છે કે આ સેમિનારમાં સંધિ હેઠળ તેના અધિકારો અને ભારતના પગલાંના કાનૂની પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.સિંધુ જળ સંધિ વર્ષ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થતામાં થઈ હતી. આ સંધિ હેઠળ રાવી, બિયાસ અને સતલુજ નદીઓના પાણી પર ભારતનો મુખ્ય અધિકાર છે, જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના મોટાભાગના પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરે છે. બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલતી આવી વ્યવસ્થાને વિશ્વની સૌથી સફળ જળ સંધિઓમાંની એક માનવામાં આવે છે.

ભારતે 2025માં પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું અને ત્યારબાદ સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદ સામે વિશ્વસનીય અને કાયમી પગલાં નહીં ભરે ત્યાં સુધી સંધિ અંગેનું તેનું વલણ બદલાશે નહીં. મહત્વ નું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી પાકિસ્તાનના અનેક નેતાઓ ભારત સામે સતત આક્રમક નિવેદનો આપી રહ્યા છે. જો કે અગાઉ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ પાણીના મુદ્દે ભારત સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી ચેતવણી આપી હતી. ભારતે તે નિવેદનને બિનજવાબદાર ગણાવીને પાકિસ્તાનને પોતાના આંતરિક પ્રશ્નો પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.

વિશ્લેષકોના મતે પાણીનો મુદ્દો હવે માત્ર કુદરતી સંસાધનનો પ્રશ્ન રહ્યો નથી, પરંતુ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક રાજકીય મુદ્દો બની ગયો છે. પાકિસ્તાન માટે કૃષિ, પીવાનું પાણી અને વીજ ઉત્પાદન મોટા પ્રમાણમાં સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. તેથી સંધિ સંબંધિત કોઈપણ ફેરફારને પાકિસ્તાન ગંભીરતાથી લઈ રહ્યું છે. બીજી તરફ ભારતનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દાઓને અવગણીને સંબંધો સામાન્ય રાખી શકાય નહીં.

હાલમાં બંને દેશોના નિવેદનોને કારણે રાજદ્વારી તણાવ વધુ ઘેરાયો છે. જોકે હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈ નવી સત્તાવાર વાટાઘાટોની જાહેરાત કરવામાં આવી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મુદ્દા પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે સિંધુ નદી પ્રણાલી કરોડો લોકોના જીવન અને ખેતી સાથે સીધી રીતે જોડાયેલી છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર પોતાના પાણીના હકોની રક્ષા કરવાની વાત કરી છે, જ્યારે ભારત પોતાના સુરક્ષા હિતો અને આતંકવાદ વિરોધી નીતિ પર અડગ હોવાનું જણાવી રહ્યું છે. આગામી દિવસોમાં બંને દેશોનું વલણ અને સંભવિત રાજદ્વારી પ્રયાસો આ જળ વિવાદની દિશા નક્કી કરશે.

Most Popular

To Top