અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ પાકિસ્તાનને આડકતરી ટકોર કરી; કહ્યું- સદભાવના અને મિત્રતાની ભાવનાથી થયેલી સંધિને પાકિસ્તાને દાયકાઓમાં ખોખલી બનાવી દીધી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty)ને લઈને ફરી એકવાર રાજદ્વારી ઘમાસાણ તેજ બન્યું છે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી પાકિસ્તાન વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ પાકિસ્તાનના વલણ પર કડક પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાનની દરેક આંતરિક નિષ્ફળતા માટે ભારતને જવાબદાર ઠેરવવાની આદત હવે ખૂબ જૂની થઈ ગઈ છે. ભારતના રાજદૂતે જણાવ્યું કે સિંધુ જળ સંધિ વર્ષ 1960માં બંને દેશો વચ્ચે સદભાવના, મિત્રતા અને સહકારની ભાવના સાથે કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને છેલ્લા અનેક દાયકાઓમાં આતંકવાદ, યુદ્ધ અને સતત દુશ્મનાવટ દ્વારા આ ભાવનાને જ નષ્ટ કરી નાખી છે.
પાકિસ્તાન ફરી આંતરરાષ્ટ્રીય મંચે
અહેવાલો મુજબ પાકિસ્તાને તાજેતરમાં સિંધુ જળ સંધિ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિવિધ મંચો પર ભારતના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતનું માનવું છે કે આતંકવાદને સતત પ્રોત્સાહન આપનાર દેશ સાથે જૂની પરિસ્થિતિ મુજબ સહકાર શક્ય નથી.
ભારતે સંધિ કેમ સ્થગિત કરી?
ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે “લોહી અને પાણી એક સાથે વહે નહીં.” ત્યારબાદ ભારતે પાકિસ્તાન સાથેના જળ સહકારની સમીક્ષા શરૂ કરી હતી.
રાજદૂત ક્વાત્રાનો પાકિસ્તાન પર સીધો પ્રહાર
વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ભારતે દાયકાઓ સુધી સંધિનું સંપૂર્ણ પાલન કર્યું, જ્યારે બીજી તરફ પાકિસ્તાને સતત શત્રુતા જાળવી રાખી. તેમણે યાદ અપાવ્યું કે 1965, 1971 અને 1999ના યુદ્ધો ઉપરાંત ભારતીય સંસદ પર હુમલો, મુંબઈ આતંકવાદી હુમલો, ઉરી, પઠાણકોટ, પુલવામા અને પહલગામ જેવા આતંકી હુમલાઓ છતાં ભારતે લાંબા સમય સુધી સંધિનું સન્માન કર્યું હતું.તેમણે જણાવ્યું કે ભારતે સદાય જવાબદાર દેશ તરીકે વર્તન કર્યું, પરંતુ પાકિસ્તાને વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવાના બદલે સરહદ પારના આતંકવાદને જ પ્રોત્સાહન આપ્યું.
પહેલા આતંકવાદનો અંત લાવો
ભારતના રાજદૂતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો પાકિસ્તાન ખરેખર ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો ઇચ્છે છે તો સૌથી પહેલા તેને પોતાના દેશમાં વર્ષોથી ઉભું કરાયેલા આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવું પડશે. આતંકવાદ ચાલુ રાખીને મિત્રતા અને સહકારની અપેક્ષા રાખવી શક્ય નથી.
વિકાસમાં પણ ઉભા કર્યા અવરોધ
ક્વાત્રાના જણાવ્યા અનુસાર સંધિ હેઠળ ભારતે શરૂ કરેલા અનેક જળ અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સમાં પાકિસ્તાને વારંવાર વાંધા ઉઠાવ્યા, તકનિકી પ્રક્રિયાઓમાં વિલંબ કરાવ્યો અને દરેક પ્રોજેક્ટમાં અવરોધ ઉભા કર્યા. ભારતે સમયાંતરે સંધિમાં આધુનિક તકનિકી જરૂરિયાતોને અનુરૂપ સુધારા સૂચવ્યા હતા, પરંતુ પાકિસ્તાને તે પ્રયાસોને પણ અટકાવ્યા હતા.
સિંધુ જળ સંધિ શું છે?
સિંધુ જળ સંધિ વર્ષ 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થતામાં થઈ હતી. આ સંધિ હેઠળ સિંધુ નદી તંત્રની છ મુખ્ય નદીઓનું વહેંચાણ કરવામાં આવ્યું હતું.પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલુજના પાણીનો મુખ્ય અધિકાર ભારતને મળ્યો.પશ્ચિમીય નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણીનો મુખ્ય ઉપયોગ પાકિસ્તાનને આપવામાં આવ્યો.આ વહેંચણી પ્રમાણે કુલ જળપ્રવાહના અંદાજે 20 ટકા પાણી ભારતને અને લગભગ 80 ટકા પાણી પાકિસ્તાનને મળતું રહ્યું છે.ભારતે પોતાના હિતો હોવા છતાં સંધિ જાળવી,ભારતનું કહેવું છે કે સંધિના કારણે જમ્મુ-કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં જળસંપત્તિનો સંપૂર્ણ ઉપયોગ શક્ય બન્યો નહોતો, છતાં ભારતે વર્ષો સુધી સંધિનું પાલન કર્યું. ભારતનું માનવું છે કે આ નિર્ણય સદભાવના અને સ્થિરતા જાળવવાના હેતુથી લેવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની પાણી સમસ્યા પર પણ ટકોર
વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે પાકિસ્તાનમાં પાણીની અછત માટે ભારતને જવાબદાર ઠેરવવાને બદલે પોતાની જળ વ્યવસ્થાપનની ખામીઓ સુધારવી જોઈએ. પાણીનો બગાડ, અયોગ્ય આયોજન અને સંચાલનની સમસ્યાઓ પાકિસ્તાન માટે મોટો પડકાર છે. તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ પરિષદો યોજવા કરતાં પાકિસ્તાને પોતાના પાણીના સંચાલન પર ધ્યાન આપવું જોઈએ.
રાજદ્વારી તણાવ યથાવત
ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિનો મુદ્દો હવે માત્ર પાણીના વહેંચાણનો નહીં પરંતુ સુરક્ષા, આતંકવાદ અને દ્વિપક્ષીય વિશ્વાસ સાથે જોડાયેલો બની ગયો છે. ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી સરહદ પારના આતંકવાદનો અંત નહીં આવે ત્યાં સુધી જૂના વિશ્વાસના આધારે સંબંધો સામાન્ય બનાવવું મુશ્કેલ રહેશે.ભારતના રાજદૂતના નિવેદન બાદ હવે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા તેજ બની છે. આગામી દિવસોમાં બંને દેશો આ મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.