Top News

More Posts

   The Latest

Most Popular

મહેન્દ્ર મેઘાણી ગયા. ગયા જુન મહિનામાં તેમણે સોમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો અને જાણે કે શતાયુ થઈને ઉંમરને જીતવાનું લક્ષ કેમ પ્રાપ્ત કરી લીધું હોય એમ લક્ષ પ્રાપ્ત કરીને તેઓ બાજુએ ખસી ગયા. મહેન્દ્રભાઈ આખી જિંદગી લક્ષ સાથે જીવ્યા અને જરા પણ અહીંતહીં વિચલિત થયા વિના સાતત્યપૂર્વક પોતાના માર્ગે ચાલતા રહ્યા. લક્ષ હતું; ગુજરાતને માણસાઈ કેળવવા માટેનું વૈચારિક ભાથું પૂરું પાડવાનું. સારું વાંચન લોકો સુધી પહોંચશે તો લોકો વિચારતા થશે, શંકા કરતા થશે, પ્રશ્ન પૂછતા થશે, સારાસાર વિવેક કરતા થશે અને આપોઆપ કેળવાશે. પ્રજા નામના છોડને ગ્રીનહાઉસમાં ઉછેરવાનો ન હોય કે તેનાં બોનસાય કરવાનાં ન હોય, તેને મુક્ત રીતે ઉછેરવા દેવો જોઈએ અને તેમાં આપણું કામ ખાતર-પાણી આપવા પૂરતું જ હોય. પ્રજાને વિચારથી વંચિત રાખીને વાડે પુરવાની તો કલ્પના જ અસહ્ય છે.

મહેન્દ્ર મેઘાણીએ આખી જિંદગી પ્રજાનું વૈચારિક પોષણ કરવાનું કર્યું. વિચારનો પ્રચાર નહોતો કર્યો, વિચારનો પ્રસાર કર્યો હતો. પ્રચાર અને પ્રસારમાં જમીન-આસમાનનું અંતર છે. દાદા ધર્માધિકારી કહેતા કે વિચાર માત્ર અપૌરુષેય હોય છે. એ ગમે તેનો હોય એક વાર વ્યક્ત થયો કે પછી એ સમાજનો થઈ ગયો. સમાજ તેની સામે પ્રતિવાદ કરે, તેને પ્રતિસાદ આપે, તેને હજુ વધુ વિકસાવે, કેટલાક લોકો તેનાથી ડરે, તેનાથી લોકોને ડરાવે, તેનાથી લોકોને દૂર ભગાડે તો કોઈ એવા પણ હોય જે લોકોને વિચાર સુધી પહોંચાડે. મહેન્દ્રભાઈએ આખી જિંદગી લોકોને નરવા વિચાર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. સાતત્યપૂર્વક વિચલિત થયા વિના.

હમણાં કહ્યું એમ મહેન્દ્રભાઈ દરેક કામ લક્ષ સાથે કરતા. જીવનમાં શું કરવું અને પ્રજાને શું આપવું એ તો ખરું જ પણ એ કામ કેવી રીતે કરવું એનાં પણ ટાર્ગેટ હોય. ગુજરાતી વ્યવસાયી પ્રકાશકો કોઈ પુસ્તકની હજાર પ્રત વેચતા હાંફી જાય ત્યાં મહેન્દ્રભાઈ એક પુસ્તકની ૭૫ હજારથી એક લાખ પ્રત વેચી બતાવે. એ જ ગુજરાત અને એ જ ગુજરાતી પ્રજા. પાછું વેચાણ કર્યા પછી ન કહેવામાં આવે કે આની મેં લાખ નકલ વેચી છે, પુસ્તક પ્રકાશિત પણ ન થયું હોય અને હજુ તો કામ હાથમાં લીધું હોય એ પહેલાં સંકલ્પ કરે અને સંકલ્પ જાહેર કરે કે આની એક લાખ નકલ છાપવાની છે અને લોકો સુધી પહોંચાડવાની છે. મને યાદ નથી કે તેમનો કોઈ સંકલ્પ પૂરો ન થયો હોય. ‘અડધી સદીની વાંચન યાત્રા જેવાં ગંભીર પુસ્તકની ૭૫ હજાર નકલ તેમણે વેચી બતાવી હતી.

હું ‘સમકાલીન’માં હતો ત્યારે મહેન્દ્રભાઈ ઘરેઘરે વાંચન કરવા જતા. લોકમિલાપના પુસ્તકમેળા પછીનો બીજો ઉપક્રમ અને ‘મિલાપ’ડાયજેસ્ટ પછીનો ત્રીજો ઉપક્રમ. જો હું ભૂલતો ન હોઉં તો ગુજરાતમાં પુસ્તકમેળા યોજીને પુસ્તકને વાચક સુધી લઈ જવાની શરૂઆત મહેન્દ્રભાઈએ કરી હતી. મહેન્દ્રભાઈ માત્ર તળ મુંબઈમાં પુસ્તકમેળો ન યોજે, મુંબઈના ઉપનગરોમાં પણ યોજે. માત્ર મુંબઈ અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં જ ન યોજે, નાનાં શહેરોમાં પણ યોજે. તો ૧૯૮૫-૧૯૮૯નાં વરસોમાં હું જ્યારે ‘એક અખબાર’માં હતો ત્યારે મહેન્દ્રભાઈ ઘરેઘરે વાંચન કરવા જતા. 

તેઓ શું વાંચવાના છે એ પહેલાં જણાવી દે અને પોતાના ઘરે બોલાવીને વાંચન માટે આમંત્રિત કરવા યજમાનોને ટહેલ નાખે. યજમાન વીસ-પચીસ સગાં-સ્નેહીઓને બોલાવે અને મહેન્દ્રભાઈ તેમની સમક્ષ પુસ્તક વાંચે. એ પછી ચર્ચા. મહેન્દ્રભાઈ આડકતરી રીતે કેમ વાંચવું એ પણ શીખાવડે. હ્રસ્વ-દીર્ધ, ઉ-ઊ, ઙ-ઞ, ઋ, સ-શ-ષ વચ્ચેનો ઉચ્ચારભેદ, કાનો, માત્રા, ઉલટી માત્રાવાળાં અંગ્રેજી ઉચ્ચારણો અને અવતરણચિહ્નોની સમજ આપે. સાત્વિક વાંચન, શુદ્ધ ઉચ્ચારણ અને જીવનપાથેય આપનારી ચર્ચા.

આમ મારા ‘અખબાર’ના દિવસો દરમ્યાન મહેન્દ્રભાઈ લાંબા સમય માટે મુંબઈમાં રોકાયા હતા ત્યારે મેં તેમના પેડર રોડ પરના કોઈ યજમાનના નિવાસસ્થાને એક ચર્ચા યોજી હતી. ચર્ચા માટે મેં મુંબઈના વ્યવસાયિક પ્રકાશકોને બોલાવ્યા હતા અને ચર્ચાનો વિષય હતો પુસ્તકોનું પ્રસારણ અને વેચાણ કેમ વધારવું. ચર્ચાનું સંચાલન યશવંત દોશીએ કર્યું હતું. એ ચર્ચામાં આર. આર. શેઠના માલિક ભગતભાઇ, નવભારત સાહિત્ય મંદિરના ધનજીભાઈ અને એન. એમ, ઠક્કરના માલિક હેમંત ઠક્કર હતા. મેં ચર્ચાની શરૂઆત કરતાં સવાલ કર્યો હતો કે મહેન્દ્રભાઈ કોઈ પુસ્તકની લાખ નકલ વેચી શકે તો વ્યવસાયિક પ્રકાશકો લાખ નકલ છોડો, દસ હજાર નકલ પણ ન વેચી શકે? માન્યું કે મહેન્દ્રભાઈ નફો રળવા માટે પુસ્તક નથી પ્રકાશિત કરતા પણ તેઓ તે મફતમાં પણ નથી વેચતા.

કોઈ પાસેથી દાન માગીને સસ્તા ભાવે પુસ્તકો બજારમાં નથી મુકતા. તેઓ તેમનું દરેક પ્રકારનું રોકાણ અને મહેનતનું રોકાણ પણ વાચકો પાસેથી વસૂલે છે. તેમનું મિશન મફતિયું મિશન નથી, સાત્વિક ભાથાનું પણ એકંદરે વ્યવસાયિક મિશન છે. ઉલટો મહેન્દ્રભાઈનો સાત્વિકતાનો આગ્રહ હોવાના કારણે વેચાણ ઓછું હોવું જોઈએ એની જગ્યાએ તેઓ વ્યવસાયિક પ્રકાશકો કરતાં ૮૦થી સો ગણું વધારે વેચાણ કરે છે. આનાં શું કારણો છે અને એનાં શું ઉપાય હોઈ શકે? મેં એવો પણ ખુલાસો કર્યો હતો કે અહીં થનારી ચર્ચા અક્ષરસઃ ‘અખબાર’માં છપાશે. 

એ ચર્ચા અક્ષરસઃ ‘અખબાર’માં છપાઈ હતી અને તેનો સાર એ હતો કે નફો રળવા માગનારા લોકો પણ મોટાં લક્ષ સાથે કામ કરતા નથી. તેમનો વાચક ઉપર ભરોસો નથી. વાચક સુધી પહોંચવાની કોઈ યંત્રણા વિકસાવવામાં આવતી નથી એટલે વાચક (અંતિમ ગ્રાહક) ક્યાં છે તેની તેમને જાણ નથી. ગુજરાતમાં અને મુંબઈમાં પુસ્તક વિક્રેતાઓને ઉગવા દેવામાં આવતા નથી એટલે શાળા-કોલેજો અને સાર્વજનિક ગ્રંથાલયોના ભરોસે ગુજરાતનો પ્રકાશન ઉદ્યોગ નભી રહ્યો છે અને તેમાં તેઓ ખુશ છે. આજે એ ચર્ચાને પાંત્રીસ વર્ષ થવા આવ્યા છે.

એ દરમિયાન મહેન્દ્રભાઈએ ‘અડધી સદીની વાંચનયાત્રા’ની ૭૫ હજાર નકલ વેચી બતાવી અને વ્યવસાયિક પ્રકાશકોનો પ્રિન્ટ ઓર્ડર પાંચસો નકલથી ૩૦૦ નકલ પર આવી ગયો. આ ફરક છે ધૂણી ધખાવીને બેઠેલા માણસોમાં અને ધંધો કરનારાઓમાં! નફાનું આકર્ષણ હોવા છતાં ખાનગી હાથ શિવધનુષ નથી ઊંચકી શકતા અને એક ફકીર ઊંચકી લે. હજુ એક ઉદાહરણ આપવું હોય તો સ્વામી અખંડાનંદનું આપી શકાય જેમણે સસ્તા સાહિત્ય મંડલની સ્થાપના કરી હતી અને ગુજરાતમાં ઘરેઘરે ચિત્તને પોષણ પૂરું પાડનારું તેમ જ દેશી ઓસડીયાં જેવું કામનું સાહિત્ય ઘરેઘરે પહોંચાડ્યું હતું.

ગુજરાતનું ઘડતર આવા ભેખધારીઓએ કર્યું છે. એ નાનાભાઈ ભટ્ટ હોય, ગીજુભાઈ બધેકા હોય, ત્રિભુવનદાસ પટેલ હોય, મગનભાઈ પટેલ (ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચર, આનંદ) હોય, સ્વામી અખંડાનંદ હોય, નગીનદાસ પારેખ હોય, બેચરદાસ પટેલ હોય (ભગવદ ગોમંડલ કોશકર્તા), રવિશંકર મહારાજ હોય, મહેન્દ્ર મેઘાણી હોય અને એવા બીજા અનેક. મને ઘણી વાર વિસ્મય થાય કે ગાંધીજી પોતે એક સાથે અનેક કામ કરતા, પણ તેમના અનુયાયીઓ આગળ-પાછળ જોયા વિના આખી જિંદગી એક જ કામમાં ખર્ચી નાખતા. આ બળ, આ ધ્યેયનિષ્ઠા, આ જિદ ક્યાંથી આવતાં હશે! કબીરે કહ્યું છે એમ એકો સાધે સબ સધે સબ સાધે સબ જાય એને આ લોકોએ આત્મસાત કર્યું હતું.

તેમની ચીવટ અને ચોકસાઈ એટલી કે આપણે આપણી નજરમાં વામણા લાગીએ. તેમની ચીવટનો એક પ્રસંગ મને યાદ આવે છે. એક વાર હું ‘પ્રસિદ્ધ સાપ્તાહિક ’નું એસાઈનમેન્ટ લઈને ભાવનગર ગયો હતો. મને ભાવનગર જીલ્લાના ગેઝેટિયેરની જરૂર હતી. એ દિવસ શનિવારનો હતો એટલે માહિતી ખાતાના અધિકારીઓ જીપ લઈને દીવ (દીવ શેને માટે એ તો સમજાઈ ગયું હશે) જવા અધીરા હતા એટલે અધિકારી સાહેબે મને કહ્યું કે પુસ્તકો ઉપર ક્યાંય બોક્સમાં પડ્યાં છે એટલે સોમવારે આવો, અત્યારે સમય નથી અમે ઉતાવળમાં છીએ. એ દરમ્યાન વળી પટ્ટાવાળાને યાદ આવ્યું કે મહેન્દ્રભાઈએ પાંચ પ્રત અહીંથી મંગાવી છે એટલે તેમની પાસે મળી જશે.

  હું લોકમિલાપની દુકાને ગયો તો ત્યાં મને એ પુસ્તક મળી ગયું. કિંમત અત્યારે યાદ નથી, પણ કિંમત કરતાં પચાસ રૂપિયા વધારે માગ્યા હતા, કારણ કે મહેન્દ્રભાઈએ પોતાના ખર્ચે તેનું ડબલ બાઈન્ડીંગ કરાવ્યું હતું. ગેઝેટિયેર પુસ્તકની માફક વાંચવા માટે નથીં હોતાં, પણ રેફરન્સ માટે કામમાં આવે છે અને રેફરન્સ માટેનાં પુસ્તકોનાં બાઈન્ડીંગ જલદી ન તૂટે એવાં મજબુત કરવામાં આવે છે. સરકારી કારકુનો આ જાણતા નથી. ગોપાલભાઈએ (તેમના પુત્ર) મારા ચહેરા ઉપર થાક જોયો અને પામી ગયા કે હું આગલી રાતથી જમ્યો નથી. તેમણે આગ્રહથી રોકી રાખ્યો અને જમાડ્યા પછી જ રજા આપી. મહેન્દ્રભાઈ ભાવનગરમાં જે વિસ્તારમાં રહેતા હતા એ દીવાદાંડી રોડ. મહેન્દ્રભાઈ ગુજરાતની દીવાદાંડી હતા.

To Top