National

દેશના સાધુ સંતો તૈયાર કરી રહ્યા છે એવું બંધારણ જેમાં ભારતના મુસ્લિમોને નહીં મળે મતાધિકાર!

વારાણસીઃ (Varanasi) દેશને હિન્દુ રાષ્ટ્ર (Hindu Nation) બનાવવા તરફ લઈ જવા માટે સાધુ સંતો (Monk Saints) મેદાનમાં આવ્યા છે. સાધુ સંતો દ્વારા એવો ડ્રાફ્ટ તૈયાર કરાઈ રહ્યો હોવાની માહિતી મળી છે જેમાં મુસ્લિમોને મતાધિકાર નહીં રહે. મળતી માહિતી મુજબ સંતો અને વિદ્વાનોનો એક વર્ગ હિન્દુ રાષ્ટ્રના રૂપમાં ભારતના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આયોજીત થયેલા માધ મેળા દરમિયાન ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ધર્મ સંસદમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. વારાણસી સ્થિત શંકરાચાર્ય પરિષદના અધ્યક્ષ સ્વામી આનંદ સ્વરૂપના જણાવ્યા મુજબ શામ્ભવી પીઠાધીશ્વરની અધ્યક્ષતામાં 30 લોકો દ્વારા બંધારણનો એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. માધ મેલા 2023 દરમિયાન આયોજીત થનાર ધર્મ સંસદમાં આ ડ્રાફ્ટને રજૂ કરવામાં આવશે. બંધારણના આ ડ્રાફ્ટ અનુસાર મુસ્લિમ અને ઈસાઈઓ મત આપવાનો અધિકાર છોડી એક સામાન્ય નાગરિકના તમામ અધિકારોનો ઉપયોગ કરી શકશે.

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંદર્ભમાં તૈયાર કરાઈ રહેલું આ બંધારણ 750 પેજનું હશે. જોકે તેનું સ્વરૂપ કેવું હશે તે બાબતે સંતો, વિદ્વાનો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવશે તેવી પણ માહિતી મળી છે. આ માટે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવશે.  વર્ષ 2023માં પ્રયાગરાજમાં યોજાનાર માધ મેળામાં આશરે 300 પેજનું બંધારણ સાર્વજનિક કરવામાં આવે તેવી શક્યતા છે.

300 પેજના પ્રાથમિક બંધારણમાંથી અત્યાર સુધી 32 પેજ તૈયાર કરી લેવામાં આવ્યા છે. મુખ્યત્વે હિંદુ રાષ્ટ્રને અનુલક્ષીને તૈયાર કરાઈ રહેલા આ બંધારણમાં કોને મતાધિકાર રહેશે તે અંગે પણ વિસ્તૃત ઉલ્લેખ હશે. આ ઉપરાંત શિક્ષણ, સુરક્ષા, કાયદો વ્યવસ્થા સહિત અન્ય વિષયો સાથે જોડાયેલા મુદ્દા પણ તેમાં સામેલ રહેશે. સંતો દ્વારા તૈયાર કરાઈ રહેલા આ હિન્દુ રાષ્ટ્ર બંધારણ અનુસાર દિલ્હીની જગ્યાએ વારાણસી દેશની રાજધાની હશે.

વારાણસી સ્થિત શંકરાચાર્ય પરિષદના અધ્યક્ષ સ્વામી આનંદ સ્વરૂપે કહ્યુ કે હિન્દુ રાષ્ટ્રના બંધારણના ડ્રાફ્ટ અનુસાર મુસ્લિમ અને ઈસાઈઓ મત આપવાનો અધિકાર છોડી એક સામાન્ય નાગરિકના તમામ અધિકારોનો આનંદ લઈ શકશે. સ્વરૂપે કહ્યું કે દેશમાં વ્યવસાય કરવા, રોજગાર મેળવવા, શિક્ષણ મેળવવા અને કોઈપણ સામાન્ય નાગરિક દ્વારા પ્રાપ્ત તમામ સુલવિધાઓનો લાભ ઉઠાવવાની તેઓને આઝાદી હશે. પરંતુ તેમને પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

Most Popular

To Top