World

માલદીવની સંસદ ચૂંટણીમાં મોઇઝ્ઝુની જંગી જીત, ભારત સાથે સંબંધો બગડશે?

નવી દિલ્હી: માલદીવમાં (Maldives) રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં (Parliamentary Elections) પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુના (Mohammed Muizu) નેતૃત્વમાં પીપલ્સ નેશનલ કોંગ્રેસે 60થી વધુ બેઠકો જીતીને (Win) જંગી બહુમતી હાંસલ કરી છે. ગઇકાલે 22 એપ્રિલના રોજ માલદીવના કુલ 93 મતવિસ્તારોમાં સાંસદોને ચૂંટવા માટે મતદાન થયું હતું. આ ચૂંટણી દેશના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે તેમની નીતિઓ પર ભારત અને ચીનની નજર આ ચૂંટણીઓ ઉપર હતી.

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો એક સમયે ખૂબ જ ગાઢ હતા. પરંતુ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ભારતમાં પણ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને માલદીવની નજર ભારતની ચૂંટણી પર ટકેલી છે ત્યારે ભારતની નજર પણ માલદીવની સંસદીય ચૂંટણી પર ટકેલી છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ગયા વર્ષે જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને જીત બાદ તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

સંસદમાં MDPની બહુમતી સમાપ્ત થાય છે
ગયા વર્ષે મોહમ્મદ મુઈઝ્ઝુ, મોહમ્મદ સોલિહને હરાવીને માલદીવના રાષ્ટ્રપતિ બન્યા હતા, પરંતુ માલદીવની સંસદમાં PNC પાસે બહુમતી નહોતી. સંસદમાં બહુમતીના અભાવને કારણે મુઈઝ્ઝુ માલદીવમાં મોટા ફેરફારો કરી શક્યા ન હતા. ચૂંટણી પહેલા મુઈઝ્ઝુએ દેશની જનતાને માલદીવની સંસદમાં બહુમતી મેળવવાની અપીલ કરી હતી.

મોહમ્મદ મુઇઝ્ઝુને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં મુઇઝ્ઝુ માલદીવમાં મોટા ફેરફારો કરવા માંગે છે, જે હવે તેના માટે સરળ બની ગયું છે. તેમજ હવે મોઇઝ્ઝુની જીત સાથે સંસદમાં MDPની બહુમતી સમાપ્ત થઈ ગઈ છે.

ભારત-માલદીવના સંબંધો પર વિપરીત અસર થશે
આ ચૂંટણીની સૌથી ખરાબ અસર માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો પર થવાની છે, કારણ કે મુઈઝ્ઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવના સંબંધો પહેલાથી જ ખરાબ થઈ રહ્યા છે. હવે સંસદ પર કબજો કર્યા બાદ ચીનને માલદીવમાં મોટી તકો મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીન માલદીવમાં મિલિટરી બેઝ બનાવવા માંગે છે. તાજેતરમાં માલદીવ અને ચીન વચ્ચે ઘણા ગુપ્ત કરારો થયા છે. ચીને માલદીવને મફત સૈન્ય સહાય આપવાની વાત કરી છે.

કેવી રીતે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી
ભારતીના પીએમ મોદી દ્વારા લક્ષદ્વીપના પ્રચાર બાદ સોશિયલ મીડિયા પર હંગામો થયો હતો જેના કારણે ભારત અને માલદીવના સંબંધોમાં કડવાશ આવી હતી. આ પછી મોઇજ્જુ દ્વારા હાઇડ્રોગ્રાફિક કરાર રદ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન તરફ જતા જહાજને ભારત દ્વારા મુંબઇ બંદર નજીક અટકાવવામાં આવ્યું હતું. મુઈઝ્ઝુ સપ્ટેમ્બર 2023માં ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવીને દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. આ પછી બંને દેશોના સંબંધો સતત બગડતા ગયા.

સવારે 8 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું
પ્રાપ્ત વિગતો મુજબ માલદીવમાં 20મી પીપલ્સ મજલિસ (સંસદ) માટે મતદાન સવારે 8:00 વાગ્યે શરૂ થયું હતું. જે સાંજે 5:30 વાગ્યા સુધીમાં પૂર્ણ થયું હતું. મતદાન સમાપ્ત થતાંની સાથે જ ચૂંટણી અધિકારીઓએ દેશભરમાં મતપેટીઓ સીલ કરી દીધી અને પછી મતગણતરી શરૂ થઈ.

ચૂંટણી પંચ (EC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંજે 5:00 વાગ્યા સુધી 2,07,693 લોકોએ મતદાન કર્યું હતું, જે મુજબ 72.96 ટકા મતદાન થયું હતું. જેમાં 1,04,826 પુરૂષો અને 1,02,867 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમજ કુલ 2,84,663 લોકોએ મતદાન કર્યુ હતું.

દેશની સંસદીય ચૂંટણી માટે છ પક્ષોના 368 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ છ પક્ષોમાં મુઈઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC), મુખ્ય વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને 130 અપક્ષોનો સમાવેશ થાય છે. જેમાં PNCએ 90 ઉમેદવારો, MDPએ 89, ડેમોક્રેટ્સે 39, જમહૂરી પાર્ટી (JP)એ 10, માલદીવ્સ ડેવલપમેન્ટ એલાયન્સ (MDA) અને Aadhalath Party (AP)એ ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

Most Popular

To Top