Top News

More Posts

   The Latest

Most Popular

દરેક વ્યક્તિને પોતાની ઈચ્છાઓ, આકાંક્ષા, જરૂરિયાત, અગત્ય, ધારણાઓ એટલે કે અપેક્ષાઓ હોય. અપેક્ષાઓની ઉપેક્ષા અઘરી બાબત ગણાય. અંતે માનવ હારી થાકીને બેસી પણ જાય. હવે ધો.10, 12ની પરીક્ષાઓનાં પરિણામ આવશે. દરેક મા-બાપ ઈચ્છે કે પોતાના બાળકનું પરિણામ સર્વોત્તમ જ આવે. ધારણા મુજબના ગુણ ટકાવારી ન આવે તો વાલી નિરાશા અનુભવે અને બાળકને પણ નિરાશાજનક વાતાવરણ મળે.

સારું પરિણામ આવે એટલે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટેની દોડધામ ચાલે.  અરે ભાઈ, બાળકની ઈચ્છા મુજબ, જેમાં તેને વધારે રસ હોય તે ક્ષેત્રમાં જવા તો દો. એકમાં એડમિશન ન મળે તો બીજામાં! પણ..બાળકની શું ઈચ્છા છે? તે જાણવું જોઈએ. બાળકને જેમાં રસ-રુચિ હશે તેમાં સફળતાની શકયતા વધે છે. માનવવ્યવહાર માટે એક સરસ અવતરણ છે તે મુજબ, “કોઈનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે.” જેવું વાવો તેવું લણો, જે આપો તે મળે, જેવું બોલો તેવું થાય અને આપ-લેનો વ્યવહાર બરાબરનો હોવો જરૂરી છે. અહીં વ્યવહારમાં શુદ્ધિ આવકાર્ય છે.

નિર્વ્યાજ પ્રેમ કરીએ તો પ્રેમ મળે.સ્વાર્થી બનો તો ભોગવવું પડે. આપણે ગુસ્સો કરીએ, દુર્વ્યવહાર કરીએ અને સામી વ્યક્તિ તરફથી સારી લાગણી અપેક્ષાઓ રાખો તે સરાસર ખોટું કહેવાય. મોટે ભાગે સૌ એવું વિચારે કે સામી વ્યક્તિ શુદ્ધ વ્યવહાર કરે, આગળ આવે, પ્રેમ કરે, માફી પણ માંગે એટલે કે ભૂલનો સ્વીકાર પણ સામી વ્યક્તિ જ કરે. આ બધા ખ્યાલ ખોટા છે .હું જ મોટો એ ખ્યાલ છોડી નમ્રભાવે વ્યવહાર કરીએ, સમય વર્તે સાવધાની જરૂરી છે. આપણી ભૂલનો સ્વીકાર કરવાનું શીખી લેવું હિતાવહ છે. કોઈકની ભૂલને માફ પણ કરવી જોઈએ. સૌને આદરમાન આપીએ તો મળે. ટૂંકમાં સંતાનોની અપેક્ષાઓનો ખ્યાલ રાખીએ અને વ્યવહારમાં શુદ્ધિ રાખીએ. ચાલો, બદલાવના શ્રીગણેશ આપણાથી જ કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top