Top News

More Posts

   The Latest

Most Popular

ન્યુઝીલેન્ડે (NewZealand) પાકિસ્તાનમાં (Pakistan) હોવા છતાં પોતાનો પ્રવાસ સુરક્ષાના કારણે રદ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમે પણ આવતા મહિનાથી યોજાનારા પ્રવાસને રદ કરી દેતા અપમાનની આગમાં સળગી રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા વરાયેલા (Pakistan Cricket Board) અધ્યક્ષ રમીઝ રાજા (Ramiz Raja) લવારે ચઢ્યા છે અને તેણે કહ્યું છે કે ન્યુઝીલેન્ડ પછી ઇંગ્લેન્ડે (England) પણ પાકિસ્તાનમાં રમવાનો નન્નો ભણ્યા પછી ભારતની જેમ જ આ ટીમો પણ અમારા માટે દૂશ્મન બની ગઇ છે. રમીઝે કહ્યું હતું કે લાગે છે કે પશ્ચિમી ગ્રુપ અમારી વિરૂદ્ધ એકજૂથ થયું છે અને અમારી ટીમનું મુખ્ય લક્ષ્ય હવે આ ત્રણ ટીમને હરાવવાનું રહેશે.

  • ક્રિકેટ જગતમાં અમને આ રીતે બ્લોક કરવામાં આવશે તો હવે પછી અમે પણ કોઇની શેહ શરમ નહીં રાખીએ
  • રમીઝ રાજાનો ઉશ્કેરાટ : અમારી વિરૂદ્ધ પશ્ચિમી ગ્રુપ એકજૂથ થયુ છે અને અમારૂ હવે પછીનું એકમાત્ર લક્ષ્ય આ ત્રણ ટીમને હરાવવાનું

એક વીડિયો મેસેજમાં રમીઝે કહ્યું હતું કે પહેલા અમારા નિશાન પર માત્ર એક ટીમ રહેતી હતી, અમારું પાડોશી ભારત, પણ હવે તેમાં ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ એ બે ટીમનો ઉમેરો થયો છે. પીસીબી ચીફે (PCB) કહ્યું હતું કે ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી હટી ગયું તેનાથી હું ઘણો નિરાશ થયો છું, જો કે તેની સંભાવના દેખાતી જ હતી, કારણકે પશ્ચિમી ગ્રુપ અમારી વિરૂદ્ધ એકજૂથ થયું છે અને તેઓ એકબીજાનું સમર્થન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ સોમવારે પોતાની પુરૂષ અને મહિલા ટીમના આવતા મહિને યોજાનારા પાકિસ્તાન પ્રવાસને રદ કર્યો હતો અને તેના પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનમાં હોવા છતાં રાવલપિંડીમાં પ્રથમ વન ડે શરૂ થવાના સમયે જ પ્રવાસ રદ કરી દીધો હતો. રમીઝે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ પોતાના ખેલાડીઓને સુરક્ષા સંબંધી કેવી ધમકી મળી છે તે અંગે કંઇ પણ જણાવ્યા વગર પ્રવાસ રદ કરીને ચાલ્યુ ગયું તેનાથી તમામ નારાજ થયા હતા. રમીઝે કહ્યું હતું કે ઇંગ્લેન્ડનો નિર્ણય અપેક્ષિત હતો, પણ તે અમારા માટે એક પાઠ જેવો છે. કારણકે જ્યારે આ ટીમો અમારા દેશના પ્રવાસે આવે છે ત્યારે અમે તેમના પર ઓળઘોળ થઇ જઇએ છીએ. તેણે કહ્યું હતું કે વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ સામે પણ હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

To Top