SURAT

DEO ભ્રષ્ટ છે, 10 દિવસમાં શિક્ષકોના પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન કરાશે

સુરત: ડીઈઓ દ્વારા ભ્રષ્ટ વહીવટ કરવામાં આવી રહ્યો છે અને શિક્ષકોના અનેક પડતર પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવ્યા નથી. જો 10 દિવસમાં આ પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે નહીં તો સુરત શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ડીઈઓ ઓફિસની સામે જ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આજે મળેલી સંકલન સમિતીની બેઠકમાં એકસૂરે આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરત શહેર-જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની સભા આજે અધ્યક્ષ ડો.શુકદેવસિંહ વાંસિયાની આગેવાનીમાં સુરત ખાતે મળી હતી. આજની સંકલન સમિતીની બેઠકમાં સંચાલક, આચાર્ય, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક, માધ્યમિક શિક્ષક તથા વહીવટી કર્મચારીઓના શહેર તથા જિલ્લાના તમામ સંઘોના પ્રમુખ- મંત્રીઓ હાજર રહ્યા હતા. તમામ સંઘના હોદ્દેદારોએ એક સૂરે ડી.ઈ.ઓ.ના બિનકાર્યક્ષમ તથા ભ્રષ્ટ વહીવટની આલોચના કરી પ્રશ્નોના ઉકેલ ના આવે તો ડી.ઈ.ઓ. ઓફિસ સામે ઉગ્ર આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સંકલન સમિતિમાં નીચે મુજબના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરવામાં આવી છે. ઉચ્ચતર પગાર ધોરણના અસંખ્ય કેસો પડતર છે.

જીપીએફની પાંચ વર્ષની એન્ટ્રી બાકી છે. જેથી નિવૃત કર્મચારીઓના જી.પી.એફ.ના ઉપાડ અટકી ગયા છે. આચાર્યના પગારના ફિક્સેશન બાકી છે. ફાજલ શિક્ષકોના કેમ્પ બાકી છે. શહેર જિલ્લાના અનેક શિક્ષકોને રિકોલ કરવાના બાકી છે તેમજ જ્યાં રિકોલના હુકમ નિકળ્યા છે. તેમાં વિષય કે સીનિયોરિટીને ધ્યાનમાં લેવામાં આવી નથી. અનેક શાળામાં સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી હોવા છતાં મનઘડત અર્થઘટન કરી બહાલી આપવામાં આવતી નથી.

ડીઈઓ ઓફિસના એક કર્મચારી દ્વારા ખુલ્લેઆમ નવનિયુક્ત શિક્ષકો પાસેથી નાણાં ઉઘરાવાઈ રહ્યા છે

ઓફિસના એક કર્મચારી દ્વારા નવનિયુકત શિક્ષકો પાસે તથા ઉચ્ચતર પગાર ધોરણ ચાલુ કરવા ખુલ્લેઆમ નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે તે બાબતની ફરિયાદ કર્યા બાદ પણ કોઈ પગલાં ના ભરાતા આ કર્મચારી દ્વારા બિનદાસ્ત ઉઘરાણું ચાલી રહ્યું છે. ભૂતકાળમાં એક વર્ગ-૨ ના અધિકારી સામે આવી ફરિયાદ આવતા તે સમયના ડી.ઈ.ઓ.એ તેની દૂરના જિલ્લામાં તાત્કાલિક બદલી કરાવી દીધી હતી. જ્યારે આ ડી.ઈ.ઓ. બદલી તો શું તેનું ટેબલ પણ બદલી શકયા નથી. સંકલન સમિતિના અધ્યક્ષ ડો.શુકદેવસિંહ વાંસિયા, પ્રમુખ અજીતસિંહ સુરમા તથા મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રણાએ જણાવ્યું છે કે, દસ દિવસમાં અમારા પ્રશ્નોનો ઉકેલ ના આવશે તો અમો ડી.ઈ.ઓ. ઓફિસ સામે ધરણાંથી આંદોલનની શરૂઆત કરી માસ સી.એલ.ના કાર્યક્રમ કરીશું.

Most Popular

To Top