SURAT

સુરતના આ વિસ્તારમાં અસલી હીરા બદલી અમેરિકન ડાયમંડ મુકીને 47.70 લાખની ઠગાઇ કરનાર વેપારી પકડાયો

સુરત: (Surat) પર્વત ગામ પાસે હીરાનો વેપાર (Diamond Traders) કરતા વેપારી પાસેથી રૂા. 47.70 લાખની કિંમતના ઓરીજનલ હીરા લઇને તેની જગ્યાએ અમેરિકન ડાયમંડ (American Diamond) મુકીને ઠગાઇ કરવાના કેસમાં એસઓજી પોલીસે (Police) એકને પકડી પાડ્યો હતો. અગાઉ આ કેસમાં મુખ્ય બે આરોપીના આગોતરા જામીન નામંજૂર થયા હતા અને તેઓ ભાગી છૂટ્યા હતા.

  • સાતથી આઠ વેપારીએ ભેગા થઇને પર્વત ગામના વેપારીને વાતોમાં ભોળવી ઠગાઇ કરી હતી, મોટા વરાછાનો એક વેપારી પકડાયો
  • અગાઉ આ કેસમાં મુખ્ય બે આરોપીના આગોતરા જામીન નામંજૂર થયા હતા અને તેઓ ભાગી છૂટ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ સને-2019માં પર્વત ગામ સ્કાય વ્યુ હાઇટ્સમાં રહેતા ભરતકુમાર ગજાજી રાવલ લાલદરવાજા પાસે મોઢવણેકની વાડી પાસે પી.આર.ડાયમંડના નામે વેપાર કરતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત વેપારી રાહુલ ચોક્સીની સાથે થઇ હતી. તેઓએ ભરતભાઇની મુલાકાત મહિધરપુરા ડબ્લ્યુડીસી બિલ્ડીંગમાં વેપાર કરતા વેપારી રમેશ સોની તેમજ અન્ય લોકોની સાથે કરાવી હતી. ભરતકુમાર રાવલને રાહુલ ચોક્સી તેમજ મુળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા વૈભવલક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા પ્રદિપક છગનભાઇ પટેલ (સતાણી)એ પોતાની ઓફિસ પર બોલાવ્યા હતા.

ભરત રાવલે રૂા. 47.70 લાખની કિંમતના હીરા આપ્યા હતા. રાહુલ ચોક્સી, પ્રદિપ પટેલ, ધર્મેશ વ્હારો, રમેશ સોની, રાહુલ કથેરીયા તેમજ ભરત દલાલ નામના વેપારીઓએ ભેગા થઇને ભરતભાઇ રાવલને વાતોમાં ગોળગોળ ફેરવ્યા હતા. તેમની પાસેની રૂા. 47.70 લાખના 214 કેરેટ હીરાની સામે અમેરિકન ડાયમંડ મુકીને ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ પકડથી બચવા માટે આરોપી રાહુલ કથેરીયા તેમજ રાહુલ ચોક્સીએ આગોતરા જામીન માંગ્યા હતા, પરંતુ જામીન અરજી નામંજૂર થતા બંને ભાગી છૂટ્યા હતા. દરમિયાન સુરત એઓજીને માહિતી મળી હતી કે, આ ઠગાઇના કેસમાં આરોપી પ્રદિપ પટેલ અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રી પાસેથી પસાર થવાનો છે. પોલીસે ત્યાં વોચ ગોઠવીને પ્રદિપ પટેલને પકડી પાડી વધુ પુછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top