Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : સુરતની (Surat) કિરણ હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર થયેલા 14 વર્ષના બાળકના બેને હાથ પુનેના એક ચાર્ટડ એકાઉન્ટન્ટના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. હાથ-પગ વગરના શરીરથી કંટાળી ગયેલા આ યુવકે ડોનેટ લાઇફ (Donate life) સંસ્થાનો આભાર માન્યો હતો અને સાથે તેણે કહ્યું કે, ચૌદ વર્ષના સ્વ. ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે, હું પણ તેમનો જ દીકરો છું.

ઓક્ટોબર મહિનામાં સુરતની કિરણ હોસ્પિટલમાં (Kiran Hospital) બ્રેઈનડેડ જાહેર કરાયેલા ૧૪ વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના નામના બાળકના બંને હાથોનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર દેશમાં સૌથી નાની ઉંમરના એટલે કે ૧૪ વર્ષના બાળકના હાથનું દાન કરવાની સૌપ્રથમ ઘટના હતી. કાકડિયા પરિવારે પોતાના વ્હાલસોયા દીકરાના બંને હાથ સહિત હૃદય, ફેફસાં, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

દાન કરાયેલા ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ (Hand Transplant) પુનાના રહેવાસી ૩૨ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. બે વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે આ વ્યક્તિના તેના બંને હાથ-પગ કપાઈ ગયા હતા. તે પુનાની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની, ૪ વર્ષનો પુત્ર અને ૨ વર્ષની પુત્રી છે. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં સુરતના અંગદાતા સ્વ.ધાર્મિક કાકડીયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે યુવાનમાં કરવામાં આવ્યું હતું તે યુવાન અને તેના પરિવાર સાથે મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તે યુવાનને જાણે સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી તેની લાગણી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા નિ:સહાય, લાચાર, મજબુર અને જીવન જીવવા માટે હતાશ થયેલો યુવાન આજે જીવન જીવવા માટે ઉત્સાહિત હતો.

નીલેશ માંડલેવાલાએ તેને ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના જીવન વિષે પૂછતા તે યુવાને જણાવ્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટ પહેલા લાચારી અને મજબુરીથી હું જીવન જીવી રહ્યો હતો અને મારા પરિવાર પર બોજરૂપ હોઉ એમ અનુભવતો હતો. જીવનમાં ખુબજ નિરાશા અને હતાશા હતી. બે વર્ષ પહેલા જયારે કરંટ લાગવાને કારણે મારા બંને હાથ-પગ કપાઈ ગયા હતા ત્યારે મારી દીકરી ૧૨ દિવસની હતી. હું મારી વ્હાલસોયી દીકરીને રમાડવા કે ખોળામાં લેવા માટે પણ અસમર્થ હતો.

To Top