Gujarat

ડાકોરમાં એર કનેક્ટીવીટી માટે હેલીપેડ બનાવવામાં આવશે

નડિયાદ: યાત્રાધામ ડાકોર ખાતે આવેલા કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં યાત્રાધામમાં એર કનેક્ટીવીટી ઉભી કરવા હેલીપેડ બનાવવાની જાહેરાત કરી હતી અને તેના માટે યોગ્ય જમીન શોધવા પણ જણાવી દેવામાં આવ્યું હતું. આ બેઠક દરમ્યાન મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પવિત્ર યાત્રાધામોના સ્થળે પવિત્રતા, સ્વચ્છતા, સલામતી અને સગવડતા જળવાય રહે તે ખુબ જ જરૂરી છે. મંદિર પરિસરમાં ભાગદોડ ન થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે, મહિલા-વૃધ્ધ અને બાળકોને અલગ અલગ પ્રવેશની વ્યવસ્થા, યાત્રાધામના સ્થળે જવા આવવાના રસ્તા પરથી દબાણો દુર કરવા, સ્વચ્છતા, શૌચાલયની ભાઇઓ-બહેનોની અલગ-અલગ સ્વચ્છ વ્યવસ્થા, પાર્કીંગની વ્યવસ્થા, બહારગામથી આવતા યાત્રિકો, શ્રદ્ધાળુઓ માટે એસ.ટીની સુવિધાઓ, સીસીટીવીની વ્યવસ્થા, યાત્રિકો માટે ઉતારાની વ્યવસ્થા.

વાઇફાઇની સુવિધાઓ, મંદિર પરિસરમાં અને મંદિર ટ્રસ્ટની મિલકતો ખાતે સુર્ય ઉર્જા (સોલાર એનર્જી)નો ઉપયોગ, એર કનેક્ટીવીટી મળી રહે તે હેતુસર એર સ્ટ્રીટ હેલીપેડની યોગ્ય જરૂરી સ્થળની પસંદગી અને વ્યવસ્થાઓ ઉભી કરવી તેમજ યાત્રાધામના સ્થળોએ આવેલ સર્કીટ હાઉસ તથા વિશ્રામ  ગૃહોની યોગ્ય માવજત પર ભાર મુકવા જણાવ્યું હતું.  આ પ્રસંગે ટીજીસીએલના મેનેજીંગ ડીરેક્ટર જૈનુ દેવન, કલેક્ટર કે.એલ.બચાણી, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અર્પિતાબેન પટેલ, નડીયાદ પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિ, ઠાસરા પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ડાકોર નગરપાલિકાના ચીફ ઓફીસર, મંદિરના મેનેજર સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top