Business

સુરતમાં 2 લાખ પરિવારોના રસોડા બંધ થઈ જવાનો ભય, મહિલાઓ કલેક્ટર કચેરીએ ધસી ગઈ, આ રજૂઆત કરી

સુરત: સુરતના (Surat) ટેકસટાઇલ (Textile) અને ગારમેન્ટ (Garment) ઉદ્યોગમાં કામ કરતી 2 લાખથી વધુ મહિલાઓની રોજગારીને સંભવિત અસર થવાની દહેશતે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની (CAIT) મહિલા વિંગ દ્વારા આજે સુરતના જિલ્લા કલેકટર આયુષ ઓકને આવેદનપત્ર આપી જીએસટીનો (GST) ટેકસ સ્લેબ 5 ટકા યથાવત રાખવા માંગ કરી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરીથી એમએમએફની (MMF) વેલ્યુ ચેઇન પર 12 ટકાનો જીએસટી દર લાગુ કરવા જઇ રહી છે. તેને લઇને સુરત સહિત ગુજરાતમાં અસંખ્ય ઘરોના રસોડા બંધ થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 12 ટકાના દરને લીધે કાપડ પ્રતિ મીટર 6 થી 15 રૂપિયા મોંઘુ થશે.

સુરત સહિત ગુજરાતમાં ગારમેન્ટ અને એમ્બોઇડરી સેકટરમાં મહિલાઓ પર્ન વાઇન્ડિંગ અને શેડની ફેબ્રિકસ પ્રોસેસિંગમાં પેકેજિંગ, ક્લિનિંગનું કામ કરે છે. ગારમેન્ટમાં વેલ્યુ ચેઇનના કામમાં જરદોસી વર્ક, બુટ્ટા અને લૂઝ થ્રેડ કાપડ, ડાયમંડ વર્ક, સ્ટિચિંગ, લેસ સ્ટિચિંગ, સાડી સ્ટિચિંગ, પર્લ ટિક્કી અને સિતારા ફિક્સિંગનું કામ પણ કરે છે. ગારમેન્ટ સેકટરમાં સ્ટિચિંગ, બટન અને હૂક વર્ક સાથે મહિલાઓ સંકળાયેલી છે. સ્પિનિંગમાં રિંગ સ્પિનિંગનું કામ મહિલાઓ કરે છે. તે ઉપરાંત કાપડના વેસ્ટમાંથી સોફટ ટોયઝ, ગાદલા તથા અન્ય ઉત્પાદનો મહિલાઓ કરે છે. કોવિડ-19ને કારણે મોટી સંખ્યામાં મહિલાઓએ ઉદ્યોગ વેપાર ઠપ થતા રોજગારી ગુમાવી હતી. ચાલુ વર્ષે કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગમાં વેપાર સારો થતાં આ મહિલાઓ ફરી કામે ચઢી છે. તેમની સામે ફરી રોજગારીનો પ્રશ્ન ઉભો થવાની શકયતાઓ છે. સુરતમાં ઘણી મહિલાઓ ઘરે રહીને ટેકસટાઇલમાં વેલ્યુ એડિશન વર્ક કરે છે. તેમને જીએસટીના વધારાના 7 ટકાના દરની અસર થઇ શકે છે. કારણકે 12 ટકાના ટેકસને લીધે કાપડ અને ગારમેન્ટની દુકાનો મોટી સંખ્યામાં બંધ થઇ શકે છે. સીએઆઇટીની મહિલા વિંગ વતી કન્વિનર આશા દવે, સહ કન્વિનર પ્રતિભાબેન બૌત્રા, પુનમબેન જોશી અને સીએઆઇટીના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગતે આવેદનપત્ર આપતી વખતે જોડાયા હતા.

1 જાન્યુઆરીએ 12 ટકાનો જીએસટી દર લાગુ થાય એ પહેલા જ ટ્રેડર્સોએ ગ્રે કાપડની ખરીદીને બ્રેક મારી

ટેકસટાઇલમાં જીએસટીનો 12 ટકાનો નવો દર 1 જાન્યુઆરી 2022થી લાગુ થવા જઇ રહ્યો છે. પરંતુ કાપડના વેપારીઓએ જૂનો સ્ટોક ક્લિયર કરવા માટે અત્યારથી ગ્રે કાપડની ખરીદી બંધ કરતા વિવર્સની હાલત ખરાબ થઇ છે. ચેમ્બરની ટેકસેશન કમિટીના સહકન્વિનર મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે, કાપડના વેપારીઓ પાસે અત્યારે જે સ્ટોક પડયો છે તેના પર 5 ટકા જીએસટી લાગુ પડે છે. પરંતુ આજ માલ 1 જાન્યુઆરીએ વેચાશે તો 12 ટકા ડયૂટી ભરવી પડશે. તેને લીધે વિવર્સ ગ્રે કાપડની નવી ખરીદી કરવાનો ટાળી રહ્યા છે. તેની અસર એવી થઇ છે કે, વિવર્સને એક પાળી કામ બંધ કરવાની નોબત આવી શકે છે. બીજી તરફ ફોસ્ટાના પ્રવકતા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે, બે કારણોસર ટ્રેડર્સે ખરીદીને બ્રેક મારી છે. પહેલું કારણ એ છે કે, ટ્રેડર્સ દિવાળી પછી જે સ્ટોક બચ્યો છે તે ક્લિયર કરવા માંગે છે. બીજું કારણ એ છે કે દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે પોંગલનો 1200 કરોડનો વેપાર ધોવાઇ ગયો છે. પોંગલનો સ્ટોક વેપારીઓ પાસે હજી પડયો છે. તેને લીધે વેપારીઓ ગ્રે કાપડની બિનજરૂરી ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.

ફિઆસ્વી અને ગુજરાત ચેમ્બરના નેતૃત્વમાં 19 સભ્યોની રિપ્રેઝન્ટેશન કમિટી બનાવાઇ

કાપડ ઉદ્યોગમાં જીએસટીનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા સામે રાજય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા માટે ફિઆસ્વી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 19 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં વિવર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ, વોર્પ નીટર્સ અને એમ્બ્રોઇડરી સંગઠનના આગેવાનોને સમાવાયા છે. ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીના અધ્યક્ષસ્થાને બનેલી આ કમિટીમાં ગુજરાત ચેમ્બરના પ્રમુખ હેમંત શાહ, ઉપપ્રમુખ પથિક પટવારી, જીતેન્દ્ર વખારિયા, આશિષ ગુજરાતી, હિમાંશુ બોડાવાલા, અશોક જીરાવાલા, મનોજ અગ્રવાલ, પ્રબોધ ભગત, નરેન્દ્ર સાબુ, સાવરપ્રસાદ બુધિયા, રસિક કોટરિયા, સંજય દેસાઇ, મયૂર ગોળવાલા, બ્રિજેશ ગોંડલિયા અને સંદીપ દુગ્ગલનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top