Madhya Gujarat

આણંદમાં દૂધનું ઉત્પાદન વધતાં વધુ એક પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવાશે

આણંદ : પાંચ વર્ષ પહેલા હું અમેરિકા ગયો હતો, જ્યાં લેબ જોઇ હતી. આથી, આવી લેબ ભારતમાં બનાવવી જોઈએ. તેવો વિચાર આવ્યો હતો. આ લેબમાં સિમેન પર ખાસ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે, જે સિમેન થકી પશુમાં ફક્ત વાછરડી કે પાડી જ જન્મે છે. હાલ પ્રાયોગીક ધોરણે તેમાં 95 ટકા જેવી સફળતા મળી છે. ગ્રામ્ય કક્ષાએ પશુપાલનમાં બહેનો ખૂબ જ મહેનત કરે છે. જ્યારે વાછરડી કે પાડી જન્મે તે માટે બાધા પણ રાખતાં હોય છે. પરંતુ હવે તેની જરૂર નહીં પડે. હવે તેમણે જે ધાર્યું છે, તે જ જન્મશે.’ તેમ અમુલ ચેરમેન રામસિંહ પરમારે શુક્રવારના રોજ સિમેન મોબાઇલ લેબના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું.

આ પ્રસંગે રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ઓફ સિઝન હોવા છતાં એક દિવસમાં 32 લાખ લીટર દૂધની આવક પહોંચી ગઈ છે. હજુ પીક સીઝનમાં કેટલું આવશે ? દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે. જેથી તેનું પ્રોસેસ કરીને ક્યાં નાંખવું ? તે પ્રશ્ન ઉભો થયો છે. આથી, આણંદ અમુલ દ્વારા આગામી દિવસમાં વધુ એક પ્રોસેસ પ્લાન્ટ બનાવવામાં આવશે. જે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ્ય લેવલ પર ખેતીમાંથી સારી આવક ન થવાથી લોકો પશુપાલન તરફ વળી રહ્યાં છે. જેના કારણે દૂધનું ઉત્પાદન વધી ગયું છે.

આ કાર્યક્રમમાં ડો. ગોપાલ શુક્લાએ જણાવ્યું હતું કે,  2017માં અમુલ, નોવોજીન બ્રાન્ડ હેઠળ ફ્રોજન સિમેન ડોઝ ગુજરાત તેમજ ગુજરાત બહાર વેચવાની શરૂઆત કરવામાં આવી હતી. ગત વર્ષ દરમિયાન અંદાજીત 55  લાખથી વધુ ડોઝનું વેચાણ કરવામાં આવ્યું છે. અમુલ – નોવોજીન બ્રાન્ડ હેઠળ એક્સપોર્ટ ઓર્ડર પણ લેવામાં આવે છે. આણંદના ઓડ ખાતે અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના હસ્તે લીંગ નિર્ધારિત વિર્ય ડોઝનું ઉત્પાદન કરતી મોબાઇલ લેબનું સિમેન સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રારંભ પ્રસંગે 250થી વધુ કૃત્રિમ વિર્યદાન કર્મચારીઓ અને દૂધ ઉત્પાદકો, આરડાના સુપરવાઇઝર ભાઈ, વેટરનરી ડોક્ટર હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે અમુલ ડેરીના ચૂંટાયેલા સભ્યો, એનડીડીબીના ચેરમેન મિનેશભાઈ શાહ અને અમુલ ડેરીના અધિકારીઓ, દૂધ મંડળીઓમાંથી પધારેલા દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

પશુપાલકને ડોઝ ફક્ત રૂ.50માં જ અપાશે

આણંદ અમુલ ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, લીંગ નિર્ધારીત સિમેન ડોઝ દરેક પશુપાલકોને જરૂરિયાત મુજબ આપવામાં આવશે. આ સિમેનની કિંમત રૂ.900 જેવી છે. જોકે, પશુપાલકને તે ફક્ત રૂ.50માં જ આપવામાં આવશે. બાકીની રકમની 50 ટકા જીસીએમએમએફ અને 50 ટકા અમુલ ડેરી ભોગવશે. સહિયારા પુરૂષાર્થી જ પ્રગતિ થાય છે. આ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવ્યું છે, તે પશુપાલકની પ્રગતિ માટે બનાવવામાં આવ્યું છે. સેક્સ સિમેનના ઉપયોગ માટે રામસિંહ પરમારે ભારપૂર્વક પશુપાલકોને તેનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સાથે સાથે ડબલ મિલ્ક પ્રોડક્શનનો લક્ષ્યાંક સેક્સ સિમેનના ઉપયોગ થકી ઝડપથી સર કરી શકાશે અને પશુપાલન એક ફાયદાકારક વ્યવસાય બનાવી શકાશે.

વાછરડાં, પાડાઓનું પ્રમાણ 60 ટકાથી વધારે હોય છેઃ એમડી

અમુલના મેનેજીંગ ડિરેક્ટર  અમિત વ્યાસે જણાવ્યું હતું કે, એઆઈ કાર્યક્રમ ડિઝીટલ થયા બાદ જાણવા મળ્યું હતું કે વાછરડાં, પાડાઓનું પ્રમાણ 60 ટકાથી વધારે હોય છે. આ બાબતની ચર્ચા કર્યા બાદ સેક્સ સિમેનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સેક્સ સિમેન ડોઝનું કિંમત 900 હતી. તેને માત્ર 50ના નજીવા દરે દૂધ ઉત્પાદકોને આપવામાં આવશે. તેવું નક્કી કરવામાં આવ્યું હતું. અમુલ ડેરી દ્વારા ગત વર્ષ દરમિયાન 30 હજારથી વધુ સેક્સ સિમેનનો મંડળી કક્ષાએ ઉપયોગ કર્યો છે. એક હજારથી વધુ પશુઓનું વિચાણ નોંધાયું છે, તેમાંથી 90 ટકાથી વધુ વાછરડી, પાડીઓ જન્મી છે.

Most Popular

To Top