What’s Hot

More Posts

   The Latest

Most Popular

મુખ્ય દંડક બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાએ સ્ટોલની મુલાકાત લઈ ખરીદી કરી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા
પ્રથમ દિનથી જ ગ્રાહકોનો બહોળો પ્રતિસાદ : મહિલા ઉદ્યમીઓમાં ખુશી
ટ્રાન્સજેન્ડર સખી મંડળ, મધ્યસ્થ જેલ વડોદરાનો સ્ટોલ, નારી સંરક્ષણ ગૃહના સ્ટોલ સહિત અનેક અવનવા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર
વડોદરા, તા. ૨૦ :
નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્વદેશી અભિયાનને સાકાર કરવા રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના અનુસંધાને વડોદરા જિલ્લાના અકોટા સ્ટેડિયમ ખાતે આજથી તા. ૨૨ ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાનું ભવ્ય ઉદ્ઘાટન મુખ્ય દંડક બાળકૃષ્ણ ખાંડેરાવ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મુખ્ય દંડકે મહિલાઓના કૌશલ્ય, પરિશ્રમ અને ઉદ્યમશીલતાની સરાહના કરી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરીને મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપ્યું હતું. મેળાના પ્રથમ જ દિવસથી મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી અને ખરીદી જોવા મળતા મહિલા સ્ટોલધારકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા, કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, ધારાસભ્યો કેયુર રોકડિયા અને યોગેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો સહિત વડોદરા શહેર-જિલ્લાના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નારીશક્તિના કૌશલ્યને પ્રોત્સાહન અને રોજગારની તકો વધારવાના હેતુથી આ સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં ૧૧૦થી વધુ સ્ટોલમાં ગૃહસજાવટની વસ્તુઓ, હસ્તકલા અને પરંપરાગત કલાવસ્તુઓ ન્યાયી તથા નજીવા દરે ઉપલબ્ધ કરવામાં આવી છે.

મેળાની વિશેષતા એ છે કે વડોદરા શહેર અને જિલ્લામાં આત્મનિર્ભર બનેલી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો અહીં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જેમાં ગુંથણ, ભરતકામ, ચર્મકલા, જ્વેલરી, વસ્ત્રો, વિવિધ પ્રકારની મીઠાઈ, ચીકી, ચ્યવનપ્રાશ, મધ, પ્રાકૃતિક રીતે ઉગાડેલ શાકભાજી, અનાજ, મસાલા, ઘર સજાવટની વસ્તુઓ તેમજ આરોગ્યપ્રદ અને પરંપરાગત વ્યંજનોનો સમાવેશ થાય છે.
ટ્રાન્સજેન્ડર સખી મંડળનો પણ સ્ટોલ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને ધ્યાનમાં રાખી કેટલાક વિશિષ્ટ અને અવનવા સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા છે, જે મેળાના વિશેષ આકર્ષણ બની રહ્યા છે. તેમાં અવસર ટ્રાન્સજેન્ડર સખી મંડળનો જ્વેલરી સ્ટોલ, મધ્યસ્થ જેલ વડોદરાનો સ્ટોલ તથા નારી સંરક્ષણ ગૃહના સ્ટોલનો સમાવેશ થાય છે. અવસર ટ્રાન્સજેન્ડર સખી મંડળની પ્રતિનિધિ કૃતિકા વિનોદભાઈ ઘોંગડેએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મંડળમાં પાંચ ટ્રાન્સજેન્ડર સભ્યો છે, જે અગાઉ ઘરેથી જ જ્વેલરી બનાવી વેચાણ કરતા હતા. જિલ્લા તંત્ર દ્વારા બીજી વખત મેળામાં સ્ટોલ મળતા તેઓને વધુ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે. તેમણે નાગરિકોને સ્ટોલની મુલાકાત લઈ ખરીદી કરીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.
મધ્યસ્થ જેલ વડોદરા – સ્ટોલ

મધ્યસ્થ જેલ વડોદરાના સ્ટોલ ખાતે જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સુકો નાસ્તો, બેકરી પ્રોડક્ટ્સ (બિસ્કિટ, ચવાણું, ગાઠિયા), સુથારી કામની વસ્તુઓ, હેન્ડમેડ બેગ, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ જેમ કે રૂમાલ, શેત્રંજી, હાથરૂમાલ તેમજ લિક્વિડ સાબુ, ડિટર્જન્ટ અને ફિનાઈલનો સમાવેશ થાય છે.

To Top