Dakshin Gujarat Main

વલસાડમાં ચોરો 10 તોલા સોનું ઘરમાં મુકી ગયા: કારણ જાણશો તો હસવું આવશે

વલસાડ : સામાન્ય રીતે ચોર ઘરમાં ચોરી કરવા ઘૂસે ત્યારે તમામ કિંમતી ચીજવસ્તુ ચોરી જતા હોય છે, તેમાંય સોના-ચાંદી, હીરાના ઝવેરાત પોટલામાં બાંધીને લઈ જાય છે. કોઈ ચોર જે ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા હોય તે ઘરમાં જ લાખો રૂપિયાનું સોનું છોડીને જતાં રહે તેવું ક્યારેય સાંભળ્યું છે. વલસાડના અબ્રામા ગામના એક મકાનમાં આવી જ વિચિત્ર ઘટના બની છે. અહીં ચોરટાઓ 10 તોલા સોનું મુકીને જતા રહ્યાં હતાં, જે જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

વલસાડના (Valsad) અબ્રામા ઝરણાંપાર્ક સોસાયટીમાં રહેતો કાપડના વેપારી (Textile Trader) ઘર બંધ કરીને પરિવારજનો સાથે સંબંધીને ત્યાં રાજસ્થાન લગ્નમાં ગયા હતા. તસ્કરોએ બંધ ઘરનુ તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરીને 25 તોલા સોનુ, દોઢ કિલો ચાંદી તથા ૪૦ હજાર રૂપિયા રોકડા મળીને લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા. જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. આ સમગ્ર કેસમાં આશ્ચર્યની બાબત એ છે કે આ ચોરટાઓ ઘરમાં 10 તોલા સોનું મુકીને ગયા હતા. કાપડના વેપારી ઘરે પરત ફર્યા ત્યારે 10 તોલા સોનું જોઈને તેઓ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

આ કેસની વિગત એવી છે કે, વલસાડના અબ્રામા ગામમાં આવેલા ઝરણાંપાર્ક સાંઈ કૃપા એપાર્ટમેન્ટમાં રૂમ નંબર 10 માં રહેતા મદનસિંહ સરદારસિંહ રાજપુરોહિત વલસાડમાં કપડાંનો હોલસેલનો વેપાર કરે છે. ગત તા.૧૬-૧૧-૨૧ ના રોજ એમના સંબંધીને ત્યાં રાજસ્થાનમાં લગ્ન હોવાથી ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ કરી બેડ રૂમના કબાટને તોડીને કબાટમાંથી ૨૫ તોલા સોનું, દોઢ કિલો ચાંદી અને ૪૦ હજાર રૂપિયા રોકડા તસ્કરો ચોરી કરી ગયા હતા. ઘરનું તાળુ તૂટેલી હાલતમાં જોતા પડોશીએ ચોરી થઇ અંગેની જાણ મદનસિંહને કરી હતી. તેઓએ આજે સવારે વલસાડ આવી ઘરનો સામાન વેરવિખેર પડેલી હાલતમાં જોતા વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top