Top News

More Posts

   The Latest

Most Popular

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે બેંગલુરૂ અને પટિયાલામાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટસ (આઇએનએસ)માં વિવિધ સ્પર્ધા તેમજ શિબિરમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફના કુલ મળીને 741 સભ્યોના અગમચેતીના કારણોસર કરાયેલા ટેસ્ટીંગમાંથી એથ્લેટ્સ અને સપોર્ટ સ્ટાફ મળીને 30ના કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સૂત્રોએ પીટીઆઇને માહિતી આપી હતી કે જે એથ્લેટ્સનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાં ટોકયો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારો કોઇ એથ્લેટ્સ નથી.

સાઇના સૂત્રોએ એવી પુષ્ટિ કરી હતી કે ભારતીય મેન્સ બોક્સીંગના મુખ્ય કોચ સીએ કુટપ્પા અને શોટ પુટ કોચ મોહિન્દર સિંહ ઢિલ્લોનો પણ તેમાં સમાવેશ થાય છે. જેમનો હોલમાં જ કરવામાં આવેલો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલમાં આઇએનએસ પટિયાલામાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મળીને અંદાજે 313 અને બેંગલુરૂમાં 428નો કોવિડ-19 ટેસ્ટ કરાયો હતો. જેમાં પટિયાલામાં 26 જ્યારે બેંગલુરૂમાં 4નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પટિયાલામાં જે 26 પોઝિટિવ કેસ મળ્યા છે તેમાંથી 16 ખેલાડી અને બાકીના સપોર્ટ સ્ટાફના સભ્યો છે.

સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે આ 313માંથી 26 એથ્લેટ્સ-સપોર્ટ સ્ટાફનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી 6 ઇન્સ્ટીટ્યૂટમાં ટ્રેનિંગ લઇ રહેલા ટ્રેક એન્ડ ફિલ્ડ ગ્રુપના એથ્લેટ્સ છે. જો કે સારી વાત એ રહી હતી કે તેમાંથી એકપણ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારો એથ્લેટ નથી. 26 પોઝિટિવ તમામને ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે અને તેની સાથે જ સમગ્ર કેમ્પસને સેનેટાઇઝ કરી દેવાયું છે.

એનઆઇએસમાં મોટાભાગે ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા બોક્સર, ટ્રેક એન્ડ ફિલ્ડના એથ્લેટ્સ અને વેઇટલિફ્ટર્સ ઉપરાંત અન્ય સ્પર્ધાઓના એથ્લેટ્સ પણ રહે છે. જે 10 બોક્સરોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાં એશિયન સિલ્વર મેડલિસ્ટ દીપક કુમાર અને ઇન્ડિયા ઓપનના ગોલ્ડ મેડલિસ્ટ સંજીતનો સમાવેશ થાય છે. સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે હજુ થોડા રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

To Top