Editorial

પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવીશું તો જ દુનિયા બચી શકસે

પ્રકૃતિ તથા માનવ ઈશ્વરની અનુપમ કૃતિ છે. પ્રકૃતિ અનાદિકાળથી માનવીની જીંદગીનું અભિન્ન અંગ રહી છે. પરંતુ વર્તમાન સમયમાં જોવામાં આવ્યું છે કે, પોતાના ભૌતિક સુખો તથા ઈચ્છાપુર્તિ માટે આપણે નિરંતર પ્રકૃતિ સાથે ચેડાં કરી રહ્યા છે.  કારણ કે, ઉપભોક્તાવાદી મુનષ્યએ પોતાની સગવડ માટે  પર્યાવરણના નિયમોનો છેદ ઉડાડીને પોતાના જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ એટલી હદે વધારી દીધો છે કે પ્લાસ્ટિકની ભયંકર આડઅસરો જાણવા છતાં પણ તે તેનો ઉપયોગ ટાળવા અસમર્થ બન્યો છે. જાણે કે આપણી જીંદગી પ્લાસ્ટિકના ઉપયોગ વગર અધુરી બની ગઈ છે. સવારની શરુઆતમાં પ્લાસ્ટિકના ટુથબ્રશથી લઈને પાણીની બોટલ, નહાવાની બાલ્ટી તથા ટિફિન બોક્ષથી લઈને આપણી આસપાસમાં પ્લાસ્ટિકે પોતાનું આધિપત્ય એવી રીતે જમાવી દીધું છે કે આપણે ઈચ્છવા છતાં તેની પકડમાંથી છટકી નથી શકતા.

આંકડાઓ જણાવે છે કે દર વર્ષે વિશ્વમાં 30 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે. આ વજન સમગ્ર દુનિયાની વસ્તી જેટલું છે. સંશોધનકર્તાઓ દ્વારા જાણવા મળ્યું છે કે, 1950થી અત્યાર સુધી 8.3 અરબ ટન પ્લાસ્ટિક દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. વર્ષ 2000 બાદ પ્રથમ દસકમાં જેટલુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું તે છેલ્લા 40 વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદન કરતાં વધુ હતું. આપણાં દેશની વાત કરીએ તો ભારતમાં દરરોજ 25,940 ટન પ્લાસ્ટિકના કચરાનું ઉત્પાદન થાય છે. જે 9000 એશિયાઈ હાથીઓના વજન બરાબર છે.

પ્લાસ્ટિકની શોધ આપણા જીવનમાં ઘણાં બધા ફેરફારો તથા સગવડ લઈને આવી હોવાના કારણે આપણે બેધડક તેનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું. પ્લાસ્ટિક આવતાંની સાથે જ આપણે કાપડના થેલાને તિલંજલિ આપીને તેના સ્થાને પોલિથિનની બેગનો પગપેંસારો કરાવ્યો. હવે આજે પરિસ્થિતિ એવી છે કે, પ્લાસ્ટિકે આપણા દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પોતાની બાનમાં લીધુ છે. કારણ કે, પ્લાસ્ટિકે જીવન જરુરિયાતની મોટાભાગની વસ્તુઓ પર પોતાની પકડ જમાવી દીધી છે. જેથી સરળતાથી મળી રહેતું અને કિંમતમાં સસ્તુ એવું પ્લાસ્ટિક આપણા જીવનનો એક હિસ્સો બની ગયું છે. પ્લાસ્ટિકની એક બેગ પોતાના વજન કરતાં 2000 ગણુ વધુ વજન ઉચકવાનું સામર્થ્ય ધરાવે છે તેમજ તે કાચના પ્રમાણમાં ક્યાંક લઈ જવા માટે પણ એકદમ સરળ છે તેમજ લોભામણા કલરોમાં મળી રહે છે.

પરંતુ પ્લાસ્ટિક આપણને જેટલી સગવડ આપે છે તેટલી જ તે આપણા આરોગ્ય પર ગંભીર અસરો કરે છે. કારણ કે પ્લાસ્ટિક બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા હાનિકારક રસાયણોને પગલે આપણે જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તો તેમાં રહેલાં રસાયણો આપણા શરીરમાં ભળે છે અને તે આપણને ગંભીર નુકશાન પહોંચાડે છે. કારણ કે પ્લાસ્ટિકને નાશ થતાં હજારો વર્ષો લાગે છે જેથી જ્યાં સુધી તે સંપુર્ણ રીતે નષ્ટ નહીં થાય ત્યાં સુધી તે અલગ-અલગ રીતે આપણને નુકશાન કરતું રહે છે. જેમ કે, તે પાણીમાં ભળેલું રહે ત્યાં સુધી તેના હાનિકારક તત્વો પાણીમાં છોડતું રહે છે જેથી તેને પીવાથી આપણને કેન્સર જેવી ગંભીર બિમારીઓની ભેટ મળી શકે છે.

જ્યારે લોકો એવું માને છે કે તેને બાળીને નાશ કરી શકાય છે તો તે ભુલ ભરેલું છે. કારણ કે તેને બાળવાથી તેના ઝેરી રજકણો આપણા શ્વાસ મારફતે શરીરમાં દાખલ થાય છે અને ગંભીર રોગો નોંતરે છે. એટલું જ નહિ તેને જમીનમાં દાટી દેવામાં આવે તો પણ તેના કેમિકલો જમીનમાં ભળતા રહે છે અને જમીનને દુષિત કરે છે. આપણે કુદરતને માણવા માટે દરિયા કિનારા કે હિલ સ્ટેશનોનો આશરો લઈએ છીએ. પરંતુ એ ભુલી જઈએ છીએ કે આપણા દ્વારા ત્યાં ઉપયોગ કરીને ગમે ત્યાં ફેંકવામાં આવેલી પ્લાસ્ટિની પાણીની બોટલો, પોલિથિનની બેગો કે રેપર વગેરેને કારણે ત્યાંના પર્યાવરણને ગંભીર આડઅસરો થાય છે. દરિયાના પાણીમાં ભળેલા પ્લાસ્ટિકને કારણે દરિયાઈ જીવો સામે ખતરો મંડરાઈ રહ્યો છે.

જો કે, આપણા દેશમાં પણ પ્રધાનમંત્રી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાની હાકલ કરાઈ છે અને કેટલાંક રાજ્યોમાં પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ પણ મુકાયો છે. પરંતુ આપણે પણ કુદરતની સુંદરતા જાળવી રાખવા માટે આગળ આવવું પડશે અને પોતાના સ્તરે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના પ્રયત્નો કરવા પડશે અને તેની શરુઆત આપણા ઘરથી લઈને આસ-પડોશના લોકોને જાગૃત કરવાથી કરી શકાય. કારણ કે આપણે પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવીશું તો તેની જરુર દિવસે-દિવસે ઘટતી જશે અને પ્લસ્ટિકના ઉત્પાદનનું પ્રમાણ પણ ઘટશે. આટલું જ નહિ સરકારી તંત્ર દ્વારા પણ બેફામ થઈ રહેલા પ્લાસ્ટિકના ઉત્પાદન પર લગામ કસવી જોઈએ જેથી આપણી આવનારી પેઢીઓ પ્લાસ્ટિકના ભરડામાંથી ઉગરી શકે.

જો કે, આપણી સરકાર પણ આ મુદ્દાને નાથવા માટે કટિબધ્ધ હોય એમ હાલમાં જ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી એક સડકનું નિર્માણ કર્યુ છે. ફરિદાબાદના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ બહાર બનાવાયેલી 850 મીટરની સડકના અધ્યયન બાદ સામે આવ્યુ છે કે તે સામાન્ય રીતે બનતી સડક કરતાં સસ્તો અને સારો વિકલ્પ બની શકે છે. જેથી દેશના અન્ય રાજ્યોમાં પણ આ ટેક્નિક અમલમાં લાવવાનું વિચારાઈ રહ્યુ છે. આ ઉપરાંત રિસાઈકલિંગ પણ એક સારો વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે જેના ભાગરુપે દેશને પ્લાસ્ટિકના ખતરાથી મુક્તિ અપાવવામાં કેટલીક રિસાઈકલિંગ કંપનીઓ આગળ આવી પોતાનું યોગદાન આપી રહી છે

પ્રથમ માનવ નિર્મિત પ્લાસ્ટિકની શોધ 1855માં એલેક્ઝાન્ડર પાર્ક દ્વારા કરવામાં આવી હતી. તેમણે આ પ્લાસ્ટિકને પેર્સેનેસ (જે બાદમાં સેલ્યુલોઈડ તરીકે ઓળખાયું) નામ આપ્યું. પ્લાસ્ટિકનો વિકાસ થતાં પ્રાકૃતિક રુપે શોધાયેલી કુદરતી સામગ્રીઓ જેવી કે, રબર, નાઈટ્રોકેલુલોઝ, કોલેઝનના ઉપયોગ શરુ થયા અને સમયાંતરે પ્રાકૃતિક પ્લાસ્ટિક સામગ્રી એવી ચ્યુંઈગમનો ઉપયોગ શરુ થયો. બાદમાં સંપુર્ણ રીતે સિન્થેટિક અણુંઓના ઉપયોગ થકી પ્લાસ્ટિકની બનાવટની શોધ થઈ. હાલમાં પ્લાસ્ટિકમાં કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઈટ્રોજન, ક્લોરિન તથા સલ્ફર જેવા વિવિધ તત્વોનું મિશ્રણ હોય છે. તેમાં દરેક અણુ-પરમાણુંઓને એકસાથે બાંધી શકાય છે. પોલિમર તરીકે ઓળખાતા પ્લાસ્ટિકને પ્રાકૃતિક વસ્તુઓના રુપાંતરણ દ્વારા કે સામાન્ય રીતે તેલ, પ્રાકૃતિક ગેસ કે કોલસાથી મળનારા પ્રાથમિક રસાયણો દ્વારા બનાવવામાં આવે છે. મુળરુપથી આ એક સિન્થેટિક પોલિમર છે, જેમાં કેટલાંક કાર્બનિક અને અકાર્બનિકોનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને ઓફેલિન જેવા પેટ્રોકેમિકલ્સમાંથી પ્રાપ્ત થાય છે.

Most Popular

To Top