Vadodara

બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં વૃદ્ધાનું મોત થતા હોબાળો

વડોદરા: શહેરના હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ બેન્કર હાર્ટ એન્ડ મલ્ટી- સ્પેશ્યાલિટી ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગોરવા વિસ્તારના વૃધ્ધાનું મોત થતા મૃતકના સ્વજનોએ ડોકટરોની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે ફરજ પર હાજર હોસ્પિટલના સત્તાધિશોએ તેમના પર કરાયેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા. વડોદરામાં ડોકટરોની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના સ્વજનો હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હોવાની ઘટના રવિવારે બની હતી. મળતી માહિતી અનુસાર શહેરના ગોરવા વિસ્તારમાં સ્થિત રણછોડરાય નગર માં ઉ.વ.66 પુષ્પાબેન દેવેન્દ્રભાઈ રાવલ જેઓને છાતીમાં દુખાવો થતાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલી બેન્કર હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે એન્જીઓગ્રાફીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જે રિપોર્ટમાં હૃદયની ત્રણ નળીમાં બ્લોકેજ હોવાનું જણાઈ આવ્યું હતું.

અને ડોક્ટરોએ દર્દીને બાયપાસ સર્જરી કરાવી પડશે તેમ જણાવ્યું હતું.જેથી તેઓનું ત્યાં જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ દર્દી પુષ્પાબેનને વારસિયા રિંગ રોડ પર આવેલ બેન્કર હાર્ટ એન્ડ મલ્ટી- સ્પેશ્યાલિટી ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં તેઓને વારેઘડીએ ઉલ્ટીઓ થતા આ અંગેની જાણ સ્વજનોએ ફરજ પર હાજર સ્ટાફને કરી હતી. જોકે ઓપરેશન કર્યા પછી ઉલ્ટીઓ થવી રિપોર્ટ બરાબર છે તેમ કહી આ બાબતને સામાન્ય ગણાવી હતી. દરમિયાન રવિવારે સવારે  સ્વજનોને દર્દી પુષ્પાબેન રાવલની કિડનીમાં તકલીફ છે સોજા આવી ગયા છે. તેમની કિડની કામ કરતી નહીં હોવાથી તેઓનું નિધન થયું હોવાનું જણાવતા મૃતક પુષ્પાબેનની બંને પુત્રીઓ સહિત સ્વજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી ડોકટરોની બેદરકારીના કારણે પોતાની માતાનું મોત થયું હોવા સાથે ગંભીર આક્ષેપ કર્યા હતા.

દર્દીની સ્થિતિ અંગે જાણ કરી હતી, સત્તાધીશો
દર્દીનું ડોકટરોની બેદરકારીને કારણે મોત નિપજયું હોવાના આક્ષેપ સામે હોસ્પિટલના સત્તાધીશોએ સ્વજનોએ લગાવેલા તમામ આરોપો ને નકારી કાઢ્યા હતા.તેમજ દર્દીની તબિયત સુધારા પર હતી.એકાએક તેની તબિયત લથડી હતી અને આ અંગે સ્વજનોને જાણ પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.જ્યારે બેન્કર હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દર્દીની પરિસ્થિતિ અંગે સ્વજનોને જાણ કરતી વખતે તેઓની સહી પણ લેવામાં આવે છે.

આયુષ્યમાન કાર્ડના પેકેજની લિમિટ પુરી થઈ ગઈ 
મૃતકના પુત્રી હેમાબેને જણાવ્યું હતું કે રિપોર્ટ નોર્મલ છે, તેમ ડોક્ટરોએ કહે છે અને પછી કિડનીમાં સોજા આવી ગયા છે એટલે તમે બીજા કોઈ  હોસ્પિટલમાં લઈ જાવ. જ્યારે સારવાર કરાવતા આયુષ્યમાન કાર્ડના 5 લાખનું પેકેજ પતી ગયું છે. પણ એક અઠવાડિયામાં કેવી રીતે પતી જાય તમે બીજે લઈ જાઓ અને અહીં રાખવા હોય તો એક દિવસનો ચાર્જ 20 હજાર રૂપિયા થશે તેમ જણાવ્યું હતું.

4 દિવસથી ડો.વિપુલ ધક્કા ખવડાવતો હતો
રીટાબેન રાવલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં જ્યારે ઓપરેશન માટેની તારીખ લેવા માટે ગયા તે સમયે પણ ડોક્ટર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે. ચાર દિવસથી ડોક્ટર વિપુલ વાઘેલાને રિપોર્ટ બતાવવા જતાં હતા.પરંતુ ધક્કા ખવડાવ્યા હતા.ઓપરેશન માટે ગયા તો ચાર કલાક બેસાડી રાખ્યા. ખાલી તારીખ લેવા માટે બીજા દિવસે મારી માતાને દુખાવો થયો તો 25 હજાર ભરો બે દિવસ રાખીશું. જોકે ડોકટરોની માણસાઈ મરી પરવારી હતી.

Most Popular

To Top