Business

શિવ અનાર્ય દેવ છે?

શંકાનિવારણ
1. શિવ અનાર્ય દેવ છે?
કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ આ વિચાર વહેતો મૂકયો અને તેમના અનુકરણમાં કેટલાક વામણા ભારતીય વિદ્વાનોએ પણ એ વાત સ્વીકારી લીધી કે શિવ મૂલતઃ અનાર્ય દેવ છે અને આર્યોએ પાછળથી તેમને પોતાના દેવ તરીકે સ્વીકારેલ છે.
વસ્તુત: આ આક્ષેપ સાવ તથ્યહીન છે, આ આશંકા અર્થહીન છે.
શિવ અનાર્ય દેવ છે તેમ માનનારા વિદ્વાનો પોતાની આ માન્યતાના સમર્થનમાં આવી દલીલો કરે છે :
(૧) શિવનો અમંગળ વેશ તેમની અનાર્યતા સૂચવે છે.
(૨) શિવનો પ્રસાદ ગ્રહણ ન કરવાની પરંપરા તેમની અનાર્યતા સૂચવે છે.
(૩) હડપ્પા અને મોહેં-જો-દડોના અવશેષોમાં શિવલિંગ મળ્યાં છે. આ બંને નગરી અનાર્ય પ્રજાનાં નગરો મનાય છે.

(૪) શિશ્નપૂજા અને યોનિપૂજા અનાર્ય પરંપરાની સૂચક છે. શિવલિંગ શિવશિશ્ન છે, તેથી શિવ અનાર્ય દેવ હોય તેમ કહી શકાય. આ ચારે દલીલોના પ્રત્યુત્તર આ પ્રમાણે છે :
૧. શિવના સ્વરૂપમાં ભસ્મ, વ્યાઘ્રચર્મ, નાગ, ખોપરી આદિ છે. તેમનો સાંકેતિક અર્થ આપણે જોઈ ગયા છીએ. આ પદાર્થોને સ્થૂળ અર્થમાં લઈએ તો શિવના બ્રહ્મસ્વરૂપને સમજી શકાય તેમ નથી તેથી આ પદાર્થોનો સૂક્ષ્મ અને સાંકેતિક અર્થ જ લેવો જોઈએ અને તો શિવને અમંગલ વેશધારી કહી શકાય તેમ નથી.
એ ન ભૂલવું જોઈએ કે ભારતીય પરંપરામાં શિવને બાહ્ય દૃષ્ટિથી અમંગલ ગણેલ હોવા છતાં સર્વમંગલદાયી ગણેલ છે.
(શિવમહિમ્નસ્તોત્ર : ૨૪)
શિવનો વેશ પ્રથમ દૃષ્ટિએ અમંગલ જેવો લાગે છે, તેનું કારણ એ છે કે શિવજી નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ છે. નિર્ગુણ બ્રહ્મ ગુણરહિત છે, ગુણાતીત છે. જે સ્વરૂપ દ્વારા નિર્ગુણ બ્રહ્મ સૂચિત થાય છે, તે સ્વરૂપ પિતાંબર પહેરે તો શોભે ? આવા અલંકારો સગુણ-સાકાર બ્રહ્મને શોભે, નિર્ગુણ બ્રહ્મને નહીં. આ દૃષ્ટિથી શિવના વેશને સમજવામાં આવે તો સ્પષ્ટ થશે કે શિવનો આ વૈરાગી જેવો વેશ તેમની અનાર્યતાનો નહીં પરંતુ તેમના પરબ્રહ્મપણાનો દ્યોતક છે.
૨. શિવનો પ્રસાદ ગ્રહણ ન કરવાનું કારણ આપણે જોઈ ગયા તે પ્રમાણે શિવની પરબ્રહ્મતા જ છે, શિવની અનાર્યતા નહીં જ.
જો આર્ય પ્રજા શિવને અનાર્ય માનીને તેનો પ્રસાદ ગ્રહણ ન કરે તો તેની પૂજા શા માટે કરે ? તેનાં મંદિરો શા માટે રચે ? તેની પ્રાર્થના શા માટે કરે ? તેના યજ્ઞો શા માટે કરે?
આમ પ્રસાદ ન ગ્રહણ કરવાની પરંપરા દ્વારા શિવને અનાર્ય દેવ ગણી શકાય નહીં.

૩. હડપ્પા અને મોહેં-જો-દડોના અવશેષોમાં શિવલિંગ મળી આવ્યાં તેટલા માત્રથી શિવ અનાર્ય દેવ છે તેમ સિદ્ધ થઈ શકે નહીં. કોઈ પણ અનુમાન પ્રક્રિયાને આટલી હદ સુધી લંબાવી શકાય નહીં. શિવલિંગ ત્યાં કેવી રીતે અને કયા સ્વરૂપે હતું તે આપણે કહી શકીએ તેમ નથી તેથી આવા એકાદ અવશેષ દ્વારા શિવને અનાર્ય દેવ સાબિત કરવા તે અસંગત દલીલ છે.
૪. શિવલિંગને શિવશિશ્ન માનવું તે જ બરાબર નથી. શિવલિંગ શિવતત્ત્વનું ચિહ્ન છે. શિવલિંગ એટલે શિવનું ચિહ્ન, પરંતુ શિવનું શિશ્ન નહીં. આમ શિવલિંગ તે શિવશિશ્ન નથી જ. તેથી શિશ્નપૂજાના અનુમાન દ્વારા શિવને અનાર્ય દેવ માની શકાય તેમ નથી.
આમ શિવને અનાર્ય દેવ માનવા માટેની ચારે દલીલો વજૂદ વગરની છે.

શિવ વૈદિક દેવ છે તેવા પાર વિનાના પુરાવા વૈદિક સાહિત્યમાં મળી આવે તેમ છે. વેદમાં અનેક સ્થળે રુદ્રનાં સૂક્તો છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી વૈદિક મંત્રોનો જ સમુચ્ચય છે. રુદ્રીનો પાંચમો અધ્યાય શતરુદ્રી ગણાય છે. તેમાં રુદ્રની જ વંદના કરેલી છે. વૈદિક ભાષામાં જે રુદ્ર છે, તે જ પૌરાણિક ભાષામાં શિવ છે. યજુર્વેદના નમનાનુવાકના આઠમા અનુવાકના ત્રણ મંત્રો અહીં જોઈએ :
नम: शंभवे च मयोभवे च ।।9।।
नम: शंकराय च मयस्कराय ।।10।।
नम: शिवाय च शिवतराय च ।।11।।
રુદ્રને નમન કરનારા આ ત્રણે મંત્રોમાં શિવનાં ત્રણે નામો છે : શંભુ, શંકર અને શિવ. વેદમાં આવાં બીજાં પણ અનેક સૂક્તો અને મંત્રો છે જેમના પરથી સ્પષ્ટતઃ સિદ્ધ થાય છે કે રુદ્ર અર્થાત્ શિવ એક વૈદિક દેવ છે. જે દેવના વેદમાં આટલાં ગુણગાન ગવાયાં છે, આટલી પ્રાર્થના થયેલ છે તે દેવને અનાર્ય ગણવા તે સર્વથા અસત્ય છે. આદિથી અંત સુધી શિવ આર્ય પ્રજાના ઇષ્ટદેવ છે. આર્ય પ્રજાના હૃદયમાં તેમનું સ્થાન અબાધિત છે. શિવને અનાર્ય દેવ ગણીને પ્રજાની અસ્મિતાને તોડવાનો પ્રયત્ન કરવો તે રાષ્ટ્રીય અપરાધ તો છે જ પણ તેથીયે વિશેષ તો તે એક શિવ-અપરાધ છે.

૨. શિવલિંગ શિવશિશ્ન છે ?
આપણે જોઈ ગયા તે પ્રમાણે ‘લિંગ’ પદનો અર્થ અહીં શિશ્ન નહીં પરંતુ ચિહ્ન છે, તેથી શિવલિંગ એટલે શિવનું શિશ્ન નહીં પરંતુ શિવતત્ત્વનું અર્થાત્ બહ્મતત્ત્વનું ચિહ્ન. વેદમાન્ય ભારતીય પરંપરામાં શિશ્નપૂજા, યોનિપૂજાને કોઈ સ્થાન નથી. ભારતમાં વામતાંત્રિકો સિવાય કોઈએ આવી પૂજાને માન્ય પણ ગણી નથી અને સ્વીકારી પણ નથી. વામતાંત્રિકો પણ શિશ્નપૂજા કે યોનિપૂજા એકાંતમાં ગુપ્ત રીતે કરતા અને તેમને તથા તેમની આવી વિધિઓને સમાજ તરફથી ત્યાજ્ય અને બહિષ્કૃત ગણવામાં આવેલ છે, તેથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સમાજે યોનિપૂજા કે શિશ્નપૂજાનો વ્યાપક રીતે અને ખુલ્લી રીતે ક્યારેય સ્વીકાર કર્યો નથી.

શિવપૂજા તો ભારતમાં વ્યાપક રીતે થાય છે. સમાજમાન્ય ગણાય છે. શિવલિંગ ભારતના સર્વ હિન્દુઓ માટે હંમેશાં વંદનીય અને પૂજનીય જ ગણાયાં છે. શિવપૂજા તો ભારતમાં સર્વમાન્ય, ગણમાન્ય અને સાર્વભૌમ ગણાય છે. આવી સાર્વભૌમ ધાર્મિક વિધિને શિશ્નપૂજાનું સ્વરૂપ ગણવામાં આવે તો તે માત્ર ભૂલ જ નહીં, પરંતુ અપરાધ પણ છે. કેટલાક વામણા અને દૃષ્ટિહીન વિદ્વાનો(?)એ આવી વાત વહેતી મૂકી છે કે શિવલિંગ તે શિવશિશ્નનું પ્રતીક છે પરંતુ વાતાવરણમાં વહેતા મુકાયેલા આ વિચારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આપણા માટે સૂર્ય જેવું સ્પષ્ટ અને પહાડ જેવું નિશ્ચિત સત્ય એ છે કે શિવલિંગ એટલે બ્રહ્મતત્ત્વનું ચિહ્ન કે પ્રતીક. વસ્તુતઃ તો આવાં મોં-માથાં વિનાના આક્ષેપનો ઉત્તર પણ ન આપવો જોઈએ. ઉત્તર આપવા જેટલી યોગ્યતા પણ આ આક્ષેપમાં નથી પરંતુ આવા આક્ષેપોનો પ્રચાર થયો છે. પુસ્તકોમાં પણ આવા આક્ષેપોને સ્થાન આપવામાં આવે છે. સજ્જનો પણ છેતરાય છે. આવી પરિસ્થિતિ હોવાથી આવા તથ્યહીન આક્ષેપોનો ઉત્તર આપવાનું સંજોગોવશાત્ આપણા માથે આવી પડે છે.

ઉપસંહાર :
 तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर ।
 यादृशोऽसि महादेव तादृशाय नमो नम: ।।
“હે મહેશ્વર (મહાદેવ) ! તમે કેવા છો, તે તમારું તત્ત્વ હું જાણતો નથી. તમે જેવા હો તેવા, હે મહાદેવ ! હું તમને નમસ્કાર કરું છું.”
શિવતત્ત્વ અનંત છે, તેનો મહિમા અનંત છે, તેનું સ્વરૂપ અમાપ અને અગમ્ય છે. તેને પૂરેપૂરું કોણ જાણી શકે?’’
શિવની કૃપાથી અમે શિવતત્ત્વને કંઈક જાણીએ છીએ અને જે કાંઈ જાણીએ છીએ તે શિવનાં ચરણોમાં સમર્પિત કરીએ છીએ.

ॐ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् ।
 उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ।।
“સુગંધ અને પુષ્ટિનું વર્ધન કરનાર ત્રિનેત્ર શિવનું અમે યજન કરીએ છીએ. કાકડી જેમ વેલાના બંધનથી મુક્ત થાય, તેમ તે (શિવ) અમને મૃત્યુરૂપી સંસારમાંથી મુક્ત કરે, પણ (પરમ તત્ત્વરૂપ) અમૃતથી નહીં.”

Most Popular

To Top