Gujarat

મુખ્યમંત્રીએ ‘નમો વડ વન’ અભિયાનની શરૂઆત કરી, 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થાપવામાં આવશે

ગાંધીનગર : આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ (International Forest Day) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગર ખાતે વડનું વૃક્ષ વાવીને ‘નમો વડ વન’ (Namo Vad Van) અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રેરણાથી ઉજવાઈ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ અને આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું ‘નમો વડ વન’ નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન:પ્રસ્થાપિત કરશે. આ સાથે રાજ્યોમાં નમો વડ વન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થાપવામાં આવશે અને પ્રત્યેક વનમાં 75 વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં નમો વડ વન અભિયનાની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમને પણ વેગ આપશે. નમો વડ વન અંતર્ગત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડી રહ્યું છે ત્યારે આપણે વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વનો ઊભા કર્યા છે. વન મહોત્સવો દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધારવાનો માર્ગ અપનાવ્યો છે.

આ અંગે વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વન વિસ્તારમાં વસતા વનબંધુઓનો જીવન નિર્વાહ વન્ય પેદાશો છે અને વનો જ વનબંધુઓનો આર્થિક ટેકો છે. તેથી આપણે એ વનબંધુઓને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણવન પેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને આપ્યા છે. એટલું જ નહીં વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા 30 થી 35 લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે. તેમણે કહ્યું કે આ વર્ષેના બજેટમાં બાબ્મુ મિશન યોજના હેઠળ 5893 હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઇ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને જે વિકાસના બીજ રોપ્યા હતા, તે હવે વટવૃક્ષ બની કરોડો નાગરિકોને  સુશાસનની આગવી સુખ સુવિધાઓ આપશે.

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2021ના અહેવાલ અનુસાર રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 6900 હેકટરનો વધારો થયો છે. રાજ્યમાં 2003 માં વન વિસ્તાર બહાર અંદાજે 25.10 કરોડ વૃક્ષો હતા, તે વધીને હવે 2021 ની વૃક્ષ ગણતરી મુજબ 39.75 કરોડ વૃક્ષો થયા છે.

Most Popular

To Top